Fri Sep 04 2026

Logo

ગુજરાત શું વધુ એક ‘લઠ્ઠાકાંડ’ના મુખમાં? હમસફર એક્સપ્રેસમાંથી ઝડપાયો દમણનો નકલી દારૂ!

2026-06-13 17:25:53
Author: Devayat Khatana
ગુજરાત શું વધુ એક ‘લઠ્ઠાકાંડ’ના મુખમાં? હમસફર એક્સપ્રેસમાંથી ઝડપાયો દમણનો નકલી દારૂ!

અમદાવાદ: ગાંધીના ગુજરાતમાં સરકારના ચોપડે દારૂબંધી માત્ર કાગળ પર જ સીમિત હોય તેવું ચિત્ર રોજબરોજ સામે આવતા બનાવો પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે. રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતા અહેવાલો અવારનવાર અખબારો અને ટેલિવિઝન સ્ક્રીન પર ચમકતા રહે છે. બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘૂસાડવા અને તેને વિવિધ શહેરોમાં પહોંચાડવા માટે અવનવા ચોંકાવનારા કિમિયા અપનાવતા હોય છે. જો કે, બુટલેગરોની આ હિંમત અને સફળતા પાછળ પોલીસ તેમજ જવાબદાર તંત્રની સંદિગ્ધ ભૂમિકા અને આશીર્વાદ પણ એટલો જ મહત્વનો ભાગ ભજવતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

દારૂ માફિયાઓ હવે પકડાવાના ડરથી ખાનગી વાહનો છોડીને રેલવે જેવા જાહેર પરિવહનનો આશરો લઈ રહ્યા છે, જેનો એક ચોંકાવનારો કિસ્સો મુંબઈથી રાજસ્થાનના બાડમેર જતી 21901 ‘હમસફર એક્સપ્રેસ’માં પ્રકાશમાં આવ્યો છે. આ ટ્રેનમાંથી દારૂની ખેપ મારતો એક શખ્સ રંગેહાથ ઝડપાયો હતો. આ બનાવ અંગે જ્યારે ટ્રેનમાં હાજર મુંબઈ સમાચારના પ્રતિનિધિએ TC સાથે વાત કરી તો રેલવે સુરક્ષાના ધજાગરા ઉડી ગયા હતા. TCના જણાવ્યા અનુસાર, 22  ડબ્બાની આ આખી ટ્રેનમાં મુસાફરોની સુરક્ષા માટે એક પણ રેલવે પોલીસનો જવાન હાજર નહોતો. અંદાજે 13 કલાકની મુસાફરીમાં પોલીસની આ ગેરહાજરી જ બુટલેગરો માટે મોકળું મેદાન પૂરું પાડે છે.

સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે, ટ્રેનમાંથી પકડાયેલા આ જથ્થામાં નકલી દારૂ હોવાની આશંકા પ્રબળ બની છે. સૂત્રોના જણાવ્યા મુજબ, દમણમાં નકલી દારૂ બનાવવાનો કાળો કારોબાર ફૂલ્યોફાલ્યો છે અને ત્યાંથી જ આ માલ સપ્લાય થતો હોવાના વીડિયો પણ બહાર આવ્યા છે. પકડાયેલા ખેપિયાની બેગમાંથી મળેલી બોટલોના પેકિંગ અને દેખાવ પરથી જ મુસાફરોએ તે નકલી હોવાનું ઓળખી કાઢ્યું હતું. જ્યારે મુંબઈ સમાચારના પ્રતિનિધિએ આ જથ્થાની કિંમત પૂછી, ત્યારે ખેપિયાએ તેની કિંમત માત્ર સાત હજાર રૂપિયા હોવાનું જણાવ્યું હતું, જો કે સત્તાવાર રીતે આ કિંમતની કોઈ પુષ્ટિ થઈ શકી નથી. સાત હજાર જેવા નજીવા દરે મળતો આ દારૂ કેમિકલયુક્ત હોવાની પૂરી આશંકા છે.

આ નકલી દારૂ સીધેસીધો લોકોના સ્વાસ્થ્ય અને જિંદગી સાથે જીવલેણ ખેલ છે. દમણથી વાપી થઈને અમદાવાદ અને વડોદરા સુધી પહોંચતા આ નકલી દારૂના નેટવર્ક પાછળ કોઈ મોટા માથાના આશીર્વાદ હોવાની શંકા મજબૂત બની છે. ગુજરાતમાં નકલી અને કેમિકલવાળો દારૂ પીવાના કારણે લઠ્ઠાકાંડમાં ઘણા લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે ત્યારે પોલીસ અને તંત્રની આવી ઘોર બેદરકારી જોતા એવું લાગી રહ્યું છે કે જાણે રાજ્યમાં વધુ એક ભયાનક 'લઠ્ઠાકાંડ'ની રાહ જોઈને બેઠા હોય! જો રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં ચેકિંગ કડક કરવામાં નહીં આવે, તો આ નકલી દારૂ નિર્દોષ નાગરિકોના જીવ લેશે તેમાં કોઈ શંકા નથી.