Thu Apr 23 2026

Logo

વન્યજીવને પણ દઝાડી રહી છે આ ગરમી

2026-03-29 09:50:00
Author: K.P.Singh
Article Image

ટૂંકું ને ટચ - કે. પી. સિંહ

માર્ચમાં ગરમીનો પારો સતત વધી રહ્યો હતો. લોકો આકરા તડકાથી તોબા પોકારી ગયા છે. દેશનાં અનેક શહેરોમાં પારો 40થી 41 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આ ગરમીથી તો વન્યજીવ પણ પરેશાન થઈ ગયા છે. છેલ્લાં ઘણાં વર્ષોથી માર્ચ અને એપ્રિલની વચ્ચે તાપમાન ઘણું વધી જાય છે. એને કારણે જંગલી જીવો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. 

ભારતના મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં એપ્રિલની શરૂઆતમાં જ પાણી પૂરા પાડતાં તળાવો સુકાવા લાગે છે. એક સમય હતો જ્યારે નાનાં તળાવો, નદીઓ જૂન સુધી પાણીથી છલકાતાં હતાં. જોકે હવે વધતા ગ્લોબલ વોર્મિંગને કારણે માર્ચના અંત સુધી એ પાણીના સ્ત્રોતેો ખાલી થઈ જાય છે. એની સીધી અસર પશુ-પંખીઓ પર પડે છે. જંગલમાં પાણી ઘટી જાય તો જાનવરો પાણીની શોધમાં જંગલની બહાર નીકળી આવે છે. જંગલી પ્રાણીઓ પાણીની શોધમાં ગામડાં અને શહેરો સુધી ધસી આવે છે. આ જ કારણ છે કે માનવજાતિ અને વન્યજીવો વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. આ સંઘર્ષ ન માત્ર માનવો માટે પરંતુ જાનવરો માટે પણ જોખમી છે.  વન વિભાગ દ્વારા આ સમસ્યાના ઉકેલ માટે કૃત્રિમ તળાવો બનાવવામાં આવે છે. જોકે એ પૂરતી માત્રામાં નથી હોતા. શાકાહારી જાનવરો જેવા કે હરણ, નીલ ગાય અને અન્ય શાકાહારી પશુઓ પાણી અને ભોજનના અભાવમાં સતત નબળા થઈ જાય છે અને કેટલાયના અકાળે મોત થાય છે. 

વર્તમાનમાં જંગલોમાં લાગનારી આગની ઘટનામાં પણ વધારો થયો છે. આ આગમાં અનેક નાના જીવો સ્વાહા થઈ જાય છે. એને કારણે વન્યજીવોની પેઢી પણ નષ્ટ થઈ જાય છે. એથી આ ધોમધખતા તડકામાં વન્યજીવો અને પંખીઓનું રહેવું અસહ્ય બની જાય છે.  નિષ્ણાંતોનું માનવું છે કે આ માત્ર ઋતુ પરિવર્તનનું નહીં, પરંતુ આ જળવાયુ પરિવર્તનની અસર છે. કમોસમી વરસાદ, જંગલોનું નિકંદન અને વધતા પ્રદૂષણને કારણે સ્થિતિ કપરી બની ગઈ છે. એથી જૈવ વિવિધતાથી સમૃદ્ધ ભારત જેવા દેશમાં વન્યજીવ પર સંકટ તોળાઈ રહ્યું છે. આના માટે માત્ર સરકારના ભરોસે ન બેસી રહેવાય. એના માટે તો સહિયારો પ્રયાસ કરવો જોઈએ જેથી કરીને જંગલ અને જળનો બચાવ કરી શકાય. આપણે નાના જીવ જંતુઓ અને પંખીઓ પર કરુણા દેખાડીને તેમના માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. શહેરોમાં પંખીઓ માટે પાણીની સાથે છાંયડાની પણ વ્યવસ્થા કરવી જોઈએ.

ગરમી ને વન્યજીવ

છેલ્લાં કેટલાંક વર્ષોમાં એપ્રિલના પહેલા અઠવાડિયામાં જ તાપમાનનો પારો સખત વધી જાય છે, એને કારણે કુદરતી જળસ્ત્રોત સુકાઈ જાય છે. પાણીની શોધમાં વીસથી પચીસ ટકા વન્યજીવો ગામડા અને શહેરો સુધી પહોંચી જાય છે. છેલ્લા એક દશકમાં દર વર્ષે આ ઋતુમાં હજારો હેક્ટર જંગલ આગની ચપેટમાં આવી જાય છે. જેનાથી મોટા પાયે અબોલ પશુ-પંખીઓના કરુણ મોત નિપજે છે. અનેક વર્ષોથી ચેન્નઈ અને બેંગ્લુરુ જેવાં શહેરોમાં હજારો પંખીઓના નિધનની ઘટનાઓ ઘટી છે. જંગલની નજીકના વિસ્તારમાં રહેતાં સામાન્ય લોકો થોડી સંવેદનશીલતા દેખાડી આ કાળઝાળ ગરમીમાં વન્યજીવો માટે પાણીના કૂંડા રાખે તો એ અબોલ પશુઓને રાહત મળશે. સૌ કોઈ ઝાડ ઉગાડવામાં યોગદાન આપે તો પ્રદૂષણને મહદઅંશે ઘટાડી શકાય છે. સાથે જ પ્લાસ્ટિકનો પણ ઉપયોગ ઓછો કરવો જોઈએ.