Tue Oct 13 2026

Logo

ફોકસઃ વ્રતમાં આખરે શું ખાવું?

2026-10-13 09:51:00
Author: Rajkumar Dinkar
ફોકસઃ વ્રતમાં આખરે શું ખાવું?

રાજકુમાર દિનકર

વાત જો નવરાત્રિના નવ દિવસના વ્રતની ચાલતી હોય, તો સૌના મનમાં પહેલો પ્રશ્ન એ જ આવે છે કે આખરે આ નવ દિવસમાં શું ખાવું કે જેથી શરીરની ઊર્જા પણ ઓછી ન થાય અને ખાવામાં સ્વાદ તથા રુચિ પણ જળવાઈ રહે. ખરેખર રોજિંદી થાળીમાં આપણે અવારનવાર દાળ, ચોખા, રોટલી અને અનેક પ્રકારનાં શાકભાજી વગેરે ખાઈએ છીએ. પરંતુ વ્રતના દિવસોમાં સામાન્ય રીતે મીઠું છોડવાની વાત થાય છે, તેથી વ્રતની થાળીનું રૂપરેખા બદલાઈ જાય છે. 

પરંતુ ભારતીય પરંપરામાં વ્રતની રસોઈને ધ્યાનથી જોઈએ તો ખબર પડે છે કે આ મર્યાદાઓ છતાં વ્રતમાં ખાવા-પીવાની વેરાયટી ક્યાંયથી ઓછી નથી .વિશ્ર્વાસ ન થાય તો થોડી આ યાદી જુઓ.  બકવીટ (કુટ્ટુનો લોટ), શિંગોડા, સામો, રાજગરો, સાબુદાણા, શક્કરિયાં, અળવી, બટાકા, વિવિધ પ્રકારનાં સ્વાદિષ્ટ ફળો, દૂધ અને દહીં સાથે અનેક વસ્તુઓથી સ્વાદ અને વિવિધતાથી ભરપૂર નવરાત્રિના ખાવાની થાળી તૈયાર થાય છે. 

વ્રતના નિયમો દરેક પરિવાર અને વિસ્તારમાં એકસરખા નથી હોતા. કોઈ-કોઈ ઘરમાં માત્ર ફળાહાર કરવામાં આવે છે. ક્યાંક વર્ષોથી એક નક્કી ભોજનની પરંપરા હોય છે, તો ક્યાંક કેટલાક વિશેષ અનાજ તથા મસાલાની છૂટ હોય છે. તેથી નવરાત્રિના વ્રતની થાળી આખા દેશમાં એકસરખી નથી હોતી. આવી સ્થિતિમાં જ્યારે પણ નવરાત્રિમાં શું ખાવું, જેવા પ્રશ્નનો સામનો કરવો પડે તો સૌથી પહેલાં પોતાના ઘર, પરિવાર, વિસ્તાર અને પરંપરાનું ધ્યાન રાખો. આખરે ત્યાં શું ખવાય છે અને કઈ રીતે વ્રત રાખવામાં આવે છે? આ નિયમો જાણવા જરૂરી છે. 

નવરાત્રિનું ભોજન માત્ર સ્વાદનો વિષય નથી. આ આસ્થા અને શિસ્તનો ભાગ પણ છે, પરંતુ જ્યાં સુધી વ્રતની થાળીના લોકપ્રિય ખાદ્ય પદાર્થોની વાત છે તો કુટ્ટુનો લોટ લગભગ આખા ઉત્તર ભારતમાં અલગ-અલગ પ્રકારની વાનગીઓના રૂપમાં ખવાય છે. આ લોટમાંથી પૂરીઓ પણ બને છે, ભજિયાં પણ બને છે, પરોઠા પણ બને છે અને જે લોકોને આ બધાથી પરહેજ હોય છે, તેઓ કુટ્ટુની રોટલીઓ પણ ખાય છે. કારણ કે કુટ્ટુ વાસ્તવમાં અનાજ નહીં પણ એક બીજ છે અને લગભગ દરેક જગ્યાએ વ્રતના દિવસોમાં અનાજના લોટની જગ્યાએ આ જ દાળાનો લોટ વપરાય છે. 

એ જ રીતે શિંગોડાનો લોટ પણ વ્રતની રસોઈનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. કુટ્ટુના લોટની જેમ શિંગોડાના લોટમાંથી પણ શીરો, પૂરી અને રોટલીઓ બનાવવામાં આવે છે. વાસ્તવમાં શિંગાડાનો લોટ એટલે શિંગાડા ફળને સૂકવીને બનાવેલો લોટ. આનો પણ લગભગ દરેક જગ્યાએ વ્રતના ભોજનમાં ઉપયોગ થાય છે. 

ત્રીજો મહત્ત્વપૂર્ણ ભોજ્ય પદાર્થ જે નવરાત્રિના વ્રતમાં ખવાય છે, તે સામકના ચોખા છે. ઘણી જગ્યાએ તેને વ્રતના ચોખા જ કહેવામાં આવે છે. આ ચોખામાંથી ખીચડી, પુલાવ અથવા અન્ય ઘણા પ્રકારનું હળવું ભોજન તૈયાર કરવામાં આવે છે. જો આખા દિવસના ઉપવાસ પછી પેટ પર ખૂબ ભારે ભોજન ન લેવું હોય તો સામકની હળવી ખીચડી, દહીં સાથે એક સારો પરંપરાગત વિકલ્પ બની શકે છે. 

નવરાત્રિના વ્રતમાં સાબુદાણા પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. સાબુદાણાની ખીચડી, સાબુદાણાના વડાં, સાબુદાણાની ખીર અને તેના અન્ય ઘણા સ્વાદિષ્ટ વ્યંજનો પણ બનાવવામાં આવે છે. સાબુદાણા મુખ્યત્વે સ્ટાર્ચથી ભરપૂર હોય છે, તેથી તેને ખૂબ વધુ તેલ, ઘી અથવા તળેલા રૂપમાં ખાવાને બદલે ખીર અથવા ખીચડીના રૂપમાં ખાવાં વધુ યોગ્ય છે. 

ઘરે બનાવેલી ઓછા તેલવાળી સાબુદાણાની ખીચડી, વ્રતમાં સૌથી સુરક્ષિત અને સંતુલિત હોય છે, જેમાં મગફળી અને ખૂબ મર્યાદિત માત્રામાં મસાલા હોય. પરંતુ નવરાત્રિના વ્રતના દિવસોમાં સૌથી વધુ અને સૌથી સ્વાભાવિક ભોજનનો વિકલ્પ ફળોનો છે. કેળાં, સફરજન, જામફળ, પપૈયું, સંતરાં, દાડમ, નાળિયેર અને મોસમી ફળો ભોજનમાં સામેલ કરી શકાય છે. માત્ર ફળ ખાનારા લોકો માટે પણ વિવિધતા જરૂરી છે, કારણ કે એક જ ફળ રોજ-રોજ ન ખાઈ શકાય. દૂધ, દહીં અને છાશ પણ વ્રતના પરંપરાગત ભોજનનો ભાગ છે. 

દહીં સાથે લોકો કુટ્ટુની રોટલી અથવા સામકની ખીચડી ખુશી-ખુશી ખાય છે. દૂધમાંથી ખીર પણ બનાવવામાં આવે છે, પરંતુ આ ખીરમાં ખૂબ વધુ ખાંડ ન હોવી જોઈએ.હા, મર્યાદિત માત્રામાં સૂકા મેવાનો ઉપયોગ વધુ સારો છે. જ્યાં સુધી વ્રતના શાકભાજીની વાત છે તો બટાકા, અળવી, કોળું અને દૂધી મુખ્ય શાકભાજીઓ છે. શક્કરિયાંને પણ બાફીને અથવા શેકીને વ્રત રાખનારાઓ દ્વારા ખૂબ ખવાય છે. 

વ્રતનાં શાકભાજીઓ સામાન્ય રીતે સિંધવ મીઠું, જીરું, લીલાં મરચાં અને ખૂબ ઓછા ઘી અથવા તેલમાં બનાવવામાં આવે છે. વ્રતમાં સફેદ મીઠાની જગ્યાએ સિંધવ મીઠું વપરાય છે. મસાલામાં જીરું, મરી, લીલાં મરચાં, આદુ, લીંબુ અને કોથમરી વપરાય છે. વ્રતના ભોજનમાં જે એક વાતનું ખાસ ધ્યાન આપવાનું હોય છે,તે એ છે કે વ્રતનું ભોજન પોતે જ હંમેશાં હળવું અને ઓછીકેલરીવાળું હોવું જોઈએ. 

વ્રતના દિવસોમાં તળેલી પૂરીઓ, ભજિયાં, વડાં, સાબુદાણા અને મીઠાઈઓ ખાવાથી વ્રતનું ભોજન ભારે થઈ જાય છે.કુલ મળીને નવરાત્રિના વ્રતમાં પ્રશ્ર્ન એ ન હોવો જોઈએ કે વ્રતમાં શું ન ખાવું, પરંતુ એ હોવો જોઈએ કે જે ખાઈ શકાય તેને પણ કેટલા સંતુલિત, સ્વાદિષ્ટ અને પરંપરાગત રીતે ખાવું જોઈએ? કારણ કે વ્રતનો અર્થ ભૂખ્યા રહેવું પણ નથી. આ વાસ્તવમાં સંયમ, શિસ્ત અને પોતાની ભોજન પરંપરા સાથે જોડાવાનું ધાર્મિક અને આધ્યાત્મિક અનુશાસન છે.