Sun Sep 06 2026

Logo

હરિયાણામાં 78 કરોડ 92 લાખનું વીજ બિલ જોઈને નેતાજીના ઉડી ગયા હોશ, જાણો વિગત

2026-04-04 14:46:00
Author: Mayur Patel
હરિયાણામાં 78 કરોડ 92 લાખનું વીજ બિલ જોઈને નેતાજીના ઉડી ગયા હોશ, જાણો વિગત

Image Generated by AI


નવી દિલ્હીઃ હરિયાણામાં નારનોલ યૂથ કોંગ્રેસના જિલ્લા પ્રધાન પુનીત બુલાનાને વીજ કંપનીએ 78 કરોડ 92 લાખ રૂપિયાનું બીલ ફટકાર્યું છે. આ બિલનો મેસેજ તેમના મોબાઈલ પર આવતાં જ હોશ ઉડી ગયા હતા. તેણે સરકાર પર જાણી જોઈને આટલું મોટું બિલ મોકલવાનો આરોપ લગાવ્યો હતો.

યૂથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પુનીત બુલાનાએ કહ્યું કે, તેઓ હસનપુર ગામના રહેવાસી છે. તેમણે એનડીએસ દસ કિલોવોટનું વીજળી કનેકશન લીધું છે. આ કનેકશન તેમના માતા બિમલા દેવીના નામ પર છે. આ કનેકશનથી એક નાની લોટ દળવાની ઘંટી ચાલતી હતી. જે બે વર્ષથી બંધ છે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે, ગત રાત્રે તેમને મોબાઈલ પર એક મેસેજ મળ્યો હતો. આ મેસેજ જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. આ કનેકશનનું છ મહિનાનું બિલ 78 કરોડ 92 લાખ રૂપિયા બતાવવામાં આવ્યું હતું. આ બિલ તેમની માતાના નામે આવ્યું છે. તંત્ર દ્વારા બિલમાં એપ્રિલ 2026ની બિલિંગ મુદત બતાવવામાં આવી છે. જ્યારે મીટર રીડિંગ માત્ર 6 દિવસ (15 માર્ચ થી 21 માર્ચ 2026) બતાવાયું છે.

બિલની કુલ રકમ 78,92,75,697 રૂપિયા છે. જેમાં એનર્જી ચાર્જ રૂ. 71,69,95,908 અને મ્યુનિસિપલ ટેક્સ 1,52,79,316 દર્શાવાયા છે. સૌથી ચોંકાવનારી વિતા બિલમાં યુનિટ 9,99,99,429 બતાવાયા છે. જે કોઈપણ ગ્રાહક માટે અશક્ય છે.

તેમના પરિવારના જણાવ્યા મુજબ, આ પહેલા વીજળી બિલ સામાન્ય આવતું હતું. માર્ચ મહિનામાં આશરે રૂ. 63546ની ચૂકવણી કરી હતી. પરંતુ આ વખતે અચાનક કરોડો રૂપિયાનું બિલ આવતા તેઓ પરેશાન છે. બિલ પર 8 એપ્રિલ 2026 અંતિમ તારીખ લખેલી ચે. નિયત મર્યાદામાં ચુકવણી નહીં કરવા પર રકમ 80 કરોડ રૂપિયાથી વધી શકે છે.

સામાન્ય રીતે આવો મામલો સોફ્ટવેરમાં ટેકનિકલ ખામી કે ડેટા એન્ટ્રીમાં થયેલી માનવીય ભૂલનું પરિણામ માનવામાં આવે છે. જોકે હજુ સુધી ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. સામાન્ય રીતે આવા મામલામાં બિલ રદ્દ કરીને સંશોધિત બિલ આપવામાં આવે છે પરંતુ આટલો મોટો આંકડો જાહેર થવાથી વિભાગની કાર્ય પદ્ધતિ પર પણ સવાલ ઉભા થયા છે.