Tue Aug 18 2026

Logo

ગુરુકુળ પદ્ધતિનો નાશ કરવામાં આવ્યો ન હોત તો ભારત આજે ખરા અર્થમાં વિશ્વગુરુ હોત

2026-08-10 09:15:00
Author: Mukesh pandya
Article Image

મુકેશ પંડ્યા

ભારતમાં અઢારમી સદીમાં અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કબજો જમાવ્યો તેનું મુખ્ય કારણ હતું ભારતની સમૃદ્ધિ અને જાહોજલાલી. આજે આપણે ભારતને આત્મનિર્ભર બનાવવાની વાતો કરીએ છીએ, પરંતુ એ સમયે ભારત ખરા અર્થમાં આત્મનિર્ભર હતું. કૃષિપ્રધાન આ દેશમાં અનાજ અને મરીમસાલાઓની રેલમછેલ હતી તો પશુપાલન ક્ષેત્રે ગાયને માતા સમાન મહત્ત્વ આપતા આ દેશમાં દૂધ, ધીની નદીઓ વહેતી હતી. 

સુતરાઉ અને રેશમી વસ્ત્રોના ઉત્પાદનમાં પણ ભારત અગ્રેસર હતું, તો રહેઠાણ માટેના બાંધકામ બાબતે પણ સ્વનિર્ભર હતું. હજારો વર્ષ પૂર્વે ભારતમાં બંધાયેલા ઘરો, મંદિરો, મહેલો, કિલ્લાઓ આજે પણ અનેક ગરમી, ઠંડી, વરસાદ, વીજળી,  વાવાઝોડા કે ધરતીકંપની ઝીંક ઝીલીને અડીખમ ઊભા છે. આમ રોટી, કપડા ઔર મકાનની મૂળભૂત જરૂરિયાતો બાબતે ભારતને વિદેશ પર આધાર રાખવો પડતો ન હતો અને એટલે જ ભારતને ક્યારેય ભૌતિક સમૃદ્ધિ મેળવવા અન્ય દેશો પર હુમલા કરવા નથી પડ્યા. 

ઊલટાનું ભારતની જ અનેક પ્રકારની ભૌતિક સમુદ્ધિથી ધરાઈ જઈને હવે લોકોની આધ્યત્મિક ભૂખ પણ વધી રહી હતી. આ ભૂખને કારણે ભારતે આધ્યાત્મિક ક્ષેત્રે પણ ઘણો વિકાસ કર્યો. ભારતની આ ભૌતિક અને  આધ્યાત્મિક એમ બન્ને પ્રકારની પ્રગતિથી અંજાઈને અંગ્રેજો પહેલા પણ ઘણા વિદેશીઓ જેવા કે હૂણ, ડચ, મુસ્લિમો ભારતમાં પ્રવેશીને લૂંટફાટ કરી ચૂક્યા હતા. 

જોકે, અંગ્રેજોએ જે નીતિ અપનાવી એ ભારતની શિક્ષણપદ્ધતિ માટે મરણતોલ ફટકો સાબિત થયો. 

ઇંગ્લેન્ડમાં પ્રથમ શાળા ઈ.સ. 1811માં ખોલવામાં આવી હતી. તે સમયે ભારતમાં સાત લાખથી પણ વધુ ગુરુકુળ હતાં. એટલે કે ભારતના દરેક ગામડા દીઠ લગભગ એક ગુરુકુળ કે પાઠશાળા હતી. ગુરુકુળ શિક્ષણપદ્ધતિ એટલે આજના જમાનાની શાળા કમ હૉસ્ટેલ.બોર્ડિંગ શાળા. ભારતની આ ગુરુ-શિષ્યશિક્ષણ પરંપરાએ અનેક શિસ્તબદ્ધ અને સંસ્કારી વિદ્વાનો પેદા કર્યા હતા. કોઈ પણ એવી વિદ્યા ન હતી જે ભારતમાં ન શીખવાડવામાં આવી હોય. 

અગ્નિવિદ્યા (ધાતુશાસ્ત્ર), વાયુવિદ્યા, જળવિદ્યા (પાણી)
અંતરીક્ષવિદ્યા, પર્યાવરણ, સૂર્યવિદ્યા, ચંદ્રવિદ્યા, હવામાન, ઊર્જાવિદ્યા 
ખગોળવિજ્ઞાન, ભૂગોળ, કાળવિદ્યા (સમયનો અભ્યાસ), વૈદિક ગણિત અને ભૂમિતિ, ભૂસ્તર વિજ્ઞાન, ધાતુ અને રત્નકામ, નૌકા અને વિમાન વિદ્યા, અગ્નાસ્ત્ર વિદ્યા, જીવવિજ્ઞાન, યજ્ઞવિદ્યા, વ્યાપાર વાણિજય, કૃષિવિદ્યા, બાગાયતી, પશુપક્ષી પાલન, કુંભારકામ, લુહારકામ, સુતારકામ, વણાટકામ,દરજીકામ, રંગકામ, સ્થાપત્યકળા, રસોઈકળા, વન વિદ્યા વગેરે વગેરે. 

આ તમામ શિક્ષણ ગુરુકુળ પદ્ધતિમાં ભણાવવામાં આવતું હતું. જોકે, અંગ્રેજી કોન્વેન્ટ શિક્ષણના આગમનથી ભારતમાં ગુરુકુળોની પડતી શરૂ થઈ. મેકોલે નામના એક અંગ્રેજ ઈતિહાસકારે આમાં ભારત માટે ભૂંડી ભૂમિકા ભજવી. તેણે અહીં શિક્ષણ પ્રણાલીનો સર્વે કરાવ્યો હતો જેમાં ઘણાં બ્રિટિશરોએ ભારતની શિક્ષણ વ્યવસ્થા વિશે તેમના અહેવાલો આપ્યા હતાં. 

તેમાંથી એક બ્રિટિશ અધિકારી હતો જી. ડબ્લ્યુ. લ્યુથર અને બીજો હતો થોમસ મુનરો. બંનેએ જુદા જુદા સમયે અલગ અલગ વિસ્તારોમાં સર્વે કર્યો હતો. ઉત્તર ભારતનું સર્વેક્ષણ કરનારા લ્યુથરે લખ્યું કે અહીં 97 ટકા સાક્ષરતા છે અને મુનરો, જેમણે દક્ષિણ ભારતનો સર્વે કર્યો, તેમણે લખ્યું કે અહીં 100 ટકા સાક્ષરતા છે.

મેકોલે સ્પષ્ટપણે ત્યારના બ્રિટિશ સત્તાધારીઓને જણાવ્યું હતું કે જો ભારતને કાયમ માટે ગુલામ બનાવવું હોય તો તેની આત્મ નિર્ભર બનાવતી ગુરકુળ શિક્ષા વ્યવસ્થાને બદલી અંગ્રેજી શિક્ષણ દાખલ કરવું પડશે જેથી દરેક ભારતીય માનસિક રીતે અંગ્રેજી બની જાય. હંમેશાં અંગ્રેજો અને અંગ્રેજી ભાષાના ગુલામ બનીને રહે.  આ કાર્ય અંગ્રેજોએ ધીમી પણ મક્કમ ગતિએ કર્યું. કેટલાય ગુરુકુળોનો નાશ કરવામાં આવ્યો. 

મેકોલેએ એક રૂઢિપ્રયોગ વાપર્યો તેનો મતલબ હતો કે : જેમ અનાજને રોપતા પહેલા ખેતરને સારી રીતે ખેડવામાં આવે તેવી જ રીતે ભારતીયોના મન અને મગજ પૂરી રીતે ખેડી નાખવા અર્થાત્ બદલવા તેમને અંગ્રેજી શિક્ષણ પ્રણાલીમાં લાવવા જોઈએ. તેથી જ તેમણે સૌપ્રથમ ગુરુકુળોને ગેરકાયદેસર જાહેર કર્યા. સંસ્કૃતને ગેરકાયદે જાહેર કર્યું. તેની પર પ્રતિબંધ મૂક્યો. અનેક ગુરુકુળોને આગ લગાવી. અનેક શિક્ષકોને માર માર્યો અને જેલમાં ધકેલી દીધા.

આ ગુરુકુળો ફક્ત રાજા દ્વારા નહીં પણ સમાજના લોકો સાથે મળીને ચલાવવામાં આવતા હતા. શિક્ષણ મફતમાં આપવામાં આવતું હતું. ગુરુકુળો ધીરેધીરે તહસનહસ કરવામાં આવ્યા. બાદ અંગ્રેજી શિક્ષણને કાયદેસર કરવામાં આવ્યું. ભારતની જ અનેક વિદ્યાઓને ઇંગ્લેન્ડમાં લઈ જઈ નવા રૂપરંગ આપી ફરી ભારતમા નવા નામે શીખવવામાં આવી. 

કોલકાતામાં પ્રથમ કોન્વેન્ટ સ્કૂલ શરૂ થઈ ત્યાર બાદ અનેક સ્કૂલ કૉલેજો ખોલવામાં આવી. ક્રમશ: કોલકાતા યુનિવર્સિટી, બોમ્બે યુનિવર્સિટી અને મદ્રાસ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. 

મેકોલેએ ઇંગ્લેન્ડમાં તેના સંબંધીને એક પત્ર લખ્યો હતો એમાં તેણે જણાવ્યું હતું કે, આ કોન્વેન્ટ શાળાઓ એવા બાળકોને બહાર લાવશે જેઓ ભારતીય જેવા દેખાશે તો ખરા પરંતુ મગજથી અંગ્રેજી રહેશે. તેઓ તેમના દેશ વિશે કશું જાણશે નહીં. તેઓ તેમની સંસ્કૃતિ વિશે કશું જાણશે નહીં. તેમને તેમની પરંપરાઓ વિશે કોઈ ખ્યાલ રહેશે નહીં. તેઓ તેમના રૂઢિપ્રયોગો જાણશે નહીં. જ્યારે આવા બાળકો આ દેશમાં તૈયાર થશે ત્યારે અંગ્રેજો દૂર થશે તો પણ અંગ્રેજી ભાષા દેશ છોડશે નહીં.

તે સમયે લખેલા પત્રની સત્યતા આપણા દેશમાં સ્પષ્ટ દેખાય છે. 

આપણે આપણી જાતને ઊતરતા અનુભવીએ છીએ. આપણી પોતાની ભાષા બોલવામાં અને આપણી પોતાની સંસ્કૃતિને ઓળખવામાં શરમ અનુભવીએ છીએ. જે સમાજ તેની માતૃભાષા અને સંસ્કૃતિથી અળગો થઈ જાય છે તે ક્યારેય ખીલતો નથી અને આ મેકોલેની વિચાર ધારા હતી. 

આજના યુવાનો ભારત કરતાં યુરોપ વિશે વધુ જાણે છે. ભારતીય સંસ્કૃતિને ભૂલી પશ્ર્ચિમી દેશનું અનુકરણ કરે છે, કારણ કે તેને ભારતીય સંસ્કૃતિની સંપૂર્ણ ઓળખ નથી. સનાતન ધર્મનો ઊંડો પરિચય નથી. વૈદિક જ્ઞાન અને વિદ્યાઓની સમજણ નથી. આપણા જાજરમાન ઈતિહાસની  ઝાઝી ગતાગમ નથી. ગળથૂથીમાંથી જ એને અંગ્રેજી ભાષા, વિદ્યા અને સંસ્કૃતિ તરફ ઘકેલી દેવાય છે. 

આ પંદરમી ઑગસ્ટે આપણો દેશ અંગ્રેજોની ગુલામીથી મુક્ત થયે 80 મું વર્ષ ઉજવશે ત્યારે એ પ્રાર્થના કરીએ કે આજનું Gen z પશ્ચિમી દેશોની માનસિક ગુલામીથી પણ મુક્ત થાય અને પોતાના ઈતિહાસ માટે પણ ગર્વ અનુભવે.