Sun May 10 2026

Logo

હાર્દિક-સૂર્યાના વળતા પાણી, શ્રેયસનો ઊગતો સિતારો

2026-05-09 16:28:26
Author: Ajay Motiwala
Article Image

અજય મોતીવાલા

જેમ ક્રિકેટની રમતમાં અને ખાસ કરીને ટી-20 ફૉર્મેટની મૅચમાં ક્યારે શું બનશે એ કોઈ ન કહી શકે એવું અત્યારે મુંબઈ ઇન્ડિયન્સ (MI) વિશે કહી શકાય. એવી ચર્ચા છે કે આ વખતની આઇપીએલમાં મોટા ભાગે નીચલા સ્થાને રહેલી મુંબઈની ટીમમાં અત્યારે બધુ ઠીકઠાક નથી. શનિવાર સુધીમાં આ ટીમ 10માંથી માંડ ત્રણ મૅચ જીતી શકી હતી અને પ્લે-ઑફની રેસની લગભગ બહાર થઈ ગઈ છે એવી સ્થિતિમાં આ ભૂતપૂર્વ ચૅમ્પિયન ટીમના બબ્બે ખેલાડી ખૂબ ચર્ચામાં છે. હાર્દિક પંડ્યા (HARDIK PANDYA) અને સૂર્યકુમાર યાદવનો સમય હમણાં સારો નથી અને એનો સીધો ફાયદો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શ્રેયસ ઐયર (SHREYAS IYER)ને થઈ શકે.

તો ચાલો, આપણે વિગતે ચર્ચા કરીએ. સૌથી પહેલાં તો હાર્દિકની જ વાત કરીએ. તે ગયા સોમવારથી મુંબઈ ઇન્ડિયન્સ ટીમની બહાર છે એ સૌથી મોટો ચર્ચાનો વિષય છે. એ દિવસે વાનખેડેમાં લખનઊ સામેની મૅચમાં સૂર્યકુમાર યાદવે ટીમનું સુકાન સંભાળ્યું હતું. હવે રવિવારે રાયપુરમાં બેંગ્લૂરુ સામેની મૅચમાં હાર્દિક રમશે કે નહીં એ બાબતમાં પણ ઘણા દિવસોથી રહસ્ય ઘૂંટાય છે. તેને પીઠનો દુખાવો સતાવી રહ્યો છે એટલે લખનઊ સામે નહોતો રમ્યો એવું કહેવાય છે, પરંતુ બે કારણસર તેના મુદ્દે દિવસેને દિવસે સસ્પેન્સ વધી રહ્યું છે. એક, ખુદ હાર્દિક આ વખતની આઇપીએલમાં બૅટિંગ અને બોલિંગમાં ધાર્યા જેવું નથી રમ્યો. બીજું, કૅપ્ટન તરીકે તે મુંબઈની ટીમને નીચલા સ્થાનેથી ઉપર લાવી જ નથી શક્તો.

મુંબઈની ટીમમાં હાર્દિક કૅપ્ટન બનીને પાછો આવ્યો છે ત્યારથી સતત ચર્ચાસ્પદ રહ્યો છે ત્યારે રોહિત શર્મા પણ કોઈને કોઈ રીતે ન્યૂઝમાં રહ્યો છે. ગયા સોમવારે એક તરફ લખનઊ સામે હાર્દિક નહોતો રમ્યો, જ્યારે રોહિત શર્મા ઈજામુક્ત થઈને પાછો રમવા આવ્યો અને માત્ર 44 બૉલમાં સાત છગ્ગા અને છ ચોગ્ગાની મદદથી 84 રન બનાવીને તેણે સૂર્યકુમાર યાદવની કૅપ્ટન્સીમાં રમનાર મુંબઈની ટીમને જીતનો પાયો નાખી આપ્યો હતો. તમે સમજી ગયા હશો, શું ચાલી રહ્યું છે! કૅપ્ટન અને ઑલરાન્ડર હાર્દિક મુંબઈની કપરી સ્થિતિમાં એક મૅચમાં રમતો નથી અને ઘણા દિવસોથી ઈજાને લીધે બેન્ચ પર બેસી રહેલો રોહિત રમે છે અને 80-પ્લસ રન બનાવીને મુંબઈને જિતાડે છે.

2027ની આઇપીએલ પહેલાં જે મેગા ઑક્શન થશે એમાં ઘણી ઊલટફેર જોવા મળશે એમાં કોઈ શંકા નથી. હાર્દિક શું પાછો ગુજરાતની ટીમ ભેગો થઈ જશે? રોહિત ફરી મુંબઈની ટીમમાં ઠરીઠામ થશે? નબળી બૅટિંગને કારણે સૂર્યકુમાર યાદવનો મુદ્દો વધુ જટિલ છે. તેને મુંબઈ આવતા વર્ષે સાચવશે કે કેમ એમાં પણ ડાઉટ છે. તેની કામચલાઉ કૅપ્ટન્સી સફળ છે, પણ બૅટિંગ સારી નથી એટલે ટીમના સેટ-અપ પર તેમ જ પ્લાનિંગ પર વિપરીત અસર થઈ રહી છે. સૂર્યાના ઘરે પુત્રીનો જન્મ થયો છે એટલે બની શકે કે સૂર્યાનું ભાગ્ય પલટાશે અને તે ફરી અસલ મિજાજમાં સારું પર્ફોર્મ કરતો જોવા મળશે.

હાર્દિક, રોહિત, સૂર્યા અને મુંબઈની ચર્ચા વચ્ચે શ્રેયસ ઐયરનો મુદ્દો સૌથી રસપ્રદ છે. કહેવાય છે કે તેને આઇપીએલ પછી ટી-20 ફૉર્મેટમાં ટીમ ઇન્ડિયાના નેતૃત્વની જવાબદારી સોંપવામાં આવશે. એ રીતે, બની શકે કે ભારતની ટી-20 ટીમના કૅપ્ટનપદેથી સૂર્યકુમારનું પત્તું કપાઈ જશે અને તેના સ્થાને શ્રેયસ ઐયરને કૅપ્ટન્સી સોંપાશે. એક અહેવાલમાં મુજબ તો ભારતની વન-ડે ટીમનું નેતૃત્વ પણ શ્રેયસને સોંપવાની વાતો થઈ રહી છે. 2024માં આઇપીએલનું ટાઇટલ અપાવનાર શ્રેયસને કોલકાતાએ 2025માં ન સાચવીને મોટી ભૂલ કરી હતી. પંજાબે શ્રેયસને 2025માં 26.75 કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો અને શ્રેયસે પંજાબને રનર-અપ બનાવ્યું હતું. હવે આ વખતે પણ શ્રેયસના નેતૃત્વમાં પંજાબ સારું પર્ફોર્મ કરે છે અને ટાઇટલ માટે ફેવરિટ છે. અત્યાર સુધીમાં 10 મૅચમાં 333 રન બનાવનાર શ્રેયસની કૅચિંગ ઍબિલિટી પણ ગજબની છે. 16મી એપ્રિલે તેણે બાઉન્ડરી લાઇનની નજીક હાર્દિક પંડ્યાનો અદભુત કૅચ ઝીલ્યો હતો. એને `કૅચ ઑફ ધ ટૂર્નામેન્ટ' ગણવામાં આવી રહ્યો છે.

આખી સ્ટોરીનો સાર એ છે કે હાર્દિક અને સૂર્યકુમારની નિષ્ફળતાનો સીધો લાભ શ્રેયસ ઐયરને થઈ શકે, કારણકે તે કૅપ્ટન્સીનો બોજ સંભાળવાની સાથે સારી બૅટિંગ પણ કરી શકે છે. આ જ તેની સૌથી મોટી ખાસિયત છે. ટીમ ઇન્ડિયાને આવનારા મહિનાઓમાં નવો સુકાની મળશે એમાં બેમત નથી.