Tue Jul 28 2026

Logo

પડદા પરના ‘અનોખા’ ગાયકો

2026-03-20 09:56:00
Author: Henry Shastri
Article Image

 

હિન્દી ચિત્રપટ ઈતિહાસમાં કેટલાક જાણીતા કલાકારોએ ઘણી ફિલ્મો કરી છે, પણ રૂપેરી પડદા પર ગીત ગાતા ભાગ્યે જ નજરે પડ્યા છે...

હેન્રી શાસ્ત્રી

અશોક કુમાર અને બલરાજ સાહની. હિન્દી ફિલ્મ ઈતિહાસના બંને ગંજાવર અભિનેતા. નાયક તરીકે અનેક ફિલ્મોમાં તેમણે ઠાંસો ઉમટાવ્યો. ભજવેલાં પાત્રને પડદા પર પ્રભાવીપણે રજૂ કયું. જોકે, આ બંને એક્ટરોએ પડદા પર લિપ સિંક (ગાયકે ગાયેલા ગીત પર હોઠ ફફડાવી પિક્ચરાઈઝેશન કરવું) બહુ ઓછું કર્યું છે. 

અલબત્ત, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલાક આંગળીના વેઢે ગણી શકાય એવા કલાકારો છે જેમણે લિપ સિંક કર્યું હોય... જોની વોકર, મેહમૂદ જેવા ખ્યાતનામ કમેડિયનોના રોલ એવા રહેતા જેમાં તેમને ‘ગીત ગાવા’નો મોકો મળી રહેતો. હેલન, મધુમતી, બેલા બોઝ જેવી નૃત્યાંગના પડદા પર ભલે પાંચ-સાત મિનિટ ઝલક દેખાડી ગઈ હોય પણ ફિલ્મનું મહત્ત્વનું ગીત એમના પર પિક્ચરાઇઝ થયું હોય. આજે આપણે સ્ટાર, ડાન્સર કે કમેડિયન નહીં, પણ ચરિત્ર અભિનેતાનો રોલ કરતા કલાકારોના પડદા પરનાં ગીતોની ઝલક જોઈએ.

મનમોહન કૃષ્ણ :

બસ્તી બસ્તી પર્બત પર્બત (રેલવે પ્લેટફોર્મ- 1955)
મનમોહન કૃષ્ણ એટલે હિન્દી ફિલ્મોના મિસ્ટર જેન્ટલમેન. નખશિખ સદગૃહસ્થ. શાંત પ્રકૃતિના મીઠાબોલા અને વહાલા સજ્જન. આર્થિક પરિસ્થિતિ નબળી પણ મનોબળ એકદમ મજબૂત એવા પિતા, કાકા કે દાદાના રોલમાં જ મોટેભાગે જોવા મળે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસના અભ્યાસુઓ તેમને રડમસ ચહેરાવાળાં લીલા ચીટણીસના પુરુષ સ્વરૂપ તરીકે પણ ઓળખાવે છે. 

દયા આવે એવો ચહેરો, ચહેરા પર ગ્લાનિ- હતાશાનું મિશ્રણ અને આજીજી કરવાનો સ્વભાવ એ એમના દીદાર હતા. ફિલ્મોમાં આવાં પાત્રો પર ગીતનું ફિલ્માંકન કરી શકાય એવી સિચુએશન પણ આસાનીથી મળે નહીં. જોકે, અભિનેતા તરીકેની સુનીલ દત્તની પહેલી ફિલ્મ ‘રેલવે પ્લેટફોર્મ’માં મનમોહન કૃષ્ણ એક ભિક્ષુકના રોલમાં ગીત ગાતા જોવા મળે છે. 

ફિલ્મ ટાઈટલ શરૂ થાય છે ત્યારે આ ગીતનો પ્રારંભ થાય છે અને ટાઈટલ પૂરા થયા પછી પણ ગીત ચાલુ રહી આગળ વધે છે. ફિલ્મમાં આગળ પણ આ ગીત આવે છે. જીવનની ક્ષણભંગુરતાની ફિલસૂફી ધરાવતું ગીત ખાસ્સું લોકપ્રિય થયું હતું. એમ તો યશ ચોપડા દિગ્દર્શિત ‘ધૂલ કા ફૂલ’માં પણ મનમોહન ક્રૃષ્ણ પર ફિલ્માવાયેલું ‘તૂ હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા, ઈન્સાન કી ઔલાદ હૈ ઈન્સાન બનેગા’ ગીત પણ મશહૂર થયું હતું.

ઓમ પ્રકાશ:

ઈંટ કી દૂક્કી પાન કા ઇક્કા (હાવડા બ્રિજ- 1958)
મનમોહન કૃષ્ણની સરખામણીએ ઓમ પ્રકાશને વૈવિધ્યપૂર્ણ ભૂમિકાઓ મળી હતી. હીરોના સાથીદાર, જરાય મચક ન આપે એવો લોભિયો શેઠ, ભલોભોળો બનેવી, છળકપટ કરતો ધૂર્ત માણસ- હીરો સિવાયના લગભગ દરેક રોલ એના ફાળે આવ્યા હતા. ગણતરીની ફિલ્મોમાં ઓમ પ્રકાશ પડદા પર કેટલાંક ગીતોમાં નજરે પડ્યા હતા. 

જે જૂજ સોન્ગ એમના પર પિક્ચરાઈઝ થયા છે એમાં 1950ના દાયકાની શક્તિ સામંતની સસ્પેન્સ થ્રિલર ‘હાવડા બ્રિજ’નું ગીત ઉલ્લેખનીય છે. અહીં એ ટાંગાવાલા તરીકે હાજર છે જેનું કામ સવારી કરી રહેલા મુસાફરોને ચેતવણી આપવાનું છે. કલકત્તાની સડકો પર ઘોડાગાડી હાંકતી વખતે શહેરની મીઠાસ અને સૌંદર્ય પાછળ લપાયેલા જોખમની ચેતવણી આપે છે. એમ તો 1955માં આવેલી ‘બિંદિયા’ ફિલ્મમાં તેમણે ઓ. પી. નય્યરના સ્વરાંકનમાં એક ગીત પણ ગાયું હતું. ભજન શૈલીના ‘હરિ ઓમ કથા આરંભ હોત હૈ’નું ફિલ્માંકન પણ ઓમ પ્રકાશ પર જ કરવામાં આવ્યું છે.

આગા: 

સનમ તૂ ચલ દિયા રાસ્તા મેરે બિના (માયા- 1961)
1950 અને 60નો દાયકો હિન્દી ચિત્રપટ સૃષ્ટિના ગોલ્ડન પિરિયડ તરીકે મશહૂર છે. આ સમયમાં ફિલ્મોમાં કમેડિયન પણ ખાસ્સો પ્રભાવ ધરાવતા હતા. આગાની કોમેડીની પોતાની આગવી શૈલી હતી, જેમાં વિશિષ્ટ સંવાદો આગવું આકર્ષણ હતા. અલબત્ત, જોની વોકર કે મેહમૂદ જેવો દબદબો એમનો નહોતો એટલે હીરોના સાથીદારનો રોલ હોય કે છોકરીને પટાવવાની હોય, તો પણ એમના ફાળે ગીત ભાગ્યે જ આવતા. દેવ આનંદ-ઉષા કિરણની ફિલ્મ ‘પતિતા’માં ’અંધે જહાં કે અંધે રાસ્તે’ ભાગ્યે જ મળતા ગીતનું એક ઉદાહરણ છે. 

જોકે, ‘માયા’ના ગીતમાં આગા તેમની જાણીતી આનંદી અને મનમૌજી વ્યક્તિ તરીકે હાજર છે. મજેદાર વાત એ છે કે ગીતમાં આગા-હેલનની જોડી છે. નૃત્યમાં પારંગત હેલન શરારત અને ચેનચાળા કરવામાં આગાને બરાબરનો સાથ આપે છે. એક ચાલીમાં ફિલ્માવાયેલું ગીત હોવાથી આડોશપાડોશનાં લોકો પણ આગા-હેલનને રસપૂર્વક નિહાળે છે.

રેહમાન: 

જાઉં કહાં બતા અય દિલ (છોટી બહન - 1959)
બલરાજ સાહની અને અશોક કુમારની જેમ બહુ ઓછા ગીત ગાતા પડદા પર નજરે પડ્યા હોય એમાં રેહમાનનું નામ પણ આવે. અલબત્ત. બે વરિષ્ઠ અભિનેતાની સરખામણીએ રેહમાને લીડ રોલ ઓછા કર્યા છે, પણ ઘણી ફિલ્મોમાં તેમની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ રહી હતી. ગુરુ દત્ત- વહિદા રેહમાનની ‘ચૌદહવી કા ચાંદ’ એનું જાણીતું ઉદાહરણ છે. રાજ કપૂર-નૂતનની ‘છલિયા’માં સુધ્ધાં તેમની ભૂમિકા દમદાર હતી. એ જોતા કેમ ભાગ્યે જ ગીત એમના ફાળે આવ્યા એવો સવાલ સહેજે થાય. રેહમાને જે જૂજ ગીતોમાં લિપ સિન્ક કર્યું છે એમાં ‘છોટી બહન’નું આ ગીત ખૂબ જ જાણીતું છે. દુ:ખના ભાવનું ગીત છે અને પડદા પર રેહમાન સાવ જ સાદા પહેર વેશમાં જોવા મળે છે. ઈર્ષાળુ અને લુચ્ચી પત્નીને કારણે વિખરાઈ ગયેલા પરિવારની વ્યથા આ ગીતમાં સુપેરે પ્રગટ થાય છે.

ઈફ્તેખાર: 

એક છોટી સી નૌકરી કા તલબગાર હૂં મૈં (નૌકરી- 1954)
અમિતાભની ‘ડોન’ ફિલ્મના પોલીસ ઈન્સ્પેક્ટર અને એનો ડાયલોગ: ’ભાગને કી કોશિશ મત કરના. હમને તુમ્હે ચારોં તરફ સે ઘેર લિયા હૈ. ભલાઈ ઈસી મેં હૈ કે તુમ અપને આપ કો કાનૂન કે હવાલે કર દો’ આવા સંવાદ એક્ટર ઈફ્તેખાર સાથે અતૂટ બંધન ધરાવે છે. હિન્દી ફિલ્મોમાં પોલીસ ઈન્સ્પેક્ટરની વાત નીકળે એટલે પહેલું નામ જગદીશ રાજનું યાદ આવે. ત્યાર બાદ ઈફ્તેખારનું સ્મરણ થાય. 

જોકે, ઈફ્તેખારએ તેમની દીર્ઘ કારકિર્દીમાં પોલીસમેન ઉપરાંત ડોક્ટર, વકીલ, લશ્કરી અધિકારી, ધર્મગુરુ જેવી વિવિધ ભૂમિકાઓ ભજવી છે. સ્પષ્ટ છે કે આમાંના મોટાભાગના પાત્ર રૂપેરી પડદા પર ગીત ગાતા નજરે ન પડે. જોકે, ‘નૌકરી’ ઈફ્તેખારના પ્રારંભકાળની ફિલ્મ છે જેમાં તેમનો રોલ રોજગારી વિનાના બેકાર યુવાનના રોલમાં છે. ફિલ્મનો હીરો કિશોર કુમાર છે અને ઈફ્તેખાર પૂરક ગાયક તરીકે જ હાજર છે અને એને પણ પ્લેબેક કિશોરદાએ જ આપ્યું છે. જોકે, નોકરીની અરજી કરતી વખતે એક સંદેશો વિનોદી શૈલીમાં મોકલવામાં ઈફ્તેખાર સફળ રહ્યા છે.