Fri Apr 17 2026

Logo

IND vs ZIM: ચેપોકના મેદાન પર ઈમ્પોર્ટેડ કેમિકલ છાંટવામાં આવ્યું, જાણો શું છે કારણ

2026-02-26 17:46:21
Author: Savan Zalaria
Article Image

ચેન્નઈ: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 સ્ટેજમાં આજે ભારત ઝિમ્બાબ્વે સામે ચેન્નઈના ચેપોક સ્થિત એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે મેચ રમશે, ભારત માટે આ ‘કરો યા મરોનો મુકાબલો’ છે. ભારતીય ટીમ આ મેચ મોટા માર્જીનથી જીતવાનો પ્રયાસ કરશે. આ મેચ સાંજે રમવાની હોવાથી ઝાંકળ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ડ્યુ ફેક્ટરની અસર ઓછી કરવા માટે સ્ટેડીયમમાં ખાસ પ્રકારના એક કેમિકલનો છંટકાવ કરવામાં આવ્યો છે.

એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ દરિયા કિનારે આવેલું છે. અહીં રાત્રિના સમયે નોંધપાત્ર માત્રામાં ઝાકળ પડે, જેને કારણે બીજી ઇનિંગમાં બોલિંગ કરવી મુશ્કેલ બને છે અને બેટર માટે સરળતા રહે છે. અહેવાલ મુજબ આજે મેચના સમય દરમિયાન ભેજનું સ્તર 80 થી 90 ટકાની વચ્ચે રહી શકે છે.

કેમિકલ છાંટવામાં આવ્યું:

અહેવાલ મુજબ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ પડકારમાં 'ડ્યુ ક્યોર' તરીકે ઓળખાતા એક કેમિકલનો છંટકાવ કર્યો છે. આ કેમિકલ યુનાઇટેડ સ્ટેટ્સથી આયાત કરવામાં આવ્યું છે. 
મંગળવાર અને બુધવારે મેદાન પર 'ડ્યૂ ક્યોર' છાંટવામાં આવ્યું હતું, આજે ગુરુવારે બપોરે પણ તેનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ કેમિકલને કારણે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે સાંજની મેચ દરમિયાન ઝાકળની અસર ઓછી થઇ શકે છે.

સ્પિનર્સને મળશે રાહત:

સામાન્ય રીતે ચેપોક સ્ટેડીયમમાં સ્પિનરોનો દબદબો રહે છે, પિચ પરથી બોલ થોડો રોકાઈને આવે છે, અહીં બેટર્સને ધીરજ સાથે રમવાની જરૂર રહે છે. રાત્રે ઘાસ પર વધુ ભેજ જામી જાય ત્યાર બાદ બોલ સ્પિનર્સના હાથમાંથી સરકવા લાગે છે, અને બોલ સ્પિન કરવો મુશ્કેલ બને છે, જેનો સીધો લાભ બેટર્સને થઇ શકે છે. 'ડ્યુ ક્યોર' કેમિકલને કારણે સ્પિનર્સને રાહત મળી શકે છે.