Fri Apr 17 2026

Logo

યુએસ વોરશીપ પર ખાવાના ફાંફા! સૈનિકો ભૂખ્યા પેટે રહેવા મજબૂર, જુઓ તસ્વીરો

Wasington D.C.   2026-04-17 13:27:00
Author: Savan Zalariya
Article Image

વોશિંગ્ટન ડી સી: ઈરાન સામે સશસ્ત્ર સંઘર્ષ શરુ થયા પહેલા અરબ સાગરમાં તૈનાત યુએસના એક વોરશીપમાં ટોઈલેટ્સ બ્લોક થઇ જવાની ઘટના બની હતી, જેને કારણે સોશિયલ મીડિયા પર દુનિયાની સૌથી શક્તિશાળી નેવીની મજાક ઉડાવવામાં આવી હતી. હવે મધ્ય પૂર્વમાં તૈનાત યુએસ નેવીના સભ્યોએ વધુ એક ખુલાસો કર્યો છે, ઈરાન સામેના સંઘર્ષ દરમિયાન યુએસના યુદ્ધ જહાજો પર ખોરાકની અછત ઉભી થઇ છે. 

યુએસના એક અખબારના અહેવાલ મુજબ હાલ મધ્યપૂર્વમાં તૈનાત યુએસએસ ત્રિપોલીમાં સેવા આપી રહીલી એક મહિલા કર્મચારીએ તેના પરિવારજનોને તેના લંચ ટ્રેના ફોટો મીકાલ્યા છે. ફોટોમાં લંચ ટ્રે લગભગ ખાલી જોવા મળે છે, ટ્રેમાં થોડા કાપેલા માંસના ટુકડા અને ફોલ્ડેડ ટોર્ટિલા જોવા મળે છે.

પાછળથી યુએસએસ અબ્રાહમ લિંકન સહિત અન્ય યુએસ જહાજોમાં પણ આવી જ સ્થિતિ ઉભી થઇ હોવાના અહેવાલો સામે આવ્યા. એક ફોટોમાં જોવા મળે છે કે ટ્રેમાં બાફેલા ગાજર, સૂકા માંસનો ટુકડો અને પ્રોસેસ્ડ મીટ સ્લેબ પીરસવામાં આવ્યા છે.

નેવી કર્મચારીઓના પરિવારજનોએ જણાવ્યું કે મધ્યપૂર્વમાં તૈનાતી દરમિયાન જહાજમાં ખોરાકની અછત ઉભી થઇ છે. 

સૈનિકોનો જુસ્સો ઘટ્યો:
યુએસએસ ત્રિપોલી પર સવાર એક કર્મચારી એ તેની માતાને મેકલેલા મેસેજમાં લખ્યું કે સેવા બજાવતા સભ્યો જ્યારે શક્ય હોય ત્યારે ખાય છે અને જ્યારે પુરવઠો ઓછો હોય ત્યારે ખોરાકને સમાન રીતે વહેંચે છે. કર્મચારીએ લખ્યું, "ખોરાકનો પુરવઠો ઓછો રહેશે, તો અમારો જુસ્સો અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચશે."

યુએસ યુદ્ધ જહાજો પર તૈનાત કર્મચારીઓના પરિવારોના જણાવ્યા મુજબ કે તેઓ ફૂડ પ્રોડક્ટ, હાઈજીન પ્રોડક્ટ અને પર્સનલ એસેન્શીયલ પ્રોડક્ટ  મોકલવાનો પ્રયાસ કરી રહ્યા છે,  પરંતુ શિપમેન્ટ તેમના સુધી પહોંચી રહ્યા નથી.

અહેવાલ મુજબ, પોસ્ટલ સર્વિસ ખોરવાઈ જવાને કારણે આ સ્થિતિ ઉભી થઇ છે. એપ્રિલ મહિનાની શરૂઆતથી ગલ્ફ એરસ્પેસ બંધ થવા અને સંઘર્ષ સાથે જોડાયેલા લોજિસ્ટિકલ પડકારોને કારણે યુએસ પોસ્ટલ સર્વિસે 27 લશ્કરી ઝીપ કોડ પર ડિલિવરી અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે.