સુભાષ ઠાકર
‘વ્હાલા કાગ બંધુઓ, શ્રાદ્ધપક્ષ પછી ભારતીય કાગમંડળની આ ઍન્યુઅલ જનરલ મીટિંગમાં મંડળ પ્રમુખ ચંપકલાલે સભાનો શુભારંભ કર્યો ‘પંદર દિવસ ખીરપૂરીના જલસા પછી આ પ્રથમ મીટિંગમાં આપ સૌનું સ્વાગત.. મિત્રો, આજની એજીએમ શરૂ થાય એ પહેલાં કેટલાક પિતૃ-મિત્રોની ફરિયાદ આવી છે કે પંદર દિવસમાં મારા જ શ્રાદ્ધમાં મારા દીકરાએ એકવાર કાગવાસ નાખ્યા પછી બીજીવાર પૂછ્યું નથી કે બા-બાપુજી બીજી ખીર પૂરી ફેકું?’ તો મારા કાગમિત્ર, એ તો માણસ હતા ત્યારે પણ ક્યાં બીજીવાર પૂછતો? એ આદતથી મજબૂર છે.’
ત્યાં સભામાં બીજો કાગડો બોલ્યો ‘બાપુ, યુ નો આપણા રંગ, કદ, રૂપ, આકાર ને અવાજ બધં જ સરખું હોવાને કારણે આધારકાર્ડ બનાવવામાં તકલીફ પડે છે. ઇવન આ દેખાવનો લાભ પેલી કોયલડી લઈ જાય છે ને એનાં ઈંડાં આપણા માળામાં મૂકી જાય છે. એનું કઈ કરો.’
પ્રમુખ બોલ્યા ‘તમે કાગડા બન્યા પણ બુદ્ધિ હજી પણ માણસ જેવી જ છે. અરે આપણે એકબીજાને આધાર આપીએ તો આધારકાર્ડ બનાવી શું રમી રમવી છે? એ વિચાર માંડી વાળો. આપણે હવે ક્યાં માણસ છીએ? અરે, કોયલ એનાં ઈંડાં આપણા માળામાં મૂકી જાય ને આપણે થોડા વખત સેવીએ તો શું ખાટુ-મોળુ થઈ જવાનું. કોઈનાં સંતાન પોષવા જેવું પુણ્યનું કામ ઈશ્વરે આપણને સોંપ્યું. ને આપણામાં માણસ કરતાં વધુ વિશ્વાસ મૂકી આપણી ઇજ્જત વધારી એ ઈશ્વરનો આભાર માનો.’
મિત્રો, હવે તો આપણામાં માણસ જેવું કંઈ બચ્યું નથી. હતો એક જમાનો નામ અલગ, જાતી અલગ, રૂપ અલગ, સ્વભાવ અલગ, અવાજ પણ અલગ, પણ ગયું હવે એ બધું. હવે તો લગ્નગીત ગાવાં હોય કે મરશિયા, ભક્તિ ગીત ગાઓ કે પ્રાર્થના ગીત, ફિલ્મગીત ગાઓ કે ગઝલ બધામાં કા-કા-કા... યુ ગૉટ માય પૉઇન્ટ? તમે માર્ક કર્યું?
આપણા એક સરખા દેખાવને ને અવાજને કારણે જ ફાયદો એ થયો કે જૈન, વૈષ્ણવ, બ્રાહ્મણ, મરાઠી, મુસ્લિમ કે પંજાબી બધા કાગભાઈઓને પંદર દિવસ શ્રાદ્ધની ખીરનો લાભ આપી શક્યા, હમણાં માણસ હોત તો. માણસોમાં આવો સંપ નથી, અરે ત્રણ દીકરા ભેગા થઈ એક શ્રાદ્ધ નથી કરી શકતા એ બીજું શું કરવાના? શ્રાદ્ધમાં શ્રદ્ધા ન હોય એવો તો માણસ હોતો હશે?’
‘અધ્યક્ષ મહોદય’ પ્રેક્ષકમાંથી અવાજ આવ્યો ‘એ માણસ જ છે પણ માણસાઈ વગરનો.’
‘અરે, પણ તને કેમ ખબર પડી કે માણસાઈ વગરનો..?’
પ્રમુખે પૂછ્યું
‘અરે બાપુ, માણસાઈ હોત તો એ કબૂતર માટે ચબૂતરો બંધાવે છે એમ પણ કાગડા માટે કાગોતરો બંધાવતો હોત. કબૂતરને પેટ છે તો આપણને નથી? (તાળીઓ) એમાં કેટલાય કાગડાઓ ખીર-પૂરીની સિઝનમાં પણ ભૂખ્યા રહ્યા. અરે એનો ધર્મ તો જુઓ એને આપણામાં બાપુજી દેખાય, ગાયમાં માતાજી દેખાય, પેલા મંદિરની મૂર્તિમાં ભગવાન દેખાય પણ કોઈ માણસમાં માણસ નથી દેખાતો, અરે બાપુ, યુ નો આ માણસ આપણામાં શ્રદ્ધા મૂકી બે પગ જોડી કરગરવાનું નાટક કરશે ‘હે વ્હાલા પિતૃઓ અને વડવાઓ, પ્લીઝ અમારા છાપરે પધારી ખીર-પૂરીનું ભોજન આરોગી અમને પિતૃ ઋણમાંથી મુક્ત કરો’ એ વખતે જ મને નસ નસમાં એવું ખુન્નસ ઊપડે કે જઈને હમણાં બે-ચાર બચકાં મારી આઉ...’
‘અરે વ્હાલા, કેમ તમે કારણ વગર ભડકો છો એ માણસ બિચારો આટલી નમ્રતાથી..’ પ્રમુખ બોલ્યા.
‘તંબુરો નમ્રતા! એ ડોબાને પિતૃઓને અને વડવાઓને બોલાવવા છે, પણ માતૃઓને અને વડવાઈઓને કોણ બાજુવાળો બોલાવશે? મર્યા પછી પણ આપણને સાથે નથી રહેવા દેવા. અને શ્રાદ્ધ સાથે શ્રદ્ધા પણ પૂરી ને હવે છાપરે બેસી બરાડા પાડશો તો કોઈ કાકોએ કા...કા નઈ સાંભળે. સમજ્યા? હમણાં કરગરશે પણ પછી આખું વર્ષ
આપણા જ ઘરની બારી પરની સામેની ભીંત પર તૂટેલી ફ્રેમમાં આપણો જ ફોટો જોવા જરાક બેઠા કે હઇડ... હઇડ કરી ઉડાડી મૂકશે... મને તો એ પણ વિચાર આવે છે કે એ બોલે છે કે ‘કાગડા બધે કાળા’ તો વડીલ, કાગડીઓ ક્યાં લાલ, પીળી કે ગુલાબી છે? આપણે શ્યામ છીએ તો એ કઈ રૂપાળી રાધા છે ઇન શૉટર્ર્ કાગડીઓ કેમ કાળી નઈ?’
સભામાં તાળીઓનો ગડગડાટ થયો ને કોઈ કાગડો બોલ્યો ‘વૉટ એ ડાયલૉગ. પૉઇન્ટ ટુ બી નોટેડ... બાપુ, એક વિનંતી કરું આજે મારા માળામાં જમવાનું રાખો.. ચાલો, હું દીકરાને વોટ્સેપ કરું છું એ મારી ભાષા સમજશે.’
‘તંબુરો સમજશે, તારી વ્યથાની કથા મને ખબર છે. એને જો તારું ધ્યાન રાખ્યું હોત તો હજી તું માણસ હોત’ પ્રમુખ બોલ્યા. ‘મને યાદ છે એ તારો દીકરો બાળક હતો ત્યારે તું અને ભાભી કેટલા પ્રેમથી લાડથી ખવડાવતાં ‘બેટા, ખાઈ લે નઈતર કાગડો ખાઈ જશે. છતાં તું ન ખાતો એટલે ભાભીની આંખમાં પાણી આવતા ને મરતાં પહેલાં પણ તમારી આંખમાં પાણી જ હતાં, કારણ કે ત્યારે જમાડતો ન્હોતો... બોલ સાચું કે ખોટું?’ બેટા, આપણે તો માત્ર તનથી જ કાળા છીએ ને એ તો મનથી પણ... સમજ્યો? ચાલો બધા કાગમિત્રો આજે તમારા પ્રમુખ એટલે કે મારા તરફથી મારા છાપરે પાર્ટી રાખીએ પણ ત્યાં ખીર-પૂરી નઈ મળે.
‘તો’ બધા કાગડા એક સાથે કા-કા બોલ્યા ‘ત્યાં મળશે ડુંગળીના ભજિયાનો કાગવાસ. ચાલો, ઉડો બધા ને કા-કા-કા-કા કરતુ મંડળ ઉડ્યું ભજિયા ખાવા...ફરરર..
શું કહો છો?