એકસ્ટ્રા અફેર - ભરત ભારદ્વાજ
લોકસભામાં મહિલા અનામતના બિલ સાથે જોડાયેલાં ત્રણ બિલ પૈકી પહેલા બિલ પરના મતદાનમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની હારે સોપો પાડી દીધો છે. આ બંધારણીય સુધારા બિલ હોવાથી લોકસભામાં બે તૃતીયાંશ સભ્યોનો ટેકો જરૂરી હતો પણ મોદી સરકારનો પનો ટૂંકો પડી ગયો.
લોકસભામાં 489 સાંસદોએ મતદાન કર્યું હોવાથી બિલ પાસ કરવા 33ર સાંસદોનો ટેકો જરૂરી હતો પણ બિલની તરફેણમાં 278 અને વિરુદ્ધમાં 211 મત મળતાં 54 મત ઓછા પડ્યા ને ઊડી ગયું. છેલ્લાં 12 વર્ષથી કેન્દ્રમાં સત્તા ભોગવતી ભાજપ સરકાર પહેલી વાર કોઈ બિલ લોકસભામાં પસાર ના કરાવી શકી. આ નાલેશી બહુ મોટી કહેવાય ને સરકારની આબરૂનો વધારે ફજેતો ના થાય એટલે મોદી સરકારે બાકીનાં બે બિલ સંકેલી લઈને તેના પર મતદાન જ ના કરાવ્યું તેથી ત્રણેય બિલ ઊડી ગયાં.
લોકસભામાં બે દિવસ લગી આ બિલ પર ઉગ્ર ચર્ચા જામેલી ને બિલ ઊડી ગયા પછી સંસદની બહાર જંગ જામ્યો છે. ભાજપનો આક્ષેપ છે કે, કૉંગ્રેસ સહિતના વિપક્ષો મહિલાઓને લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં અનામત આપવા નથી માગતા તેથી તેમણે આ બિલ વિરુદ્ધ મતદાન કર્યું. આ બિલ પસાર ના થતાં હવે મહિલાઓ માટે લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં 33 ટકા બેઠકો અનામત રાખવાના કાયદાનો અમલ ઘાંચમાં પડી જશે.
કૉંગ્રેસ સહિતના વિપક્ષોનું કહેવું છે કે, મોદી સરકાર જે ત્રણ બિલ લાવી તેને મહિલા અનામત સાથે કંઈ લેવાદેવા નથી. મહિલાઓ માટે લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં 33 ટકા બેઠકો અનામત રાખવાનું બિલ તો પહેલાં જ સંસદનાં બંને ગૃહોમાં પસાર થઈ ગયું છે, રાષ્ટ્રપતિની તેના પર સહી થઈ ગઈ છે અને કેન્દ્રીય કાયદા મંત્રાલયે 16 એપ્રિલ, 2016થી તેનો અમલ કરવાનું નોટિફિકેશન પણ બહાર પાડી દીધું હોવાથી મહિલા અનામતનો મુદ્દો તો ક્યારનોય પતી ગયો છે. સરકાર મહિલાઓ માટે લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં 33 ટકા બેઠકો અનામત રાખવાનું બિલ લાવી ત્યારે વિપક્ષોએ તેને ટેકો આપેલો ને સર્વસંમતિથી આ બિલ પસાર થયેલું તેથી વિપક્ષોને મહિલા અનામતનો અમલ થાય તેમાં જરાય વાંધો નથી. મોદી સરકાર જૂઠાણાં ચલાવીને લોકોને ઊઠાં ભણાવી રહી છે.
આ આક્ષેપો અને પ્રતિઆક્ષેપો વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાત્રે દેશને સંબોધન કર્યું. આ સંબોધનમાં મોદીએ એ જ આક્ષેપો દોહરાવ્યા છે. કૉંગ્રેસ મહિલાવિરોધી છે તેથી મહિલા અનામતના અમલમાં વિઘ્ન નાખી રહી છે એવા આક્ષેપો મોદીએ કર્યા. સામે કૉંગ્રેસે પણ વળતો પ્રહાર કરીને મોદી દેશ સામે જૂઠું બોલી રહ્યા છે એવો દાવો કરતાં પાછા રાજકીય દાવપેચ શરૂ થઈ ગયા છે. આ દાવપેચમાં મહિલાઓને લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં ખરેખર 33 ટકા અનામત મળશે કે નહીં એ મુદ્દો બાજુ પર રહી ગયો છે અને કોઈ પક્ષ તેની વાત કરતો નથી.
મોદી કૉંગ્રેસ પર પ્રહારો કરે તેમાં ખોટું નથી કેમ કે મોદી પણ અંતે રાજકારણી છે પણ મોદી ધારે તો હજુય મહિલા અનામતનો અમલ કરાવી શકે છે. મોદી સરકારે લોકસભામાં રજૂ કરેલાં ત્રણ બિલમાંથી પહેલા બિલમાં લોકસભાની બેઠકો 545થી વધારીને 850 કરવાની દરખાસ્ત હતી. બીજા બિલમાં નવું સીમાંકન પંચ બનાવીને લોકસભા અને મતવિસ્તારોનું નવેસરથી સીમાંકન કરવાની દરખાસ્ત હતી. ત્રીજા બિલમાં અનામત અને સીમાંકન કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ લાગુ પડે એ માટેની જોગવાઈ હતી. મોદી સરકારે ચાલાકી વાપરીને આ ત્રણેય બિલોને નિયમ 66 હેઠળ મહિલા અનામત બિલના અમલ સાથે જોડી દીધેલાં કે જેથી મહિલા અનામતના નામે આ બિલો પણ પસાર થઈ જાય પણ વિપક્ષો એક થઈ ગયા તેથી પહેલું બિલ જ ધબોનારાયણ થઈ ગયું.
મોદી સરકારને તેનો અંદેશો આવી ગયેલો તેથી મતદાનની આગલી રાતે મહિલા અનામત બિલના અમલમાં બાકી રહેલી વિધિ પતાવીને તેનું જાહેરનામું બહાર પડાવી દીધેલું. વિપક્ષો સરકારની ધારણા પ્રમાણે જ વર્ત્યા અને સાગમટે પહેલા બિલ સામે કચકચાવીને મતદાન કરીને તેને પસાર ના થવા દીધું તેમાં આપોઆપ જ બાકીનાં બે બિલોનો વીંટો વળી ગયો પણ મહિલા અનામત બિલ અમલમાં આવી ગયું છે.
હવે કોઈ ઔપચારિકતા બચી નથી તેથી મોદી સરકાર ધારે તો અત્યારથી જ મહિલાઓ માટે લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં 33 ટકા બેઠકો અનામત રાખવાના કાયદાનો ત્વરિત અમલ કરવાની જાહેરાત કરી શકે છે. 2027ના માર્ચ-એપ્રિલમાં ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી છે. મોદી સરકાર ઈચ્છે તો આ રાજ્યોની ચૂંટણીથી તેનો અમલ થશે તેનું એલાન કરી શકે છે. તેના કારણે ભાજપ મહિલા સશક્તીકરણ માટે ગંભીર હોવાની અને મહિલાઓને સત્તામાં ભાગીદારી આપવા તત્પર હોવાની છાપ પડશે. આ દેશમાં અડધાથી વધારે મતદારો મહિલાઓ છે ત્યારે રાજકીય રીતે પણ ભાજપને તેનો મોટો ફાયદો મળશે.
ભાજપને બીજો એક ફાયદો એ છે કે, તેને અનાયાસે સાફસૂફી કરવાની તક મળી ગઈ છે. સત્તા માટે ભાજપે બહુ સમાધાનો કર્યાં છે અને છાસવાર ભરતી મેળા કરીને પક્ષપલટુઓ ભરી દીધા છે. આવા બે પક્ષપલટુ હિંમત સરમા અને સમ્રાટ ચૌધરીને તો વરસો લગી ભાજપ માટે કામ કરનારા પાયાના પથ્થરોને અવગણીને મુખ્યમંત્રીપદે બેસાડી દીધા છે. સત્તા માટે ભાજપે છાપેલાં કાટલાં જેવા અપરાધીઓની પણ મોટા પાયે ભરતી કરી છે. મહિલા અનામતનો અમલ થાય તો વધારે મહિલાઓને ટિકિટ આપવી પડે તેથી એ બહાને ભાજપ આ બધા નમૂનાઓને કોરાણે મૂકીને સાફસૂફી કરી શકે છે. મહિલાઓ માટેની અનામત બેઠકો સિવાયની બેઠકો પર ભાજપ પક્ષને વફાદારોને ટિકિટ આપશે તો અસંતોષ પણ ઘટશે ને ભાજપનું કૉંગ્રેસીકરણ થઈ ગયું છે એવા આક્ષેપો પણ ઓછા થશે.
ભાજપ છાપેલાં કાટલાં કે પક્ષપલટુઓની ટિકિટો કાપશે તેના કારણે થોડીઘણી હોહા થાય પણ સામે ભાજપની જીતની શક્યતાઓ પ્રબળ બનશે. મહિલાઓને અનામત આપવાનો જશ ખાટીને ભાજપ બહુમતી મહિલા મતદારોને પોતાની તરફ વાળી શકશે. તેના કારણે જે થોડુંઘણું નુકસાન થયું હશે એ સરભર થઈ જશે. મહિલા અનામતનો અમલ એ રીતે ભાજપ માટે ફાયદાનો સોદો છે અને શુભસ્ય શીઘ્રમ કરીને ભાજપે તેનો અમલ કરી નાખવો જોઈએ.
ભાજપ લોકસભાની બેઠકો વધારવાનું બિલ દૂધ અને દહીં બંનેમાં પગ રાખવા લાવેલો. મહિલા અનામતના કારણે પુરુષ નેતાઓની ટિકિટો કપાય નહીં ને મહિલાઓ પણ રાજીના રેડ થઈને ભાજપ પર રીઝી જાય એવી ભાજપની ગણતરી હતી. વિપક્ષી એકતાએ આ ગણતરી ઊંધી વાળી દીધી છે ત્યારે રાજકીય જોખમ વહોરીને પણ ભાજપે મહિલા અનામતનો અમલ કરી નાખવા જેવો છે.