Tue Oct 13 2026

Logo

આરોગ્ય એક્સપ્રેસઃ આપણા લોહીને આપણે કેટલું ઓળખીએ છીએ?

2026-10-13 10:04:00
Author: Rajesh Yagnik
આરોગ્ય એક્સપ્રેસઃ આપણા લોહીને આપણે કેટલું ઓળખીએ છીએ?

રાજેશ યાજ્ઞિક


ઈશ્વરે બનાવેલી જીવસૃષ્ટિ અદ્ભુત છે. જીવંત અથવા જેને આપણે સજીવ કહીએ છીએ તેવી મનુષ્ય સહિત, કુદરતની કોઈપણ રચના જોઈ લો. જીવતા રહેવા માટે શું જરૂરી છે? એવો કોઈ પ્રશ્ન પૂછે તો તેના જવાબમાં શું કહીશું? ઓક્સિજન, પાણી, ખોરાક, લોહી, વિટામિન, પ્રોટીન, ચરબી...લિસ્ટ ઘણું લાંબું છે. આ બધામાંથી કોઈપણ તત્ત્વ ઓછું-વધતું થાય એટલે આપણા શરીરમાં સમસ્યાઓ સર્જાય છે.


આ બધામાં લોહી એક એવું ઘટક છે, જે અન્ય ઘટકોનો ઉપયોગ કરીને આપણે જીવતા રાખવામાં અને સ્વસ્થ રાખવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે. એટલું જ નહીં, વધારે પડતો રક્તસ્રાવ ઘાતક પણ સાબિત થાય છે. સામાજિક દૃષ્ટિએ લોહીને આપણે આપણા કુળ, વંશ પરંપરા અને શૌર્ય સાથે જોડ્યું છે. કેટલેક અંશે ‘લોહીના સગાં’ વૈજ્ઞાનિક રીતે સાચું પણ છે જ. તેની ચર્ચા ફરી કયારેક કરીશું. અત્યારે તો એ વાત કરીએ કે આપણા લોહીને ખુદ આપણે કેટલું ઓળખીએ છીએ?


લોહી શું છે?


લોહી એ એક આવશ્યક પ્રવાહી છે, જે સતત વહેતું રહે છે અને આપણા શરીરને કાર્યરત રાખે છે. ઈશ્વરનું સજીવોના શરીરનું વર્ક મેનેજમેન્ટ જોરદાર છે. લોહી માટે એક ઘટક દેખાતું હોવા છતાં, તેમાં પણ અનેક ઘટકો છે. એટલું જ નહીં, આ દરેક ઘટકનું પાછું પોતાનું મહત્ત્વનું કાર્ય પણ છે. એ રીતે જોઈએ તો આધુનિક જગતમાં વપરાતો ડિવિઝન ઓફ વર્ક (કાર્ય વિભાજન)નો સિદ્ધાંત આપણા શરીરમાં પ્રત્યેક ઠેકાણે જોવા મળે છે. લોહીના ચાર ભાગ કે ઘટકો છે:

પ્લાઝ્મા: એ લોહીનો પ્રવાહી ભાગ છે જે રક્તકણો આપણા સમગ્ર શરીરમાં વહન કરવાનું કામ કરે છે.

લાલ રક્ત કણો (રેડ બ્લડ સેલ્સ): આપણા શરીરના કોષો સુધી ઓક્સિજન પહોંચાડવાનું મહત્ત્વનું કામ કરે છે.

શ્વેત રક્ત કણો (વ્હાઇટ બ્લડ સેલ્સ): એનું કાર્ય ચેપ સામે લડવાનું છે. 

પ્લેટલેટ્સ:  જો આપણને ઈજા થાય તો પ્લેટલેટ્સ લોહીના ગઠ્ઠા બનાવીને રક્તસ્રાવ અટકાવવામાં મદદ કરે છે.

આપણે બ્લડ ગ્રુપ (રક્તસમૂહ) વિશે જાણીએ છીએ. બધાં જ બ્લડ ગ્રુપમાં આ મૂળભૂત ઘટકો સમાન જ હોય છે. સૌથી સામાન્ય રક્તસમૂહો એ, બી, એબી અને ઓ તરીકે ઓળખાય છે

લોહી શું કામ કરે છે?
 
લોહી ઘણાં મહત્ત્વપૂર્ણ કાર્યો કરે છે. તે આપણા શરીરના કોષો અને પેશીઓ સુધી ઓક્સિજન અને પોષક તત્ત્વો પહોંચાડે છે.

આપણા કોષો અને પેશીઓમાંથી નકામા પદાર્થોને દૂર લઈ જાય છે. આપણા શરીરનું ચેપ સામે રક્ષણ કરે છે. ઇજા પછી રક્તસ્રાવ અટકાવવા લોહીના ગઠ્ઠા બનાવવાનું કામ પણ લોહીનું જ છે. આપણા શરીરનું તાપમાન અને બ્લડ પ્રેશર (રક્તચાપ) પણ નિયંત્રિત કરે છે.

લોહી ક્યાં હોય છે?

લોહી આપણા રુધિરાભિસરણ તંત્ર, જેને સામાન્ય શબ્દોમાં આપણે રક્ત વહન કરવાનું તંત્ર કહી શકીએ, એમાં વહે છે. આપણું હૃદય લોહીને રક્તવાહિનીઓમાં પંપ કરે છે, જે લોહીને આપણા સમગ્ર શરીરમાં પહોંચાડે છે:

ધમનીઓ (Arteries) ઓક્સિજનયુક્ત લોહીને હૃદયમાંથી શરીરના પેશીઓ સુધી લઈ જાય છે.

શિરાઓ (Veins) ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય તેવા લોહીને શરીરની પેશીઓમાંથી પાછું હૃદય સુધી લઈ જાય છે. કોશિકાઓ (Capillaries) ધમનીઓ અને શિરાઓ વચ્ચે લોહીનું વહન કરે છે.

લોહી ક્યાં બને છે?

લોહીનું નિર્માણ આપણા અસ્થિમજ્જા (હાડકાંની અંદર રહેલી પોચી પેશી)માં થાય છે. અસ્થિમજ્જા માં ‘સ્ટેમ સેલ્સ’ (મૂળ કોષો) આવેલા હોય છે. સ્ટેમ સેલ્સ એ આપણા શરીરના રક્તકણોનું સૌથી પ્રાથમિક સ્વરૂપ છે. અસ્થિમજ્જામાં સ્ટેમ સેલ્સમાંથી રક્તકણો પરિપક્વ થાય છે. એકવાર તે સંપૂર્ણ રીતે વિકસિત થઈ જાય, પછી તે સંપૂર્ણ લોહીના સ્વરૂપમાં આપણી રક્તવાહિનીઓમાં પ્રવેશે છે.

લોહી શેનું બનેલું હોય છે?

લોહી મુખ્યત્વે પ્રવાહી સ્વરૂપે હોય છે, પરંતુ તેમાં કોષો અને પ્રોટીન પણ હોય છે, જે તેને વાસ્તવમાં પાણી કરતાં ઘટ્ટ બનાવે છે. એક સરેરાશ પુખ્ત પુરુષના શરીરમાં લગભગ 5 લિટર (10.5 પાઈન્ટ) લોહી હોય છે. સ્ત્રીઓમાં તે લગભગ 4 લિટર (8.5 પાઈન્ટ) હોય છે. લોહી આપણા શરીરના વજનના લગભગ 8 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. લોહીનો લગભગ 55 ટકા હિસ્સો પ્લાઝ્માનો હોય છે. 44 ટકા હિસ્સો લાલ રક્તકણોનો હોય છે, જ્યારે બાકીના 1 ટકા શ્વેત રક્તકણો અને પ્લેટલેટ્સનો હોય છે.

લોહીનો રંગ કેવો હોય છે?

આવો પ્રશ્ન પુછાય ખરો? આપણે જાણીએ જ છીએ કે લોહીનો રંગ લાલ જ હોય છે. રૂઢિ પ્રયોગમાં લોહીનો રંગ બદલાઈ જવાનો અર્થ વિશ્વાસઘાત કરવો કે વંશ પરંપરાથી વિરુદ્ધ જવો એવો ભલે થતો હોય, પણ હકીકતમાં આપણા લોહોનો રંગ દરેક સમયે એક સમાન નથી હોતો. લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે, તેના આધારે તેનો લાલ રંગ વધતો-ઓછો થાય છે. જ્યારે તે હૃદયમાંથી બહાર નીકળે છે અને ઓક્સિજનથી ભરપૂર હોય છે, ત્યારે તે ઘાટું લાલ (ચમકદાર લાલ) હોય છે. જ્યારે તેમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે અને તે વધુ ઓક્સિજન મેળવવા માટે પાછું હૃદય તરફ વહે છે, ત્યારે તેનો રંગ ઈંટ જેવા ઝાંખા લાલ રંગ જેવો થઈ જાય છે.

લોહી વિશે તો હજુ ઘણું જાણવા જેવું છે. એના વિશે હવે પછી...