દિવ્યકાંત પંડ્યા
હાલમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક રસપ્રદ લડાઈ ચાલી રહી છે. આ લડાઈ સ્ક્રીન્સ માટે છે, ખાસ કરીને IMAX સ્ક્રીન્સ માટે.
આજની તારીખે IMAX કરતાં વધુ ભવ્ય અનુભવ બીજું કોઈ વેચી શકતું નથી. એક સમય હતો જ્યારે IMAX માત્ર અમુક મોટી ફિલ્મ્સ માટેનો પ્રીમિયમ વિકલ્પ ગણાતો હતો. આજે તે વિશ્વભરના ફિલ્મ ઉદ્યોગમાં સૌથી કિંમતી બની ગયું છે. દરેક મોટો સ્ટુડિયો તેને મેળવવા માંગે છે. દરેક મોટી રિલીઝને પણ તેની જરૂર છે. પરિણામે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેને ઘણા વિશ્લેષકો IMAX વોર તરીકે ઓળખાવે છે.
આજે લગભગ દરેક મોટી ફિલ્મ ઈંખઅડ અને અન્ય પ્રીમિયમ ફોર્મેટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. સુપરહીરો ફિલ્મ્સ હોય, સાયન્સ ફિક્શન હોય, ફેન્ટસી હોય કે મોટા એક્શન સ્પેક્ટેકલ્સ, બધા પોતાની ઈંખઅડ ઓળખને માર્કેટિંગનું હથિયાર બનાવે છે. જોકે સમસ્યા એ છે કે મોટી ફિલ્મ્સ ઘણી છે અને ઈંખઅડ સ્ક્રીન્સ મર્યાદિત છે. પરિણામે જ્યારે બે મોટી ફિલ્મ્સ નજીકના સમયમાં રિલીઝ થવાની હોય ત્યારે પડદા પાછળ એક શાંત યુદ્ધ શરૂ થઈ જાય છે. સ્ટુડિયો અને એક્ઝિબિટર્સ વચ્ચે ચર્ચાઓ થાય છે કે કોને કેટલા દિવસ સુધી IMAX સ્ક્રીન્સ મળશે.
જ્યારે ફિલ્મમેકર પોતે બ્રાન્ડ બની જાય ત્યારે આ સ્પર્ધા વધુ રસપ્રદ બની જાય છે. નોલનની ફિલ્મ આવે ત્યારે દર્શકો ખાસ IMAX શો શોધે છે. એ જ વાત હવે ડેનિસ વિલન્યુવ માટે પણ સાચી બનતી જાય છે. ‘ડ્યુન: પાર્ટ ટૂ’ એ સાબિત કર્યું કે કેટલીક ફિલ્મ્સ માટે IMAX વૈકલ્પિક નથી, જરૂરી બની ગયું છે. થોડા વર્ષ પહેલાં દર્શકો આવી ફિલ્મ સામાન્ય સ્ક્રીન પર જોઈ લેતા. આજે ઘણા લોકો IMAX ટિકિટ માટે વધારે પૈસા ચૂકવવા અને લાંબું અંતર કાપવા તૈયાર થઈ જાય છે.
આ આખી પરિસ્થિતિમાં એક રસપ્રદ વિરોધાભાસ છે. વર્ષો સુધી એવું માનવામાં આવતું હતું કે થિયેટર્સ માટે સ્ટ્રીમિંગ સૌથી મોટો ખતરો છે, પરંતુ હવે થિયેટર્સની સૌથી મોટી તાકાત એ જ વસ્તુ બની છે જે સ્ટ્રીમિંગ આપી શકતું નથી. એક રીતે કહીએ તો IMAX આજે સિનેમાનો સૌથી મજબૂત બચાવ છે.
આ દોડ હવે માત્ર હોલિવૂડ પૂરતી મર્યાદિત નથી. ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ તેમાં સામેલ થઈ ગઈ છે. ‘બ્રહ્માસ્ત્ર ’-‘કલ્કી 2898 AD' ’ અને અન્ય ઘણી પેન-ઇન્ડિયા ફિલ્મ્સએ પોતાની IMAX રિલીઝને ખાસ રીતે પ્રમોટ કરી છે. વાર્તાઓ ભલે ભારતીય સંસ્કૃતિ અને લોકકથાઓમાંથી આવતી હોય, પરંતુ તેમની રજૂઆત હવે વૈશ્વિક બ્લોકબસ્ટર મોડલ તરફ આગળ વધી રહી છે. સંદેશ એક જ છે કે આ માત્ર ફિલ્મ નથી, એક ઇવેન્ટ છે એક આગવો અનુભવ છે.
પ્રીમિયમ સ્ક્રીન્સના વધતા મહત્ત્વે ફિલ્મ બનાવવાની રીત પણ બદલી છે. એક્શન સિક્વન્સ વધુ ભવ્ય બન્યા છે. વિઝ્યુઅલ ઇફેક્ટ્સ પર વધુ ખર્ચ થાય છે. સાઉન્ડ ડિઝાઇન પોતે એક સેલિંગ પોઇન્ટ બની ગઈ છે. ફિલ્મમેકર્સ જાણે છે કે પ્રીમિયમ ટિકિટ ખરીદનાર દર્શકને સ્કેલ જોઈએ છે (જોકે ક્યારેક આ સ્કેલ વાર્તાની નબળાઈ છુપાવવાનો પ્રયાસ પણ બની જાય છે).
આ IMAX વોરનું સૌથી મોટું પરિણામ રિલીઝ સ્ટ્રેટેજીમાં જોવા મળે છે. પહેલાં સ્ટુડિયો માત્ર ઓપનિંગ વીકએન્ડની ચિંતા કરતા હતા. આજે તેઓ પ્રીમિયમ સ્ક્રીન્સની ચિંતા કરે છે. કોઈ ફિલ્મ વિશ્વભરમાં રિલીઝ થાય છતાં જો ઈંખઅડ સ્ક્રીન્સ બીજી ફિલ્મ પાસે હોય તો તેની કમાણી પર અસર પડી શકે છે. આજના સમયમાં ફિલ્મને માત્ર દર્શકો નહીં, યોગ્ય સ્ક્રીન પણ જોઈએ છે. ઘણીવાર IMAX પર એક વધારાનું અઠવાડિયું કરોડો ડૉલરની વધારાની આવક આપી શકે છે.
IMAX વોર માટે ડિસેમ્બર 2026ની સૌથી મોટી ટક્કર પર નજર કરવી જોઈએ. ડેનિસ વિલન્યુવની ‘ડ્યુન: પાર્ટ થ્રી’ અને માર્વલની ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ વચ્ચે સ્પર્ધા લાગી છે. ‘ડ્યુન: પાર્ટ થ્રી’ દ્વારા પહેલાં IMAX સ્ક્રીન્સ રાખી લેવામાં આવી તેનો અર્થ એ છે કે માર્વેલ જેવી મોટી ફ્રેન્ચાઇઝીને પણ પ્રીમિયમ સ્ક્રીન્સ માટે સંઘર્ષ કરવો પડી શકે છે.
આ પરિસ્થિતિએ ડિઝનીને એક અલગ રસ્તો શોધવા મજબૂર કર્યું. કંપનીએ Infinity Vision નામની ટેક્નોલોજી લોન્ચ કરી છે. તે IMAX નો સીધો વિકલ્પ નથી, પરંતુ એવા પ્રીમિયમ ઓડિટોરિયમ્સને પ્રમાણિત કરવાનો પ્રયાસ છે જે ડિઝનીના ટેક્નિકલ ધોરણો પૂર્ણ કરે. સરળ ભાષામાં કહીએ તો, જો IMAX સ્ક્રીન્સ ઉપલબ્ધ ન હોય તો પણ દર્શકોને મોટા પડદાનો સમાન અનુભવ મળી રહે તે માટે ડિઝની પોતાનું પ્રીમિયમ ઇકોસિસ્ટમ ઊભું કરવા માગે છે.
આ કારણે રિલીઝ કેલેન્ડર હવે ચેસબોર્ડ જેવું બની ગયું છે. સ્ટુડિયો પોતાની તારીખો બદલે છે, ટક્કર ટાળે છે અને સ્ક્રીન વિન્ડોઝ માટે વાટાઘાટ કરે છે. ઘણીવાર આ સંઘર્ષ જાહેર થતો નથી, પરંતુ તેની અસર દર્શકો સુધી પહોંચે છે. જ્યારે કોઈ ફિલ્મ Filmed for IMAX અથવા Shot with IMAX Cameras જેવા શબ્દોનો ઉપયોગ કરે છે, ત્યારે તે માત્ર ટેક્નિકલ માહિતી નથી આપતી. તે માર્કેટિંગનો ભાગ હોય છે.
આમાં એક રસપ્રદ વ્યંગ પણ છે. સિનેમાની શરૂઆતમાં સ્ક્રીન પોતે આકર્ષણ હતી. પછી ટેલિવિઝન આવ્યું, વીડિયો આવ્યા, DVD આવ્યા અને પછી સ્ટ્રીમિંગ આવ્યું. આટલા બધા બદલાવ પછી ઇન્ડસ્ટ્રી ફરી એક સરળ નિષ્કર્ષ પર પહોંચી છે કે મોટું હજુ પણ મહત્ત્વનું છે. મોટી સ્ક્રીન, મોટો અવાજ, મોટા દૃશ્યો અને મોટો અનુભવ.
લાસ્ટ શોટ
‘ડ્યુન: પાર્ટ થ્રી’ અને ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ વચ્ચેની લડાઈને ઇન્ડસ્ટ્રીમાં ‘ડ્યુન્સડે’ તરીકે ઓળખવામાં આવી રહી છે.