Mon Oct 05 2026

Logo

ગંગા ઘાટ પર સ્નાન કરતી મહિલાનો AIથી બનાવ્યો અશ્લીલ વીડિયો! શ્રી ગંગાસભાએ કરી કાર્યવાહીની માંગ

2026-09-16 15:31:01
Author: Vimal Prajapati
ગંગા ઘાટ પર સ્નાન કરતી મહિલાનો AIથી બનાવ્યો અશ્લીલ વીડિયો! શ્રી ગંગાસભાએ કરી કાર્યવાહીની માંગ

હરિદ્વારઃ સોશિયલ મીડિયા અત્યારે જરૂર કરતા વધુ લોકો પર હાવી થઈ રહ્યું છે, ખાસ કરીને જ્યારથી એઆઈ આવ્યું છે ત્યારે લોકોની વ્યક્તિગત જિંદગી સાથે છેડછાડ કરવાના કિસ્સામાં વધારો થયો  છે. ઉત્તરાખંડના પવિત્ર તીર્થધામ હરિદ્વારમાં ‘હર કી પૌડી’ ઘાટ ખાતે એક યુવતી દ્વારા ગંગા સ્નાન દરમિયાન કરવામાં આવેલા વાંધાજનક વીડિયોને લઈને ભારે વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર આ વાયરલ વીડિયો સામે આવ્યા બાદ તીર્થસ્થળના ધાર્મિક સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધાર્મિક સ્થળોની ગરિમા અને પવિત્રતા લજવાતાં અસામાજિક તત્વો સામે કાયદાકીય તપાસ અને કાર્યવાહી કરવા માટે અપીલ કરવામાં આવી છે. 

ગંગાસભાએ સખત વિરોધ નોંધાવ્યો
‘હર કી પૌડી’ની વ્યવસ્થા અને સંચાલન સંભાળતી સંસ્થા ગંગા સભાએ આ ઘટનાને સનાતન ધર્મ અને પવિત્ર ગંગા ઘાટની મર્યાદા પર સીધો પ્રહાર ગણાવ્યો છે. ગંગા સભાના પદાધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, પવિત્ર તીર્થક્ષેત્રમાં આવી અશ્લીલતા અને રીલ બનાવવાની પ્રવૃત્તિઓ સાંખી લેવામાં આવશે નહીં. તેમણે પોલીસ પ્રશાસન પાસે માંગ કરી છે કે, આવા તત્વો સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આવી હરકત ના કરે!

વીડિયો સાથે છેડછાડ કર્યાનો મહિલાનો દાવો
આ વીડિયો વાયરલ થતા એક મહિલાએ પોસ્ટ કરીને દાવો કર્યો છે કે, આ વીડિયો તેનો પોતાનો છે, પરંતુ આ વીડિયો સાથે એઆઈ દ્વારા છેડછાડ કરવામાં આવી છે. મહિલાએ દાવો કર્યો છે કે, આ મામલે હરિયાણા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. આ વીડિયો અંગે અત્યારે અનેક સવાલો થઈ રહ્યાં છે. શ્રી ગંગા સભા દ્વારા પણ આ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ કેસમાં ફરિયાદ છે, પરંતુ હરિયાણા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હજી કોઈ પુષ્ટી કરવામાં આવી નથી. 

વાયરલ વીડિયો અંગે સાધુ-સંતોમાં પણ રોષ
ધાર્મિક ભાવોનાઓને ઠેસ પહોંચાડવા અને જાહેર સ્થળે અશ્લીલતા ફેલાવવામાં આવી હોવાથી સાધુ-સંતોમાં પણ રોષની લાગણીઓ છવાઈ છે. સ્થાનિક લોકો અને સંત સમાજે સ્પષ્ટ માંગ કરી છે કે, તીર્થક્ષેત્રોની પવિત્રતા જાળવવા માટે ઘાટો પર મોબાઈલ ફોનથી શૂટિંગ કરવા અંગે ચોક્કસ નિયમો અને પ્રતિબંધો અમલી બનાવવામાં આવે! 
સનાતન ધર્મના સંતોનું કહેવું છે, સદીઓથી સનાતન ધર્મ સાથે સતત ચેડા કરવામાં આવી રહ્યાં છે. હવે આધુનિક યુગમાં આ ખૂબ જ સરળ બની ગયું છે. જેથી તેમાં કાર્યવાહી થાય તે ખૂબ જ જરૂરી છે. આ મામલે હવે કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહેશે.