BOB અને SBIના ATMને બનાવતા હતા નિશાન; યુપીના ત્રણ શખ્સો ઝડપાયા, રૂ. 4.45 લાખનો મુદ્દામાલ કબજે
રાજકોટ : ATMમાંથી રોકડ ઉપાડવા આવતા ગ્રાહકોને નિશાન બનાવી ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ATMના કરન્સી ડિસ્પેન્સર સ્લોટમાં પ્લાસ્ટિકની પટ્ટી ફસાવી નોટો અટકાવી દેવાની તરકીબથી ગ્રાહકોની રોકડ ચોરી કરવાના આરોપસર ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ પાસેથી રૂ. 4.45 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા, એડિશનલ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિક અને DCP ક્રાઇમ જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી.
ATMમાં પટ્ટી ફસાવી ગ્રાહકોની રોકડ ચોરવાની તરકીબ
પોલીસ સમક્ષ આવેલી વિગતો મુજબ, પકડાયેલા આરોપીઓમાં અફસાર અહેમદ રિયાસત અલી, અરબાઝ ફૈઝ અહેમદ અને શાહીદ ખાન મોહમ્મદ સલીમનો સમાવેશ થાય છે. ત્રણેય ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના રહેવાસી હોવાનું જણાવાયું છે.
આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ રવિવાર અથવા જાહેર રજાના દિવસે બેન્ક ઓફ બરોડા (BOB) અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)ના ATMની આસપાસ રેકી કરતા હતા. ATMમાં કોઈ ગ્રાહક ન હોય ત્યારે અંદર જઈ કરન્સી ડિસ્પેન્સર સ્લોટમાં પ્લાસ્ટિકની પટ્ટી ફસાવી દેતા હતા.
ત્યારબાદ કોઈ ગ્રાહક રોકડ ઉપાડવા આવે ત્યારે ATMમાંથી નોટો બહાર આવવાની પ્રક્રિયામાં અવરોધ ઊભો થતો અને નોટો સ્લોટમાં જ ફસાઈ જતી હતી. ગ્રાહક ટેકનિકલ ખામી સમજી ATMમાંથી બહાર નીકળી જાય ત્યારબાદ આરોપીઓ ફરી અંદર જઈ પ્લાસ્ટિક તથા એલ્યુમિનિયમની પટ્ટી કાઢી ફસાયેલી રોકડ લઈને નાસી જતા હોવાનો પોલીસનો દાવો છે.
રાજકોટ સહિત અનેક શહેરોમાં ચોરી કર્યાની કબૂલાત
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ રાજકોટ ઉપરાંત અમદાવાદ અને સુરતમાં પણ આ પ્રકારની ચોરીઓ કરી હોવાની કબૂલાત આપી છે. રાજકોટના ભક્તિનગર અને માલવિયા પોલીસ સ્ટેશન વિસ્તાર તથા મહીસાગર જિલ્લાના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ATM ચોરીના બનાવો સાથે પણ આરોપીઓની સંડોવણી અંગે વિગતો સામે આવી હોવાનું જણાયું છે.
આરોપીઓ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ સહિત અન્ય પોલીસ સ્ટેશનોમાં ચોરી અને ગેંગસ્ટર એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
રૂ. 4.45 લાખનો મુદ્દામાલ કબજે
ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓને ઝડપી તેમની પાસેથી કુલ રૂ. 4,45,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. હવે અલગ-અલગ શહેરો અને પોલીસ સ્ટેશન વિસ્તારોમાં નોંધાયેલા ATM ચોરીના ગુનાઓમાં તેમની સંડોવણી, ચોરીની કુલ રકમ અને અન્ય સાગરીતો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
ATMમાંથી રોકડ ઉપાડતી વખતે ગ્રાહકોને નોટો ન મળે તો માત્ર ટેકનિકલ ખામી માનીને ત્યાંથી નીકળી જવાને બદલે સંબંધિત બેન્કને તાત્કાલિક જાણ કરવી જરૂરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીથી ATM ચોરીના વધુ બનાવો ઉકેલાય છે કે કેમ તે હવે તપાસનો વિષય બન્યો છે.