નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને 2026નો ટી20 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા સંજુ સેમસનને આઈસીસીના એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. સંજુ સેમસનને આઈસીસીએ માર્ચ મહિનાના પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ કર્યો છે. જેમાં ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઉપરાંત સાઉથ આફ્રિકાના કૉનર એસ્ટરહુઈજનનું નામ પણ સામેલ છે. વિજેતાની જાહેરાત થોડા દિવસો પછી કરવામાં આવશે.
સેમી ફાઈનલ અને ફાઈનલમાં રમી હતી ધમાકેદાર ઈનિંગ
આઈસીસીએ માર્ચ મહિનાના પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ કરેલા ત્રણ ખેલાડીઓમાં સંજુ સેમસનનું નામ પ્રથમ છે. ટી20 વર્લ્ડકપમાં શરૂઆતની મેચમાં તે પ્લેઈંગ ઈલેવનમાં નહોતો. પરંતુ મોકો મળતાં જ તેણે તેનો ફાયદો ઉઠાવ્યો હતો. સંજુ સેમસને વેસ્ટ ઈન્ડિઝ સામેના કરો યા મરોના મુકાબલામાં 97 રનની નોટ આઉટ ઈનિંગ રમી હતી. તેની આ ઈનિંગના આધારે ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચી હતી.
માર્ચ મહિનામાં બતાવ્યો જલવો
જે બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી સેમી ફાઈનલમાં પણ સંજુ સેમસને જલવો બતાવ્યો હતો. તેણે 89 રન બનાવ્યા હતા. આટલેથી ન અટકતાં તેણે ફાઈનલમાં પણ યાદગાર ઈનિંગ રમી હતી. ન્યૂ ઝીલેન્ડ સામે પણ 89 રન બનાવ્યા હતા. આ રીતે આઈસીસી ટુર્નામેન્ટમાં નોકઆઉટમાં તેણ સતત ત્રણ અડધી સદી ફટકારી હતી. આ કારણે તેને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. માત્ર માર્ચ મહિનામાં જ સંજુએ 137.50ની એવરેજ અને 199.27ના સ્ટ્રાઈક રેટથી 275 રન બનાવ્યા હતા.
Two stars of the #T20WorldCup and an impressive young batter are in the running for the ICC Men's Player of the Month award for March 2026 💪
— ICC (@ICC) April 6, 2026
Read more 👇https://t.co/OIFnI6j6hC pic.twitter.com/LKfn8BEtxq
જસપ્રીત બુમરાહ પણ નોમિનેટ
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પણ આઈસીસીએ નોમિનેટ કર્યો છે. બુમરાહે ભારતને વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વનો રોલ હતો. વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં તેણે બે વિકેટ ઝડપી હતી. સેમી ફાઈનલમાં પણ તેણે ચુસ્ત બોલિંગ કરી હતી અને એક વિકેટ ઝડપી હતી. ટુર્નામેન્ટમાં તે વધારે વિકેટ નહોતો લઈ શક્યો પણ તેની ચુસ્ત બોલિંગ શાનદાર રહી હતી. વર્લ્ડ કપ ફાઈનલમાં તેણે 4 ઓવરમાં 15 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ બે ભારતીયો ઉપરાંત આઈસીસીએ સાઉથ આફ્રિકાના કૉનર એસ્ટરહુઈજને પણ નોમિનેટ કર્યો છે. તેણે પણ માર્ચમાં શાનદાર દેખાવ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આઈસીસી ટી20 વર્લ્ડકપમાં વિસ્ફોટક બેટિંગથી ભારતને ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારો સેમસન આઈપીએલ 2026માં હજુ સુધી શાનદાર દેખાવ કરી શક્યો નથી.