Fri Jun 19 2026

Logo

નારી શક્તિનો ડંકો: હસ્તકલા સેતુ યોજનામાં 82% મહિલા કારીગરોની ભાગીદારી, ₹102 કરોડથી વધુનું  વેચાણ

2026-06-02 15:51:36
Article Image

ગાંધીનગરઃ ગુજરાતની સમૃદ્ધ હસ્તકલા પરંપરા સદીઓથી દેશ-વિદેશમાં પોતાની વિશિષ્ટ ઓળખ ધરાવે છે. બદલાતા આર્થિક પરિપ્રેક્ષ્ય અને વૈશ્વિક સ્પર્ધાના સમયમાં આ કારીગરોને સશક્ત બનાવવું સમયની મોટી જરૂરિયાત બની છે.  પરંપરાગત કલા વારસાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે વર્ષ 2020માં ‘હસ્તકલા સેતુ યોજના’ (HSY) શરૂ કરી હતી, જે આજે કલા કારીગરો માટે મજબૂત આર્થિક પ્રોત્સાહનનો સેતુ સાબિત થઈ છે.

હસ્તકલા સેતુ યોજના પર ગુજરાત સરકાર દ્વારા ₹58 કરોડનો ખર્ચ

ગુજરાતમાં હસ્તકલા સેતુ યોજનાનું અસરકારક અમલીકરણ કરવામાં આવ્યું છે, જેના કારણે રાજ્યના હજારો કારીગરોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. આ યોજનાનું અમલીકરણ કુટિર અને ગ્રામોદ્યોગ કમિશનરની કચેરી હસ્તક ઇન્ડેક્સ્ટ-સી દ્વારા કરવામાં આવી રહ્યું છે, જ્યારે ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (EDII)એ આ યોજનામાં નૉલેજ પાર્ટનર તરીકે મહત્વની ભૂમિકા ભજવી છે. શરૂઆતમાં આ યોજના 2019-20થી ત્રણ વર્ષ માટે પ્રસ્તાવિત હતી, પરંતુ કોવિડ-19 મહામારીને પગલે તેને વર્ષ 2025-26 સુધી વિસ્તૃત કરવામાં આવી હતી. આ યોજના પર રાજ્ય સરકાર દ્વારા અંદાજે ₹58 કરોડ ખર્ચવામાં આવ્યા છે.

આ યોજનાની સૌથી મોટી વિશેષતા તેનો બહોળો વ્યાપ છે. આ યોજના ગુજરાતના તમામ 34 જિલ્લાઓમાં અમલી બનાવવામાં આવી છે. યોજના હેઠળ અત્યારસુધીમાં 21,690થી વધુ કારીગરોની નોંધણી કરવામાં આવી છે, જેમાંથી 82 ટકા મહિલાઓ છે. સામાજિક સમાવિષ્ટતાની દૃષ્ટિએ પણ આ યોજના મહત્વની છે, કારણ કે લાભાર્થીઓમાં 21 ટકા અનુસૂચિત જાતિ, 20 ટકા અનુસૂચિત જનજાતિ અને 34 ટકા અન્ય પછાત વર્ગના કારીગરો સામેલ છે.

15 હજારથી વધુ કારીગરોને ઉદ્યોગસાહસિકતા તાલીમ

હસ્તકલા સેતુ યોજના હેઠળ કારીગરોને માત્ર આર્થિક સહાય જ નહીં, પણ આત્મનિર્ભર બનાવવા માટે વ્યાપક તાલીમ પણ આપવામાં આવી છે. 15,586 કારીગરોને ઉદ્યોગસાહસિકતા વિકાસ તાલીમ આપવામાં આવી છે, જ્યારે 9,292 કારીગરોને તેમના ક્ષેત્ર સાથે સંબંધિત વિશિષ્ટ કૌશલ્ય તાલીમ મળી છે. આ ઉપરાંત; 70થી વધુ માસ્ટર ટ્રેનર્સ અને 150થી વધુ મેન્ટર્સનું નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે, જે કારીગરોને સતત માર્ગદર્શન આપી રહ્યું છે.

₹102.08 કરોડનું કુલ વેચાણ નોંધાયું

બજાર સાથે જોડાણ આ યોજનાનું સૌથી મજબૂત પાસું છે. લગભગ 9,300 કારીગરોને B2B ઑર્ડર દ્વારા સીધા બજાર સાથે જોડવામાં આવ્યા છે. આ સિવાય 7 B2B મીટ અને 4 ફૅશન શૉ દ્વારા કારીગરો અને ડિઝાઇનરો વચ્ચે મજબૂત સંવાદ સ્થાપિત થયો છે. ડિજિટલ યુગને અનુરૂપ 2,000થી વધુ કારીગરોને ડિજિટલ માર્કેટિંગની તાલીમ આપીને તેમને એમેઝોન (Amazon), ફ્લિપકાર્ટ સમર્થ (Flipkart Samarth), મિશો (Meesho) અને Etsy જેવા ઇ-કોમર્સ પ્લેટફૉર્મ પર જોડવામાં આવ્યા છે.

આ યોજનાનો આર્થિક પ્રભાવ પણ ખૂબ જ અસરકારક રહ્યો છે. આ યોજના હેઠળ, અત્યારસુધીમાં ₹102.08 કરોડનું કુલ વેચાણ નોંધાયું છે અને 50,000થી વધુ નવા રોજગારના અવસરો ઊભા થયા છે. વધુમાં; હાલના 5,900થી વધુ કારીગરોને વધારાની સહાય અને માર્ગદર્શન મળ્યું છે.

કલા-કારીગરોની સંખ્યા 9 ટકાથી વધીને 50 ટકા સુધી પહોંચી 

જો કારીગરોની આવકની વાત કરીએ, તો યોજના હેઠળ અગાઉ માત્ર 9 ટકા કારીગરો જ ₹15,000થી વધુ માસિક આવક મેળવી શકતા હતા, જ્યારે આજે આ આંકડો 50 ટકા સુધી વધી ગયો છે. હસ્તકલાને આવકના મુખ્ય સ્ત્રોત તરીકે અપનાવનાર કારીગરોની સંખ્યા પણ 20 ટકાથી વધીને 45 ટકા થઈ છે. ઉપરાંત; 73 ટકા કારીગરો હવે પ્રદર્શનો અને મેળાઓ દ્વારા સીધા બજાર સુધી પહોંચ બનાવી રહ્યા છે.

જોકે યોજનાના સફળ અમલીકરણ દરમિયાન કેટલાક પડકારો પણ સામે આવ્યા હતા. તેમાં દસ્તાવેજોની અછત, નાણાકીય સંકલનમાં વિલંબ, આધુનિક ટેક્નોલોજી અપનાવવામાં સંકોચ અને અસરકારક માર્કેટિંગ તંત્રનો અભાવ મુખ્ય છે. પરંતુ ગુજરાત સરકારે આ પડકારોને દૂર કરવા માટે ટેકનોલોજી અપગ્રેડેશન, ડિઝાઇન નવીનતા, બજાર વૈવિધ્યતા અને જાહેર-ખાનગી ભાગીદારીને પ્રાથમિકતા આપી.

હસ્તકલા સેતુ યોજના માત્ર એક સરકારી યોજના નથી, પરંતુ કારીગરોના જીવનમાં પરિવર્તન લાવતી એક ક્રાંતિકારી પહેલ બની રહી છે. આ યોજનાએ માત્ર રોજગાર સર્જન જ નથી કર્યું, પણ ગુજરાતના સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક મંચ પર નવી ઓળખ પણ અપાવી છે. ‘લોકલ ટુ ગ્લોબલ’ તરફનું આ પગલું ભારતને આત્મનિર્ભર બનાવવાના સપનાને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.