Tue Aug 18 2026

Logo

હું, સોનલ ઝવેરી- પ્રકરણ - 32

2026-08-12 09:29:46
Author: Mavji Maheshwari
Article Image

માવજી મહેશ્વરી

‘એ દિવસ મારા કહેવાતા પરિવાર સાથેનો મારો છેલ્લો દિવસ હતો.’ 

‘હા, બા કાયદા એમને ઈ-મેઈલ દ્વારા પત્ર અને ટેલિફોનથી જાણ કરવામાં આવી હતી. કદાચ અગિયારમી એપ્રિલનો દિવસ હતો. હું મક્કમ હતી. ત્રણ દિવસથી હું એકેય વાર મારા ઘરે ગઈ નહોતી, કે ન તો મેં એમનો સંપર્ક કર્યો હતો. મીટિંગ સાંજે ચાર વાગે હતી. રત્નાકરજીએ તૈયારી રાખી હતી. સંજય લડવાના મૂડમાં જ આવ્યો હતો. જય પ્રમાણમાં શાંત હતો. પપ્પાને અણસાર આવી ગયો હોય તેમ ઉદાસ આંખે જોઈ રહ્યા હતા. મમ્મીને પપ્પાએ તેણે હોમવર્ક કરાવ્યું હતું. એ નીચે બેઠી હતી. મીટિંગ શરૂ થતાની સાથે જ પપ્પા બોલ્યા, ‘સોનલ તારી મમ્મી અહીં હાજર હોવી જોઈએ એવું તને નથી લાગતું?” 

‘ના, જરાય નહીં.’ મારા શબ્દોની ખાસ્સી અસર થઈ. રત્નાકરજીએ મીટિંગની ભૂમિકા બાંધી. મેં બોલતા પહેલા ત્રણેય ઉપર નજર ફેરવી. સંજયનો ચહેરો જોઈ મને લાગ્યું કે તે શું બોલવું તે ગોઠવી રહ્યો છે. તેના મામાએ તેની સાથે ચર્ચા કરી જ હશે. મેં શરૂઆત કરી, ‘જુઓ દાદાજીએ કરેલા વિલને કારણે એક વર્ષથી આપણા ઘરમાં સંઘર્ષ ચાલી રહ્યો છે. એક વર્ષમાં મેં જે વેઠ્યું છે તે મારે કહેવું નથી. પણ દાદાજીના વિલ મુજબ આ બધી મિલકત મારી યાને સોનલ ઝવેરીની છે. મારે આપણા વચ્ચે ચાલતા સંઘર્ષનો અંત આણી દેવો છે,’ સંજય ધીરજ રાખી ન શક્યો. તે વચ્ચે બોલવા જતો હતો પણ જયે તેનો હાથ પકડીને અટકાવ્યો. 

હું આગળ બોલી, ‘દાદાજીના વિલ પ્રમાણે રાજસ્થાનમાં આવેલી ખાણો પપ્પાની છે. એટલેં એમ.વી.માંથી પપ્પાને કંઈ આપવું હું જરૂરી સમજતી નથી. આપણું મકાન હું પપ્પાને આપું છું. એની કાર્યવાહી પણ ચાલુ છે.’ મારી ભાષા એક માલિકની ભાષા હતી અને એ ભાષાની અસર ખાસ તો સંજય ઉપર થતી મને દેખાઈ. હું બોસની જેમ બોલતી હતી, દાદાજીએ પોતાના પૌત્ર વહુઓ માટે વીસ-વીસ લાખ રોકડા આપવાની વાત પણ લખી ગયા છે. આ બે કવરની અંદર બેય ભાભીઓને નામે વીસ-વીસ લાખના ચેક છે. વોરાસાહેબ આ બેય ચેક અત્યારે જ એમને આપી દો.’
 
રત્નાકરજીએ ચેક એમને આપ્યા. જયે કવર ખોલી ચેક જોયો અને ટેબલ ઉપર રાખી દીધો. સંજયને કોઈ પડી જ ન હોય તેમ કવર બેવડું વાળી ખીસ્સામાં મૂકી દીધો, પણ એના જેવો અધીરો માણસ મેં જોયો નથી. તેણે બરછટ સ્વરે કહ્યું, ‘આ વાત માટે જ અમને અહીં બોલાવવામાં આવ્યા છે?’ મેં કહ્યું, ‘ના, મેં નિર્ણય કર્યો છે કે એમ. વી.નો અડધો હિસ્સો તમને બેય ભાઈઓને આપી દેવો. એ બે રીતે થઈ શકે છે. એક તો એમ. વી. ની બજાર કિંમતનો અડધો ભાગ હું તમને આપી દઉં અને હું ચલાવું અથવા એટલું તમે મને આપી દો અને તમે ચલાવો. 

ત્રીજો રસ્તો એ છે કે એમ. વી. વેચી નાખીએ. તમે તમારો ભાગ લઈ લો હું મારો લઈ લઉં. બોલો તમારી શું રાય છે. પપ્પાએ ઓચિંતું કહ્યું, ‘મને લાગે છે મારે હવે અહીં બેસી રહેવાનો કોઈ મતલબ નથી. કારણ કે એમ. વી. અને મને કોઈ સંબંધ રહ્યો નથી. હવે તમારા ત્રણનો મામલો છે. હું કોઈ પ્રતિક્રિયા આપું તે પહેલા સંજય બોલ્યો, ‘ના પપ્પા તમે બેસો. આ ચાલાક છોકરીએ આપણને બરાબરના ફસાવ્યા છે. તમે આ ફર્મ ઊભું કરવામાં લોહી રેડ્યું છે.’ 

સંજય હું આજે ખોટી ચર્ચા કરવા માગતી નથી. મે જે ટર્મ કંડીશન મૂકી છે તે તમને માન્ય છે કે નહીં એનો ચોખ્ખો જવાબ મને જોઈએ. પપ્પાને જવું હોય તો જઈ શકે છે. મારું વાક્ય પપ્પા સહન ન કરી શક્યા. તે પોતાની ઓકાત ઉપર આવી ગયા, ‘સોનલ એ ભૂલી ગઈ કે હું ધારત તો તું આજે કોઈ ગંદી વસ્તીમાં હોત. આજે મારી ભૂલ સમજાય છે.’ 

પપ્પા એ ચર્ચા ભૂતકાળ બની ગઈ છે. તમારે જવું હોય તો જઈ શકો છો અને બેસશો તોય મને વાંધો નથી. પણ અત્યારે આવી ફાલતુ વાતો માટે મારી પાસે સમય નથી. જય તું કેમ કંઈ નથી બોલતો ભાઈ? 

‘સોનલ, સંજયભાઈ ભોળા અને ઉતાવળા પણ છે. એટલે કાયમ માર ખાઈ જાય છે. આજે તું જે ટર્મ-કંડિશન મૂકી રહી છે તે શક્ય છે ખરી? તને નથી લાગતું કે અમને મોરલી ડાઉન કરવા જ આવી ટર્મ-કંડિશન મૂકવામાં આવી છે. જો ખરેખર તને ઉકેલ લાવવો જ હોય તો હું એક સજેશન કરી શકું?’ 

જય ધાર્યા કરતા વધારે જેન્ટલી વર્તી રહ્યો હતો તે જોઈ મને નવાઈ લાગી. મેં કહ્યું, ‘મૂકી રહી છે તે શક્ય છે ખરી? પહેલા એ કહો કે તમને મારી શરતોમાં શું વાંધો છે?’ 

‘મને વાંધો એટલો જ છે કે આ ફર્મની બજાર કિંમત કેટલી છે તે હું જાણું છું. તું એ કિંમતનો અર્ધો ભાગ અમને આપી શકે એમ છે, પણ તને ખબર છે અમે તને એટલી રકમ આપી શકવાના નથી. બીજું આ ફર્મ વેચાય તેમાં તને કોઈ જ તકલીફ થવાની નથી, કારણ કે તું એની વારસ નથી. જ્યારે અમને વાંધો છે. શેઠ મણિરામ ઝવેરીનું પાટિયું ઊતરી જાય તે અમે સહન ન કરી શકીએ. આ બધી બાબતોની ગણતરી રાખીને તેં આ શરતો મૂકી છે. આ તારા નહીં, બીજા કોઈના ભેજાની કમાલ છે.’ મને જયની વાતો સાંભળી તેના લોજીક વિશે માન થયું. 
‘તું કહે તો ખરો ભાઈ.’

‘એવું પણ થઈ શકે કે એમ. વી. ના ત્રણ પાર્ટનર હોય. હું સંજયભાઈ અને તું. ફર્મ જેમ ચાલે છે તેમ ભલે ચાલતી રહે.’ જયે જે પાસો ફેંક્યો હતો તેની મેં કલ્પના પણ કરી ન હતી. જોકે તેણે આપેલું સજેશન હું કોઈ કાળે પસંદ કરું તેમ નહોતી અને તે દિવસે તો મેં નક્કી જ કરેલું કે એમનું ધાર્યું થવા દેવું જ નથી. મેં કહ્યું, ‘જય તમને જે વિચાર આવ્યો તે મને નહીં આવ્યો હોય? પણ એ શક્ય જ નથી. આપણે હવે સાથે રહી જ શકીએ તેમ નથી અને હું રહેવા પણ માગતી નથી.’  

મારી વાત સાંભળી અત્યાર સુધી માંડ ધીરજ ધરી બેઠેલો સંજય એકદમ બરાડ્યો, ‘તો જખ્ખ મારવા અમને અહીં બોલાવ્યા છે? સોનલ તારે આપવું જ હોય તો આખેઆખું આપી દે. પપ્પા તમે આ છોકરીની ચાલ સમજ્યા નથી. તેં મકાન પપ્પાને નામે કરી નાખ્યું એટલે અમે એ ઘરમાંથી નિકળી ગયા. મને ખબર છે મમ્મી અમને ત્યાં રહેવા નહીં દે. 

પપ્પા આ છોકરીએ આપણા આખાય પરિવારને વેરવિખેર કરી નાખ્યો છે. પણ યાદ રાખ સોનલ અમે ભિખારી નથી. અમારામાં હિંમત છે. અમે અમારું ઊભું કરી લઈશું. આજ પછી હું આ જ્ગ્યાએ પગ નહીં મૂકું. અને તેં આ દાન આપ્યું છે તે મને જોઈતું નથી સમજી?’ એમ કહીને સંજયે ભાભીના નામનો ચેક કવર સહિત ફાડી નાખ્યો. ‘જય ઊભો થા. નથી બેસવું આ બે ટકાની નાલાયક છોરી સામે. તેણે મારી જિંદગી ઝેર કરી નાખી છે. આઈ વીલ કીલ હર.’ 

ખબર નહીં કેમ શા કારણે મારો મગજ પરનો કાબૂ ગયો. મેં ઊભા થઈને સંજયના ગાલ ઉપર એક તમાચો જડી દીધો. એટલું નહીં અમારી ઉપરની ચેમ્બરમાં એક ઈમરજન્સી સ્વીચ છે. એ દાબો એટલે નીચેથી સિક્યુરિટી ગાર્ડ તરત ઉપર દોડી આવે. મારાથી એ સ્વીચ દબાઈ ગઈ. હું શું કરું છું તેનું મને જાણે ભાન જ નહોતું. મારું આખું શરીર ગુસ્સાથી ધ્રુજતું હતું. સંજયનું ચાલ્યું હોત તો તે મારું ગળું દાબી દેત. અચાનક જે થયું તેના કારણે બાકીના બધા ઊભા થઈ ગયા. 

રત્નાકરજી માથું ઝુકાવી ઊભા હતા. પોદાર અને બક્ષી સ્તબ્ધ થઈ જોયા કરતા હતા. ગાર્ડ ઉપર આવ્યા સાથે મારી મમ્મી પણ દોડી આવી. ગાર્ડને જોતાં મેં ત્રાડ પાડી, સિક્યુરિટી આ સુવ્વરને ધક્કા મારીને અહીંથી કાઢો અને સામો થાય તો પોલીસને ફોન કરો. સંજય કાળઝાળ નજરે એમને જોઈ જાતે જ કેબીન બહાર નીકળી ગયો. જય અને પપ્પા પણ નીચે ઊતરી ગયા. મેં અત્યાર સુધી પહેલીવાર મગજ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો. સોનલ થોડીવાર હાંફતી રહી. તેણે પાણી પીધું.

‘પછી શું થયું?’ સનતે સાવ ધીમેથી કહ્યું, ‘મારા મગજમાં એક્દમ સુનકાર છવાઈ ગયો હતો. અચાનક મને સ્થિતિનો ખ્યાલ આવ્યો. શું થઈ ગયું તેનો વિચાર આવતા હું ખુરસી પર ફસડાઈ પડી અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. રત્નાકરજીએ જાત પર સંયમ રાખ્યો. મારું રડવું બંધ થતું ન હતું. આખરે તેમનો સંયમ તૂટ્યો. તેમણે મારા માથા પર હાથ ફેરવતા કહ્યું, ‘પ્લીઝ સોનલબહેન શાંત થાવ. શાંત થાવ.’

હું જાત પરથી સંયમ ખોઈ બેઠી હતી. હું અચાનક રત્નાકરજીને વળગી પડી વધુ જોરથી રડી પડતાં કહ્યું, ‘દાદાજી મને બચાવી લ્યો. એ લોકો મને મારી નાખશે.’ હું કોઈ નાની છોકરીની જેમ રડતી હતી. હું ભૂલી ગઈ કે હું કોણ છું અને રત્નાકરજી કોણ છે. રત્નાકરજીએ મને ઊભી કરી. આંસુ લુછ્યા. પોદારને ઈશારો કરી પાણી આપવાનું કહ્યું. રત્નાકરજી કેટલીય વાર પીઠ ઉપર હાથ ફેરવતા રહ્યા. હું શાંત થઈ એટલે મને શરમ પણ આવી કે હું રડી પડી હતી. હું બાથરૂમ તરફ ભાગી. દસેક મિનિટ પછી ફ્રેશ થઈ આવી. તે દરમિયાન રત્નાકરજીએ કૉફી મગાવી લીધી હતી. 

હું એ ત્રણેય સામે નજર મેળવી શકતી ન હતી. તેમ છતાં માંદલું સ્મિત કરીને હું બોલી, ‘સોરી મારા કારણે તમને તકલીફ થઈ. હું જાત પરથી કાબૂ ખોઈ બેઠી હતી. મારે આવું કરવું નહોતું જોઈતું. મારે સંજયની પણ માફી માગવી જોઈએ. મારી વાત સાંભળી પોદાર અને બક્ષી નવાઈથી મારી સામે જોઈ રહ્યા. રત્નાકરજીએ મને કૉફીનો મગ આપતાં કહ્યું, ‘કોઈની માફી માગવાની જરૂર નથી. તમે જે કર્યું તે ઠીક કર્યું છે. ફરગેટ ધેમ. ડરવાની પણ જરૂર નથી. તમને કોઈ કંઈ નહીં કરી શકે. હું બેઠો છું. મિસ્ટર પોદાર કાલથી આપણે નવેસરથી વિચારવું પડશે.’ 

‘જો બેટા આ બેય મારાથી ઉંમરમાં ઘણા નાના છે. વળી કેટલીક એમને ખબર ન હોય તે સ્વાભાવિક છે. હું આજથી તને સોનલ જ કહીશ. તારે હવે એ લોકોને ભૂલી જવાના છે. એમને કંઈ આપવાની વાત પણ ભૂલી જા. જ્યારે સામેથી નાક રગડતા આવે ત્યારે વિચારશું. મણિરામ ઝવેરીની શાખને આંચ નહીં આવે. બાકીનું હવે વિચારશું. હા પેલું મકાન અને ખાણો પપ્પાને નામે કરવાની વિધિ જલદી પૂરી થઈ જશે. 

તારી ભાભીઓના અકાઉન્ટમાં એમના પૈસા જમા થઈ જશે. બેટા તારે હવે હિંમતપૂર્વક જીવવાનું છે. તું કોઈ સામાન્ય છોકરી નથી. કરોડોની માલિક સોનલ ઝવેરી છો સમજી? તારા માટે મકાનની વ્યવસ્થા થઈ ગઈ છે. હું પોલીસ પ્રોટેક્શનનું વિચારું છું. તારે તારી ચીજ વસ્તુઓ, કપડાં વગેરે તારા પપ્પાના ઘેરથી લેવાના હોય તે લઈ લેવાના છે, પણ પોલીસ પ્રોટેક્શન વગર ત્યાં પણ જવાનું નથી. એટલું જ નહીં, તું ક્યાંય પણ જઈશ ગાર્ડ તારી સાથે હશે.’  મારી જિંદગીમાં ફરી એક વળાંક આવ્યો. એક સંઘર્ષ પૂરો થયો અને એક સંઘર્ષ શરૂ થયો.   (ક્રમશ:)