Sat Sep 05 2026

Logo

આખરે હરિશ રાણાને મળી મુક્તિ, એમ્સમાં લીધા અંતિમ શ્વાસ

2026-03-24 17:17:00
Author: Mumbai Samachar Team
આખરે હરિશ રાણાને મળી મુક્તિ, એમ્સમાં લીધા અંતિમ શ્વાસ

નવી દિલ્હીઃ 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ આખરે હરીશ રાણાને કષ્ટમાંથી મુક્તિ મળી છે. હરિશ રાણાએ દેહ છોડીને અનંતની વાટ પકડી છે. સુપ્રીમ કોર્ટમાંથી ઈચ્છામૃત્યુંની મંજૂરી બાદ એમ્સમાં હરીશ રાણાએ અંતિમ શ્વાસ લીધા હતા. એમ્સના IRCHના પેલિએક્ટિવ કેર વૉર્ડમાં એમની સારવાર ચાલું હતી. સુપ્રીમકોર્ટે મંજૂરી આપ્યા બાદ ડૉક્ટરે જરૂરી તપાસ કરીને લાઈફ સપોર્ટ સિસ્ટમ દૂર કરી હતી. મૂળ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના રાજનગર એક્સટેન્શનના રહેવાસી હરિશ રાણા 13 વર્ષથી વધારે સમય સુધી કોમામાં રહ્યા હતા. 

માતા-પિતાએ આપી ભીની આંખે વિદાય
તારીખ 11મી માર્ચે સુપ્રીમકોર્ટે ઈચ્છામૃત્યુ પરની અરજી પર સુનાવણી કરીને ચૂકાદો આપ્યો હતો. સુપ્રીમકોર્ટમાંથી મંજૂરી મળ્યા બાદ એમ્સમાં તબીબોની એક ટીમે બેઠક યોજી હતી. ઈચ્છામૃત્યુની અરજી માટે પહેલા એમના માતા-પિતાએ જ સુપ્રીમકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. વૉર્ડમાં સારવાર દરમિયાન જ અન્ન-પાણી બંધ કરવામાં આવ્યા હતા. હરિશ રાણા ચંડીગઢ સ્થિત પંજાબ યુનિવર્સિટીમાં બી.ટેકનો અભ્યાસ કરી ચૂક્યા હતા.વર્ષ 2013માં એપાર્ટમેન્ટના ચોથામાળની બાલ્કનીમાંથી પડી ગયા બાદ ગંભીર ઈજા પહોંચી હતી. એ પછી લાંબા સમય માટે કોમામાં ચાલ્યા ગયા હતા. પરિવાર અને ડૉક્ટર્સ તરફથી એમને બચાવવા માટે દરેક પ્રયાસ થઈ રહ્યા હતા. એ પછી ફૂડ અને પાઈપની મદદથી ભોજન આપવામાં આવી રહ્યું હતું. ક્યારેક એમને ઑક્સિજન પણ આપવામાં આવતું હતું. 

શું કહે છે ડૉક્ટર?
એમના સમગ્ર કેસની અને હરિશ રાણાની સારવાર કરી રહેલા ડૉક્ટર સુષમા ભટનાગરે કહ્યું હતું કે, આવી પ્રક્રિયામાં સામાન્ય રીતે દર્દમાંથી રહાત માટે  પોષણ સંબંધિત મદદ આપવામાં આવતી હોય છે. સહાયતા રોકવા અથવા અન્ય કોઈ ટ્રિટમેન્ટનો સમાવેશ થાય છે. પછી લાઈફ સપોર્ટ સિસ્ટમ પછીથી દૂર કરવામાં આવે છે. કૃત્રિમ પોષણ, ઑક્સિજન અને દવા જેવા જીવનજરૂરી ઉપાય પછી દૂર કરવામાં આવ્યા હતા. આનો અર્થ મૃત્યુને લાંબા સમય સુધી ટાળવું એવો બિલકુલ નથી.