Sun May 31 2026

Logo

સુખનો પાસવર્ડ: મનના આયનાને સાફ રાખો તો બધું સ્વચ્છ ને સ્પષ્ટ દેખાવા લાગશે

2026-05-10 08:17:00
Author: Aashu Patel
Article Image

 

- આશુ પટેલ

થોડા દિવસો અગાઉ બિઝનેસ ટાયકૂન મિત્ર ઘનશ્યામ ધોળકિયાના માધ્યમથી અનાયાસે નેચરોપથ રનંજય પાંડે સાથે મુલાકાત થઈ ગઈ. તેમણે પોતાના  જીવનનો એક કિસ્સો કહ્યો,જે  હૃદયને સ્પર્શી ગયો હતો.      

મેં તેમને કહ્યું, ‘પાંડેજી, આ તમારા જીવનની અંગત વાત છે, છતાં અન્યો માટે રસપ્રદ બની શકે એમ છે એટલે તમને વાંધો ન હોય તો મારી કોલમના વાચકો સાથે શેર કરવાની ઇચ્છા છે.’ તેમણે મંજૂરી આપી.  હવે એ   કિસ્સો  તેમના જ શબ્દોમાં......

‘મોટા ભાગના માણસો લગભગ દરેક સંબંધમાં એવું માનતા હોય છે કે પોતે સાચા છે અને બીજા બધા ખોટા છે. એવું  મારું પણ હતું. મને પણ લાગવા માંડ્યું કે  લગભગ બધા સંબંધોમાં હું જ સાચો છું! ખરાબ તો મિત્રો છે,પરિવારના સભ્યો છે, મારી આજુબાજુના બધા માણસો છે! અને જ્યાં-જ્યાં હું સાચો છું ત્યાં-ત્યાં મારા જીવનમાં પ્રેમ નથી. કારણ કે હું પોતાને સાચો સાબિત કરવા માટે બીજાને ખોટો સાબિત કરું છું.  આવો અહેસાસ થયા પછી મેં મારા   સંબંધો સુધારવાનું શરૂ કર્યું. મારા ભાઈ  સાથે દસ-પંદર,  કે એથી વધુ  વર્ષથી અ મારો સંબંધ તણાવભર્યો હતો. અમે બંને ભાઈ જ્યારે પણ મળીએ તો બહુ જ ઓછી વાતચીત થાય.  તેના ઘરે જાઉં તો તે લેપટોપ પર કામ કરતો હોય. હું તેના ઘરે જાઉં તો તે પોતાનાં કામમાં વ્યસ્ત રહેતોે. માત્ર  એટલું જ પૂછતો કે ‘કેમ છે તું?’ હું કહેતો ‘ઠીક છું.’

પછી  અંદર જઈને ભાભીને મળું,બાળકો સાથે રમું, વાતો કરું. અમે જમીએ અને હું નીકળું એ વખતે પણ  ‘ઓકે બાય.’ એટલું જ એકબીજાને કહીએ. બન્ને ભાઈ વચ્ચે જે અતૂટ પ્રેમ હોય છે એવો નહોતો. મારા મનમાં એવા વિચારો ચાલી રહ્યા હતા કે મારો ભાઈ બધા પર રોફ જમાવે છે, ઘરવાળા પર હંમેશાં પોતાનું જ ચલાવે છે, હંમેશાં પોતાની રીતે બધાને જીવવા માટે મજબૂર કરે છે. 

ધીરે-ધીરે મને થવા લાગ્યું કે મારે આની સાથે નથી બનતું કેમ કે તેને દરેક જગ્યાએ ઘમંડ છે. તો ધીરે-ધીરે મેં પણ તેની સાથે વાતચીત ઓછી કરી દીધી. મારા મનમાં દ્વેષ હતો કે મારો ભાઈ  કોઈને માન-સન્માન નથી આપતો. આમ ને આમ વર્ષો વીતી ગયાં.

એક રાતે  લાગ્યું કે કદાચ આ જન્મ આમ જ નીકળી જશે. એક દિવસ હું આ દુનિયામાંથી ચાલ્યો ગયો કે મારો ભાઈ ન રહ્યો તો આ દર્દ હંમેશાં રહેશે તો પછી  કેમ આજે જ આ સંબંધને સુધારી ન લઉં? એ વખતે રાતના સાડા અગિયાર વાગ્યા હતા. મેં ભાઈને કૉલ કર્યો કે ‘ભાઈ, મળવું છે.’ભાઈએ કહ્યું, ‘હા, કાલે મળીએ.’

 ‘કાલે નહીં આજે મળવું છે.’
‘આજે મળવું છે? તું ક્યાં છે?’
‘તારી બિલ્ડિંગ નીચે ઊભો છું.’
 ‘અરે! નીચે છે! ઉપર આવી જા.’

હું ઉપર ગયો તો ભાઈ-ભાભી બંને બેઠાં હતાં. મારે ભાભીને તો નહોતું મળવું, ભાઈને જ મળવું હતું. હવે મારા ચહેરા પર શરમિંદગી હતી,મને પરસેવો થઈ રહ્યો હતો. મારું મન કહી રહ્યું હતું કે ‘ના બોલ,બેવકૂફ, ના બોલ. તું જે વાત કરવા જઈ રહ્યો છે એ ભૂલ બિલકુલ ન કરતો. આ તારો તે જ ભાઈ છે જે હંમેશાં પોતાનું ચલાવે છે. તું બધાને સાથે લઈને ચાલે છે’ આવા વિચાર  ચાલી રહ્યા હતા, પણ મન પર કાબૂ મેળવીને મેં ભાભીને કહ્યું, ‘ભાભી, એક ગ્લાસ પાણી આપશો?’

ભાભીએ કહ્યું, ‘હા.’ અને તે પાણી લેવા રસોડામાં ગયાં . મેં મનોમન મને કહ્યું, ‘શટ અપ! આજે તું હારીશ. તારો ભાઈ જીતશે. જે કરવું હોય તે કર, આજે ભાઈ જીતશે.’

મેં ભાઈ સાથે વાત કરી કે ‘ભાઈ, મારા જીવનમાં મેં એક હીરો બનાવીને રાખ્યો છે એ હું છું. અને મેં મારા મનમાં તને એક વિલન જેવો બનાવીને રાખ્યો છે. હું હંમેશાં એવું માનતો રહ્યો છું કે તું બહુ ઘમંડી છે. આ કારણ ેમારા મનમાં તારા વિશે બહુ નકારાત્મકતા ભરેલી છે. આ કારણથી હું તને એક નાના ભાઈ તરીકે પ્રેમ, સન્માન ક્યારેય આપી ન શક્યો. હું વિચારતો રહ્યો કે તું તારી જગ્યાએ ખુશ, હું મારી જગ્યાએ ખુશ. અને આમ જ જીવન વીતી  જશે, પણ તું મારો એક બેસ્ટ ફ્રેન્ડ હતો બાળપણથી. કોઈ પણ તકલીફ હોય તો તું મારી સાથે હતો. તું હંમેશાં મને મદદ કરતો હતો, પણ મોટો થઈને હું ધીરેધીરે બહુ ચાલાક બની ગયો, શાણો બની ગયો અને મને થવા લાગ્યું કે તું બધા પર અધિકાર જમાવે છે.

ખબર નહીં હું સેલ્ફ-ડિપેન્ડન્ટ થઈ રહ્યો હતો કે ઘમંડી બની રહ્યો હતો કે પછી હું સ્વાર્થી બની રહ્યો હતો. હું તને અભિમાની ગણવા લાગ્યો હતો, પણ ખરેખર હું અહંકારી બની રહ્યો હતો..... ભાભી સાથે, મમ્મી સાથે વાતો કરતી વખતે તેમને પણ કહેતો કે તું આવો છે તેવો છે, પણ આવો વ્યવહાર કરતી વખતે મેં નાનપણના  મારો બેસ્ટ ફ્રેન્ડને એ ગુમાવી દીધો...’

આવું કહેતાં-કહેતાં મારી આંખમાંથી આંસુ નીકળી પડ્યાં. મેં કહ્યું, ‘ભાઈ, સૉરી. મારી ભૂલ થઈ ગઈ. મને મારો ફ્રેન્ડ, મારો ભાઈ, મારો બેસ્ટ ફ્રેન્ડ પાછો જોઈએ છે. માફ કરી દે, ભાઈ...’ 

એ બોલતી વખતે મારા શબ્દોમાં સચ્ચાઈ હતી, મારુંં દિલ સાફ હતું. ભાઈએ એ બધું સાંભળ્યું તો તેની આંખોમાં પણ આંસુ આવી ગયાં અને તેણે કહ્યું કે ‘તું કહે છે કે તને તારો બેસ્ટ ફ્રેન્ડ પાછો જોઈએ છે, પણ...’

એ પછી તેણે જે કહ્યું એ યાદ કરુંં છું તો મારા રુંવાડાં આજે પણ ઊભાં થઈ જાય છે. તેણે આગળ કહ્યું કે ‘દોસ્તી આજે હોય છે અને કાલે તૂટી જાય છે,પણ તું મારો ભાઈ છે. આ સંબંધ ક્યારેય નહીં તૂટે.’

અને અમે બંને એકબીજાને વળગીને રડી પડ્યા.

એ રાતે અમે બંને બહુ રડ્યા, ગળે મળ્યા. ભરતમિલાપ વખતે શું થયું હતું એ તો મને ખબર નથી, પણ એ રાતે અમે સતત ચા પીતા રહ્યા. વાતો કરતા રહ્યા, હસતાં રહ્યા, રડતાં રહ્યા. અને મોડી રાત સુધી બંને ભાઈઓએ વર્ષો જૂની બહુ વાતો કરી. એ રાતે ગંગા-જમના આંખોમાંથી પણ વહી અને સંબંધોમાં પણ એ પવિત્રતા આવી.

એ દિવસે મને મારો એ જ ભાઈ વર્ષો પછી મળ્યો. આજે પણ આ વાત કરી રહ્યો છું તો મારો ભાઈ મારા દિલમાં મારી સાથે છે. અને હું જાણી ગયો છું કે મારો ભાઈ દુનિયાનો સૌથી સારો ભાઈ છે. એ જ રીતે તમારા ભાઈ પણ દુનિયાના સૌથી સારા ભાઈ છે, તમારી બહેન દુનિયાની સૌથી સારી બહેન છે. તમારાં બાળકો દુનિયાનાં સૌથી સારાં બાળકો અને તમારાં માતા-પિતા પણ સૌથી સારા ં છે. બસ, એક જ છે જેણે બધા સંબંધો બગાડ્યા છે અને એ છે મારું મન. હું છું. ‘બૂરા જો દેખન મૈં ગયા, બૂરા ન મિલયા કોઈ, જો મન ખોજા અપના મુઝ સે બૂરા ન કોઈ.’ સૌથી ખરાબ છે તો એ મારું મન છે.’

રનંજય પાંડેના જીવનનો આ કિસ્સો યાદ રાખવા જેવો છે. આજે દુનિયામાં ચોતરફ નકારત્મકતા ફેલાઈ રહી છે એના મૂળમાં ક્યાંક માનવીઓનાં મનમાં ઘર કરી ગયેલી કડવાશ છે. બધો મનનો ખેલ છે. મનના આયનાને સાફ કરીને જોઈએ તો ઘણું બધું સ્વચ્છ અને સ્પષ્ટ દેખાવા લાગશે.