અમદાવાદઃ 31મી મેએ આઇપીએલ (IPL)ની ફાઇનલ અમદાવાદમાં ક્રિકેટ જગતના સૌથી મોટા શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે અને એ દિવસે આઇસીસી (ICC)ની વાર્ષિક બોર્ડ મીટિંગ પણ અમદાવાદમાં જ યોજાશે એટલે દુનિયાભરના ક્રિકેટ મોવડીઓ અમદાવાદમાં પધારશે, પરંતુ દુશ્મનદેશ પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડના નામચીન અધ્યક્ષ મોહસિન નકવી (NAQVI)એ મહેમાનોમાં નહીં જોવા મળે, કારણકે સ્વાભાવિક રીતે નકવીને આમંત્રણ નથી આપવામાં આવ્યું.
એવું જાણવા મળ્યું છે કે નકવી વીડિયો કૉન્ફરન્સથી આ મીટિંગમાં હાજરી આપશે. આઇસીસીનો નિયમ છે કે જો કોઈ મેમ્બર કે ક્રિકેટ બોર્ડના પ્રતિનિધિ મુસાફરી ન કરી શકવાના હોય તો તેઓ વર્ચ્યૂઅલી મીટિંગમાં હાજરી આપી શકે.
આઇસીસીની આ બોર્ડ મીટિંગ મૂળ તો કતારના દોહામાં યોજાવાની હતી, પણ પશ્ચિમ એશિયામાં સ્થિતિ હજી પણ નાજુક હોવાથી મીટિંગનું સ્થળ બદલીને અમદાવાદ રાખવામાં આવ્યું હતું.
થોડા મહિના પહેલાં ભારતે ટી-20નો એશિયા કપ જીતી લીધો ત્યાર બાદ સૂર્યકુમાર યાદવે નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાની ના પાડી એટલે નકવીએ મેદાન પરના ડેસ્ક પરથી ટ્રોફી ગુમ કરાવી દીધી હતી અને હજી સુધી ભારતને એ ટ્રોફી મળી નથી.