નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટ જે પ્રકારનો તણાવગ્રસ્ત માહોલ છે એમાં સૌથી વધારે ચિંતા શિપિંગ કંપનીઓને છે. જહાંજ અટવાશે તો લાખો-કરોડોની સામગ્રીને સીધી અસર પહોંચશે. કેટલોક એવો પણ માલ છે, જે રાતોરાત બગડી જાય એમ છે. આ યુદ્ધ વચ્ચે હોર્મુઝ ક્રિકની ચર્ચા જોરશોરથી થઈ રહી છે, તેની ભૌગોલિક સ્થિતિ અને જળમાર્ગ પર દુનિયાભરના દેશની નજર છે. આ જળમાર્ગ માત્ર પેટ્રલ-ડીઝલ પૂરતો જ સિમિત નથી. આ દરિયાઈમાર્ગને ઘણી રીતે સંવેદનશીલ માનવામાં આવે છે.
ડિજિટલ ઈન્ફ્રા. માટે પણ જળમાર્ગનું મહત્ત્વ
ડિજિટલ ઈન્ફ્રા. માટે પણ આ રૂટનું એક અલગ મહત્ત્વ છે. આ જળમાર્ગ એ વિસ્તાર છે જ્યાં સમુદ્રની નીચે મોટી સંખ્યામાં સબમરીન ફાયબર ઓપ્ટિક કેબલ્સ નાંખવામાં આવ્યા છે, જેના કારણે દુનિયાભરનો ઈન્ટરનેટ ડેટા એક દેશમાંથી બીજા દેશમાં પહોંચે છે.
નિષ્ણાંતોનું માનવામાં આવે તો આ વિસ્તારમાં લડાઈ લાંબા સમય સુધી ચાલી, સંઘર્ષ વધ્યો કે મોટી અડચણ આવી તો માત્ર ક્રુડ માર્કેટ જ નહીં ઈન્ટરનેટ સર્વિસ ઉપર પણ માઠી અસર પહોંચી શકે છે. એવું માનવામાં આવે છે કે, ઈન્ટરનેટ સેટેલાઈટથી ચાલે છે. પણ હકીકત એ છે કે, દુનિયામાં મોટાભાગની ઈન્ટરનેટ સર્વિસનો ટ્રાફિક સમુદ્રની નીચે સેટ કરેલા ફાયબર ઓપ્ટિક કેબલથી ચાલે છે.
ઈન્ટરનેટ સર્વિસને અસર
આ જ ઓપ્ટિકલ કેબલના માધ્યમથી ઈમેઈ, ઓનલાઈન બેંકિગ, ક્લાઉડ ડેટા સર્વિસ, વિડિયો કોલ, સ્ટ્રિમિંગ અને આંતરરાષ્ટ્રીય ડિજિટલ લેવડદેવડ જેવી સર્વિસ ચાલે છે. આ જ કારણ છે કે, આ વિસ્તારમાં કોઈ પણ અસ્થિરતા ઊભી થશે તો વૈશ્વિક ઈન્ટરનેટ સેવા પર જોખમ ઊભું થઈ શકે છે.
આ જોખમની સીધી અસર ઈન્ટરનેટ ડેટા પર થઈ શકે છે. ભારતમાંથી પ્રાપ્ત થતી મોટા ભાગની ઈન્ટરનેટ સર્વિસ ખાડીના સમુદ્રમાંથી પસાર થઈને યુરોપ સુધી પહોંચે છે. આ કેબલ્સનો મોટા ભાગનો હિસ્સો હોર્મુઝ હાર્બરની આસપાસના સમુદ્રમાંથી પસાર થાય છે. ભારતના પશ્ચિમ દિશામાંથી જતો ઈન્ટરનેટનો મોટાભાગનો ટ્રાફિક આ જ રસ્તેથી પસાર થાય છે. જે ખરેખર એક જળમાર્ગ છે. ભારતમાંથી વિદેશ જતો ઈન્ટરનેટ ટ્રાફિકનો આ જળર્માગ મુખ્ય રૂટ છે.
કંપનીઓનું નેટવર્ક
ઈન્ટરનેર સર્વિસ આપતી ઘણી આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય કંપનીઓએ કરોડોનું રોકાણ કરીને સર્વિસ બેસ્ટ આપવા પ્રયાસ કર્યા છે, જેના પાયામાં આ ફાયબર ઓપ્ટિક કેબલ્સ છે. ઘણી સરકારી અને ખાનગી ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓએ કરોડોનું રોકાણ કરીને નેટવર્ક બનાવી ચૂકી છે. રિપોર્ટ અનુસાર જો લડાઈ વધારે સમય સુધી ચાલી તો ફિઝિકલ ડેમેજ થઈ શકે છે.
વિસ્ફોટ પાણીની અંદર થયો તો કેબલ્સને અસર થઈ શકે છે. સામાન્ય સંજોગોમાં જહાંજ આ કેબલ્સ સુધી જાય અને પછી એનું રિપેરિંગ થાય છે. યુદ્ધ જેવી સ્થિતિમાં કોઈ જોખમ લે એવું લાગતું નથી. અન્ય માર્ગે ઈન્ટરનેટનો ડેટા ડાઈવર્ટ કરી શકાય છે પણ એ કેબલ્સન કેપેસિટી નહીં હોય તો સર્વિસ વિખેરાશે.