Sun Mar 08 2026

Logo

ખુશ રહો, મસ્ત રહો...

2 weeks ago
Author: Mumbaisamachar Team
Article Image

 

નીલા સંઘવી

આપણે હંમેશાં કહીએ છીએ ‘ફલય શત ષીતિ’ ખુશ થવા માટે, ખુશ રહેવા માટે ઉંમર કેટલી થઇ એ જોવાની કે વિચારવાની જરૂર નથી. યુવાનો, બાળકો ખુશ રહી શકે તો વૃદ્ધો શા માટે ખુશ ન રહી શકે? વૃદ્ધોને પણ જીવનને માણવાનો, ખુશ રહેવાનો હક્ક છે જ. ઘણાં વૃદ્ધો પોતે જ ખુશ રહેતા નથી. દિવેલ પીધાં જેવું ડાચું લઇને ફરે છે. તેમના મનમાં ફરિયાદ જ ફરિયાદ છે. તેમનું જીવન હાલતું ચાલતું ફરિયાદનામું છે. 

તબિયતની ફરિયાદ, દીકરાની ફરિયાદ, પુત્રવધૂની ફરિયાદ, નોકરો માટે ફરિયાદ આખો દિવસ વાતવાતમાં રોદણાં રડતા લોકો ક્યારેય ખુશ રહી નથી શકતા.

ઉંમર થાય એટલે રોદણાં નથી રડવાના. ઉંમર થાય એટલે તમારા અનુભવને આધાર જીવન જીવવાનું છે અને બીજા માટે ઉદાહરણ બનવાનું છે. ઘણાં વૃદ્ધો સતત નકારાત્મક વાતો કરે છે અને બીજાના જીવનમાં પણ નકારાત્મકતા ફેલાવે છે. ઉંમર થાય એટલે ખુશ રહેવાનું છે, મસ્ત રહેવાનું છે. નાની-  મોટી તકલીફોને નજર અંદાજ કરવાની છે. પોતે ખુશ રહેવાનું અને બીજાના જીવનમાં ખુશી વહેંચવાની.

આજે આપણે વાત કરવાની છે વીણાબહેનની... 88 વર્ષનાં વીણાબહેન બહુજ દેખાવડા. યુવાની માં તો એટલા સુંદર લાગતાં કે લોકો તેમને જોવા માટે ઊભા રહી જતા. ગોરા, પાતળા, માંજરી આંખો. આજે આ વયે પણ સુંદર લાગે છે, કારણ કે તેમનો હસતો ચહેરો છે. હસતા રહેવાને કારણે, ખુશ રહેવાને કારણે સ્વાસ્થ્ય પણ સારું છે. 

આ ઉંમરે, યુરોપની ટૂર કરી છે. કોઇ પણ પ્રવાસમાં જવાનું હોય વીણાબહેન હંમેશાં તૈયાર. પ્રવાસ કરવાનો તેમને બહુ શોખ છે. પરદેશના પ્રવાસે જવાનું થાય ત્યારે સામાન્ય રીતે આપણે એવું વિચારતા હોઇએ છે કે ત્યાં તો ચાલવાનું બહુ થાય. આપણાંથી નહીં ચાલી શકાય, પણ વીણાબહેન ક્યારેય આવું ન વિચારે. પ્રવાસનું નામ પડે કે વીણાબહેન બેગ બિસ્તરા બાંધીને તૈયાર થઇ જાય. સાથે કંપની માટે એકાદ બહેનપણીને તૈયાર કરી જ લે. વીણાબહેને ઘણી બહેનપણી રાખી છે-તેમની સાથે તેઓ આનંદ કરતા રહે છે.

વીણાબહેનનું જીવન પણ કાંઇ ફૂલોની સેજ નથી રહ્યું. જે રીતે બધાંના જીવનમાં તકલીફો આવે છે, તેમ તેમના જીવનમાં પણ તકલીફો આવી છે. પણ પોતાની કોઠાસૂઝથી તેઓ મુસીબતોનો સામનો કરીને પાર ઉતર્યા છે.

પતિનુ અવસાન થતા વીણાબહેન એકલા પડ્યાં. પુત્ર દૂરના પરામાં રહેતો હતો પોતાના પરિવાર સાથે. એકલતા થોડી વસમી લાગે, એ પણ પતિ સાથે અડધી સદીનો સંસાર ભોગવ્યા પછી મોટી ઉંમરે એકલતા કોરી ખાય, ઘર ખાવા ધાય. પણ વીણાબહેન જેમનું નામ. તેમણે ઉપાય શોધી કાઢ્યો. બહુ તો નહીં પણ મુંબઇમાં થોડું મોટું ગણાય એવું ઘર હોવાને કારણે બહારગામથી મુંબઇ ભણવા માટે આવતી દીકરીઓને પોતાને ઘેર પેઇંગ ગેસ્ટ તરીકે રાખવા લાગ્યાં. 

એમના ઘરમાં હંમેશાં ચાર-પાંચ દીકરી હોય જ. ઘર કલરવથી ગુંજી ઊઠ્યું. વીણાબહેનને કંપનીની કંપની મળી જતી અને ઉપરથી કમાણી પણ થતી આવી સુંદર ગોઠવણ વીણાબહેને કરી લીધી.

વીણાબહેન ત્રણ-ચાર સોશ્યલ ગ્રૂપમાં સભ્ય બની ગયાં. આ ગ્રૂપના મહિનામાં એક-બે કાર્યક્રમ તો હોય જ. તેથી ઓરકેસ્ટ્રા, નાટક, સિનેમા, સાહિત્ય, સંગીતના વિવિધ કાર્યક્રમોનો જલસો તે  માણતા રહે છે. વળી આવા સોશ્યલ ગ્રૂપના કાર્યક્રમમાં ભોજનની વ્યવસ્થા પણ હોય છે તેથી વિધવિધ વાનગીઓનો સ્વાદ પણ વીણાબહેન લેતા રહે છે. 

સોશ્યલ ગ્રૂપમાંથી આયોજિત થતા પ્રમાણમાં વીણાબહેન અચૂક જાય છે. પંજાબી ડ્રેસ અને પેન્ટશર્ટનો પોશાક પણ વીણાબહેન સજ્જ હોય... સાડી પહેરવાનું તેમને ગમે પણ બહુ પહેરતા નથી. હંમેશાં હસવાં-રમતાં વીણા બહેનને મળો તો મળનારને બહુ જ મજા આવે.

વીણાબહેનને ગરબા રમવાનો પણ બહુ શોખ. રાસ-ગરબા હરીફાઇમાં પણ ભાગ લે અને પાછા જીતે પણ ખરાં બોલો.... આ ઉંમરે વીણાબહેનને ગરબા રમવા જોવા એ એક લહાવો છે.

વીણાબહેન પાછાં સોશ્યલ મીડિયા પર પણ એક્ટિવ છે. આપણને થાય આ ઉંમરે મોબાઇલના એપ વાપરતા કેવી રીતે આવડે? પણ વીણાબહેનને બધું આવડે. એ વોટ્સઍપ વાપરે અને ફેસબુક પણ વાપરે. પોતાના ફોટોગ્રાફસ ફેસબુક પર અપલોડ પણ કરે. ફેસબુકના મિત્રોની સ્ટોરી પર લાઇક અને કોમેન્ટસ પણ આપે.

વીણાબહેન એટલે ખુશીનો સ્રોત, એનર્જીનું પાવર હાઉસ તો વાંચક મિત્રો, વીણાબહેનની આ  વાત જાણીને તમેય ખુશીથી, હસતાં-રમતાં જીવવાનું શીખશો ને?