Mon Oct 05 2026

Logo

'દારૂ પકડાશે તો MLA અને સરપંચ પણ સસ્પેન્ડ થશે': નવસારીમાં હર્ષ સંઘવીના નામે ફેક પોસ્ટ કરનાર સામે FIR

2026-08-27 17:02:10
Author: Devayat Khatana
'દારૂ પકડાશે તો MLA અને સરપંચ પણ સસ્પેન્ડ થશે': નવસારીમાં હર્ષ સંઘવીના નામે ફેક પોસ્ટ કરનાર સામે FIR

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: નવસારી જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસે ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીના નામ અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે તેવી કથિત ખોટી અને ભ્રામક સોશિયલ મીડિયા પોસ્ટ મામલે ઇન્સ્ટાગ્રામ આઇડીના ધારક તથા ઉપયોગકર્તા સામે ગુનો નોંધ્યો છે. પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી હર્ષ સંઘવીના ફોટાનો ઉપયોગ કરીને એક પોસ્ટ શેર કરી હતી. ફરિયાદમાં આ પોસ્ટને ખોટી અને ભ્રામક માહિતી ધરાવતી ગણાવવામાં આવી છે.

ફરિયાદ મુજબ, 25 ઓગસ્ટ, 2026ના રોજ સોશિયલ મીડિયા પર આ પોસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોસ્ટમાં નાયબ મુખ્ય પ્રધાનના ફોટાનો ઉપયોગ કરી તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા અર્થ સાથે લખાણ રજૂ કરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ પોતાની ઓળખ છુપાવવા માટે અન્ય નામની ઇન્સ્ટાગ્રામ આઇડીનો ઉપયોગ કર્યો હતો. આ પોસ્ટ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થતાં પોલીસ દ્વારા સમગ્ર મામલાની નોંધ લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. યુવાને હર્ષ સંઘવીના ફોટાનો ઉપયોગ કરીને એક પોસ્ટ તૈયાર કરી હતી. આ પોસ્ટમાં ખોટો દાવો કરવામાં આવ્યો હતો કે જો દારૂ પકડાશે તો માત્ર પોલીસ જ નહીં, પરંતુ સ્થાનિક કોર્પોરેટર, ધારાસભ્ય અને સરપંચને પણ સસ્પેન્ડ કરવામાં આવશે.

આ મામલે નવસારી સાયબર ક્રાઇમ પોલીસની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદમાં આરોપી તરીકે ઇન્સ્ટાગ્રામ આઇડીના ધારક તથા તેનો ઉપયોગ કરનાર વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 336(4) તથા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ની કલમ 66-સી હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદ મુજબ, કેસની તપાસ માટે પોલીસ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. તપાસ દરમિયાન પોસ્ટ કયા એકાઉન્ટ પરથી કરવામાં આવી, એકાઉન્ટનો ઉપયોગ કોણ કરતું હતું અને પોસ્ટ પાછળનો હેતુ શું હતો તે સહિતની બાબતો અંગે તપાસ કરવામાં આવશે.