અમદાવાદઃ દિવાળી પહેલાં જ ગુજરાતના ઓટો સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે. રાજ્યમાં વાહનોના વેચાણમાં વધારો થયો હતો. કાર ડીલરોને નવરાત્રિ દરમિયાન વેચાણની ગતિ જળવાઈ રહેવાની આશા છે. રાજ્યમાં કારના વેચાણમાં 19.6 ટકાનો વધારો થયો હતો. સપ્ટેમ્બરમાં પેસેન્જર વાહનોનું રિટેલ વેચાણ 37,340 યુનિટ પર પહોંચ્યું હતું. ટુ-વ્હીલરના વેચાણમાં 13.6 ટકાનો વધારો થયો હતો, જ્યારે ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં 62.7 ટકાનો જંગી ઉછાળો નોંધાયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ, તહેવારોની સિઝન પહેલાં ગુજરાતના ઓટોમોબાઇલ માર્કેટમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. જેમાં સપ્ટેમ્બર 2026માં પેસેન્જર વાહનોના રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે 19.6 ટકાનો વધારો નોંધાયો છે. ટુ-વ્હીલરના વેચાણમાં પણ સારો એવો વધારો જોવા મળ્યો છે, જ્યારે ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ 62.7 ટકા વધ્યું હતું. રાજ્યમાં આ મહિના દરમિયાન 37,340 પેસેન્જર વાહનો અને 1,32,210 ટુ-વ્હીલર્સનું રિટેલ વેચાણ નોંધાયું હતું. તમામ કેટેગરીમાં કુલ વાહનોનું રિટેલ વેચાણ સપ્ટેમ્બર 2025ના 1,73,741 યુનિટ્સથી 12.2 ટકા વધીને 1,94,991 યુનિટ્સ થયું હતું
સામાન્ય રીતે નવરાત્રિ અને દશેરા નવા વાહનોની ખરીદીને વેગ આપે છે. તેથી ઓટોમોબાઇલ ડીલરોને તહેવારોના સમયગાળા દરમિયાન કાર અને મોટરસાઇકલનું વેચાણ ગયા વર્ષ કરતાં લગભગ 20 ટકા વધારે રહેવાનો અંદાજ છે. સૂત્રો મુજબ, વાહનોના વેચાણમાં થયેલી એકંદર વૃદ્ધિ અને ઇલેક્ટ્રિક વાહનોની વધતી માંગ પર પ્રકાશ પાડતા આગામી તહેવારોની મોસમ અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો.
પેસેન્જર વાહનોના વેચાણમાં 6,123 યુનિટનો વધારો
ગુજરાતમાં ગયા વર્ષના સમાન મહિનામાં વેચાયેલા 31,217 યુનિટ્સની સરખામણીએ સપ્ટેમ્બર 2026માં 37,340 પેસેન્જર વાહનોનું રિટેલ વેચાણ નોંધાયું હતું. 6,123 યુનિટ્સનો આ વધારો વાર્ષિક ધોરણે 19.6 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
ટુ-વ્હીલરનું વેચાણ 1.32 લાખને પાર
રાજ્યમાં ટુ-વ્હીલર સૌથી મોટો વ્હીકલ સેગમેન્ટ રહ્યો હતો, જેમાં વેચાણ એક વર્ષ અગાઉના 1,16,380 યુનિટ્સથી વધીને સપ્ટેમ્બર 2026માં 1,32,210 યુનિટ્સ પર પહોંચ્યું હતું. આ 15,830 યુનિટ્સનો વધારો દર્શાવે છે. રાજ્યના ઓટોમોબાઇલ માર્કેટમાં પોતાનું વર્ચસ્વ સાબિત કરતા, તમામ કેટેગરીના કુલ વાહન રિટેલ વેચાણમાં ટુ-વ્હીલર્સનો હિસ્સો આશરે 67.8 ટકા જેટલો રહ્યો હતો.
EV વેચાણમાં 62.7 ટકાનો ઉછાળો
ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ગતિ સતત જળવાઈ રહી હતી. ગુજરાતમાં સપ્ટેમ્બર 2026 દરમિયાન 12,677 EV યુનિટ્સ નોંધાયા હતા, જે કુલ વાહન રિટેલ વેચાણના આશરે 6.5 ટકા જેટલો થાય છે. ટુ-વ્હીલર સેગમેન્ટમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનો હિસ્સો સપ્ટેમ્બર 2025ના 5.29 ટકાથી વધીને સપ્ટેમ્બર 2026માં 7.22 ટકા થયો હતો. તેવી જ રીતે, સમાન સમયગાળા દરમિયાન પેસેન્જર વાહનોના કુલ વેચાણમાં EVનો હિસ્સો 3.99 ટકાથી વધીને 6.91 ટકા પર પહોંચ્યો હતો.