હાલમાં વેકેશન ચાલી રહ્યું છે અને આજના ડિજિટલ યુગમાં જ્યારે બાળકોનું બાળપણ સ્ક્રીન અને રીલ્સ પૂરતું જ સીમિત થઈ રહ્યું છે, ત્યારે તેમનામાં વાંચનની આદત વિકસાવવી એ એક અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે. પુસ્તકો માત્ર જ્ઞાન જ નથી આપતા, પરંતુ બાળકની અંદર ધીરજ, ઊંડાણ અને કલ્પનાશક્તિનો વિકાસ પણ કરે છે. આજે અમે તમને અહીં કેટલીક એવી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે સરળતાથી બાળકોને વાંચવાની આદત પાડી શકશો.
બાળકો એ હંમેશા તેમની આસપાસના વાતાવરણમાંથી ઘણું બધું શીખે છે. આવી પરિસ્થિતિમાં જો બાળકને મોબાઈલ અને સ્ક્રીનથી દૂર લઈ જવા હોય તો ઘરમાં પણ વાંચનનો માહોલ હોય એ ખૂબ જ જરૂરી છે. એમ પણ આપણે ત્યાં કહેવાય છે ને કે જે ઘરમાં પુસ્તકો નથી હોતા, ત્યાં વિચારો લાંબો સમય ટકતા નથી. બાળકો ઉપદેશથી નહીં પણ ઉદાહરણથી શીખે છે, તેથી જો માતા-પિતા પોતે પુસ્તકો વાંચશે તો બાળકોમાં પણ તે આદત કુદરતી રીતે વિકસશે. ઘરમાં બાળકોને ગમે એવા પુસ્તકોનું કલેક્શન રાખો અને તેમને વાંચવાની ટેવ પાડો.
આસપાસના વાતાવરણ બાદ હવે આગળ વધી અને વાત કરીએ કે આખરે બાળકોને કયા પુસ્તકો વાંચવા આપવા જોઈએ તો આ સવાલનો જવાબ છે કે બાળકને જ પસંદ કરવા દો. બાળકોને તેમની પસંદગીના પુસ્તકો પસંદ કરવાની સ્વતંત્રતા આપવી જોઈએ. મહાપુરુષોની જીવનકથાઓ જેવાં પુસ્તકો બાળકોમાં નૈતિક મૂલ્યો અને સાહસનો વિકાસ કરે છે તો સુપરમેનના કોમિક તેની અંદર જીવન જીવવા માટેના અન્ય ગુણો વિકસાવે છે.
મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી કે રીડિંગ માટેનો એક સમય નિર્ધારિત કરી લો અને એ પસંદગી પણ બાળક પર જ છોડી દો. તેને ગમે એ સમય નક્કી કરવા દો. દરરોજ વાંચન માટે એક ચોક્કસ સમય નક્કી કરવો જોઈએ. નાના બાળકોને હાવભાવ સાથે વાર્તા સંભળાવવી અને તેમાંથી સરળ પ્રશ્નો પૂછવા આ પ્રક્રિયાને વધુ રોચક બનાવે છે.
હવે એ વાત તો એ આપણે બધા જ જાણીએ છીએ કે વધુ પડતો સ્ક્રીન ટાઈમ બાળકોની એકાગ્રતા ઘટાડે છે. હાલમાં અમદાવાદમાં પ્રકાશમાં આવેલો 16 વર્ષની કિશોરીનો કિસ્સો આંખો ઉઘાડનારો છે. મોબાઈલના અડિક્શનથી દીકરીને દૂર કરવા માટે હજારો રૂપિયા ખર્ચીને જો બાઉન્સર્સ પસંદ કરવા પડે એ ખરેખર ખૂબ જ ચોંકાવનારી બાબત છે. પરિણામે ડિજિટલ માધ્યમોના ઉપયોગ માટે ચોક્કસ સમયસીમા નક્કી કરવી જરૂરી છે જેથી તેમને વાંચન માટે પૂરતો માનસિક અવકાશ મળી રહે.
છે ને એકદમ કામની અને ચોંકાવનારી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે પણ ચોક્કસ શેર કરો, જેથી તેઓ પણ પોતાના બાળકોનો સ્ક્રીન ટાઈમ ઘટાડીને તેમને રીડિંગની હેબિટ પાડી શકે. આવી જ બીજી કામની માહિતી અને સમાચાર જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...