Tue Aug 18 2026

Logo

શું તમને ખબર છે દુનિયાનો પહેલો ઈમેઈલ ક્યારે અને કેમ મોકલાયો હતો? જાણો રસપ્રદ વિગતો!

2026-08-01 18:16:12
Author: Darshana Visaria
Article Image

આજના આધુનિક યુગમાં ઈમેઈલ (Email)નો ઉપયોગ પર્સનલ અને પ્રોફેશનલ બંને કામો માટે મોટાપાયે કરવામાં આવે છે. નોકરી માટે અરજી કરવી હોય, ઓફિસની જરૂરી માહિતી મોકલવી હોય કે કોઈ સંસ્થા સાથે સત્તાવાર વાતચીત કરવી હોય, ઈમેઈલ વગર કામ અશક્ય જેવું લાગે છે. પરંતુ, શું તમે જાણો છો કે ઈમેઈલનો ઇતિહાસ કેટલો રસપ્રદ છે? આશ્ચર્યની વાત એ છે કે ઈમેઈલ દુનિયામાં વર્લ્ડ વાઈડ વેબ (WWW) ના આગમન પહેલા જ અસ્તિત્વમાં આવી ગયો હતો!

1971માં મોકલવામાં આવ્યો હતો દુનિયાનો પહેલો ઈમેઈલ:
પ્રાપ્ત માહિતી અનુસાર, દુનિયાનો પહેલો ઈમેઈલ કમ્પ્યુટર એન્જિનિયર રે ટોમલિનસન (Ray Tomlinson) દ્વારા 1971માં મોકલવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે આ ઈમેઈલ કોઈ બીજા શહેર કે દેશમાં નહીં, પરંતુ તે જ રૂમમાં રહેલા એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટર પર મોકલવામાં આવ્યો હતો. એ સમયે તેમનો મુખ્ય હેતુ માત્ર એ તપાસવાનો હતો કે શું બે અલગ-અલગ કમ્પ્યુટરસ આપસમાં મેસેજ મોકલી અને મેળવી શકે છે કે નહીં. WWWની શરૂઆત તેના લગભગ બે દાયકા પછી થઈ હતી, પરંતુ ઈમેઈલે ડિજિટલ કોમ્યુનિકેશનનો રસ્તે પહેલેથી જ ખોલી દીધો હતો.

પહેલા ઈમેઈલના મેસેજમાં શું લખેલું હતું?
જો તમને એમ લાગતું હોય કે દુનિયાનો પહેલો ઈમેઈલ કોઈ ઐતિહાસિક કે રોચક સંદેશો હશે, તો એવું બિલકુલ નથી. ખુદ રે ટોમલિનસને બાદમાં જણાવ્યું હતું કે તેમને પહેલો મેસેજ બિલકુલ યાદ નથી કારણ કે તે માત્ર એક ટેસ્ટ મેસેજ હતો. તેમણે કીબોર્ડની પહેલી લાઇનના કેટલાક અક્ષરો જેમ કે QWERTYUIOP ટાઈપ કર્યા હશે. એટલે કે પહેલો ઈમેઈલ કોઈ ખાસ માહિતી વગર માત્ર સિસ્ટમ ચેક કરવા માટે મોકલાયો હતો. તે સમયે તેઓ BBN Technologiesમાં કામ કરતા હતા અને તેમણે SNDMSG નામનો પ્રોગ્રામ તૈયાર કર્યો હતો.

@ની સિમ્બલ સ્ટોરી
રે ટોમલિનસને માત્ર પહેલો ઈમેઈલ જ નહોતો મોકલ્યો પણ તેમણે જ ઈમેઈલ એડ્રેસમાં @ (એટ ધ રેટ) સિમ્બલનો ઉપયોગ શરૂ કર્યો હતો. જેના કારણે કોઈપણ વ્યક્તિના નામ અને તેના સર્વર કે હોસ્ટને અલગ ઓળખ મળી શકી. આજે દુનિયાના દરેક ઈમેઈલ એડ્રેસમાં આ જ સિમ્બલ અનિવાર્ય અંગ બની ગયું છે.

નવા મેસેજિંગ એપ્સ છતાં ઈમેઈલ કેમ છે જરૂરી?
આજે વોટ્સએપ, ટેલિગ્રામ જેવી અનેક ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સ ઉપલબ્ધ હોવા છતાં ઈમેઈલનું મહત્વ ઓછું થયું નથી. સરકારી કામો, બેંકિંગ, ઓનલાઈન શોપિંગ, જોબ એપ્લિકેશન અને બિઝનેસ કોમ્યુનિકેશન માટે આજે પણ ઈમેઈલ સૌથી સુરક્ષિત અને ભરોસાપાત્ર માધ્યમ છે.

સાવચેતી પણ એટલી જ જરૂરી:
ઈમેઈલ જેટલો ઉપયોગી છે, તેટલો જ જોખમી પણ સાબિત થઈ શકે છે. સાયબર અપરાધીઓ ફિશિંગ લિંક્સ અને નકલી ઓફર્સ દ્વારા યુઝર્સની પર્સનલ માહિતી ચોરવાનો પ્રયાસ કરતા હોય છે. તેથી, કોઈપણ અજાણ્યા ઈમેઈલ અથવા શંકાસ્પદ લિંક પર ક્લિક કરતા પહેલા હંમેશાં તેની યોગ્ય ચકાસણી કરવી જરૂરી છે.