Mon Oct 05 2026

Logo

આઈઆઇટી બોમ્બે વિવાદ: પ્રોફેસરનો જૂનો ઈમેલ વાયરલ, વિદ્યાર્થીઓને આપી હતી આ સલાહ

2026-09-23 19:26:00
Author: Mumbai Samachar Team
આઈઆઇટી બોમ્બે વિવાદ: પ્રોફેસરનો જૂનો ઈમેલ વાયરલ, વિદ્યાર્થીઓને આપી હતી આ સલાહ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં આઈઆઈટી બોમ્બેના પ્રોફેસર સૂર્યનારાયણ ડૂલાને લઈને ચાલી રહેલા ગંભીર આરોપોના મામલામાં તેમનો એક જૂનો ઈમેલ ચર્ચામાં આવ્યો છે. આ ઈમેલ 27 જુલાઈ, 2024ના પ્રોફેસર ડુલાએ આઈઆઈટી બોમ્બેના ડીન ઓફ સ્ટુડન્ટ અફેર તરીકે વિદ્યાર્થીઓને મોકલ્યો હતો. ઈમેલમાં કેમ્પસમાં જાતિ, ધર્મ અને સામાજિક-આર્થિક સ્થિતિના આધારે કોઈ પણ પ્રકારના ભેદભાવથી દૂર રહેવાની વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી હતી.

ઈમેલમાં પ્રોફેસર ડુલાએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે કોઈ સહપાઠીને તેની જાતિ, જન્મ અથવા એડમિશન કેટેગરી, જેઈઈ (એડવાન્સ્ડ) રેન્ક અથવા ગેટ સ્કોર વિશે પૂછવું યોગ્ય નથી. તેમણે જણાવ્યું હતું કે આવા પ્રશ્નો ભલે માત્ર જિજ્ઞાસાવશ પૂછવામાં આવે, પરંતુ તેના કારણે સામેના વિદ્યાર્થીઓ પ્રત્યે પૂર્વગ્રહ અથવા ભેદભાવની સ્થિતિ ઊભી થઈ શકે છે.

એકબીજા સાથે સન્માનપૂર્વક વર્તો
ઈમેલમાં વિદ્યાર્થીઓને કેમ્પસમાં એકબીજા સાથે સન્માનપૂર્વક વર્તન કરવાની સલાહ આપવામાં આવી હતી. પ્રોફેસર ડુલાએ ખાસ કરીને જાતિ, ધર્મ, લિંગ અને સામાજિક ઓળખ સાથે જોડાયેલા સંવેદનશીલ મુદ્દાઓ અંગે સાવચેતી રાખવા જણાવ્યું હતું.

પ્રોફેસર ડુલાએ વિદ્યાર્થીઓને જાતિવાદી, ધાર્મિક, સેક્સિસ્ટ અથવા કોઈ વ્યક્તિની સેક્સ્યુઅલ ઓરિએન્ટેશનને લઈને વાંધાજનક જોક્સ, મેસેજ અથવા અન્ય સામગ્રી શેર કે ફોરવર્ડ નહીં કરવાની પણ સૂચના આપી હતી. ઈમેલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આવી સામગ્રી કેમ્પસના વાતાવરણને અસર કરી શકે છે અને આવા કિસ્સાઓમાં સંસ્થા તરફથી ગંભીર કાર્યવાહી થઈ શકે છે.

હવે આ જૂનો ઈમેલ ચર્ચામાં
આ જૂનો ઈમેલ એવા સમયે સામે આવ્યો છે જ્યારે IIT બોમ્બે સાથે જોડાયેલા વર્તમાન મામલામાં પ્રોફેસર સૂર્યનારાયણ ડુલા પર ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. આ કારણે 2024માં વિદ્યાર્થીઓને મોકલવામાં આવેલો તેમનો ઈમેલ ફરી ચર્ચામાં આવ્યો છે. જોકે, જૂના ઈમેલમાં આપવામાં આવેલી સલાહ અને વર્તમાન મામલામાં લગાવવામાં આવેલા આરોપો વચ્ચે કોઈ સીધો સંબંધ હોવાનું આ ઈમેલના આધારે કહી શકાય નહીં.

ઈમેલ પરથી એટલું સ્પષ્ટ થાય છે કે તે સમયે ડીન ઓફ સ્ટુડન્ટ અફેર તરીકે ડૂલાએ વિદ્યાર્થીઓને કેમ્પસમાં જાતિ, ધર્મ, સામાજિક પૃષ્ઠભૂમિ અને વ્યક્તિગત ઓળખના આધારે ભેદભાવથી દૂર રહેવા તથા એકબીજા સાથે સંવેદનશીલ અને સન્માનપૂર્ણ વ્યવહાર કરવાની સલાહ આપી હતી.