અજય મોતીવાલા
મુંબઈઃ ગુજરાત ટાઇટન્સને 2022ના ડેબ્યૂ વર્ષમાં ચૅમ્પિયન અને 2023માં રનર-અપ બનાવનાર હાર્દિક પંડ્યા (Hardik Pandya) 2024માં જ્યારથી મુંબઈ ઇન્ડિયન્સ (MI)માં (કૅપ્ટન બનીને) પાછો આવ્યો છે ત્યારથી ચર્ચામાં રહ્યો છે અને આ વખતે તો હદ જ થઈ ગઈ, કારણકે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ બહુ વહેલી આઇપીએલ-2026ની પ્લે-ઑફની રેસમાંથી આઉટ થઈ ગઈ એના થોડા દિવસ પહેલાંથી જ હાર્દિક વિશે જાત જાતની ચર્ચા થતી રહી છે અને ખુદ હાર્દિક પણ જાણે બૅક-સ્ટેજમાં જતો રહ્યો હોય એવું લાગે છે. સોમવારે હાર્દિકે એમઆઇના ઇન્સ્ટા હૅન્ડલને અનફૉલો (UNFOLLOW) કર્યું અને પછી ગુલાંટ મારી (ફૉલો કર્યું) ત્યાર બાદ મંગળવારે એવી વાતે તે ફરી ચર્ચામાં હતો કે તેણે ફરી એક વખત એમઆઇને અનફૉલો કર્યું છે.
એક તો હાર્દિક છેલ્લી બે મૅચથી (પીઠના દુખાવાને કારણે) રમ્યો નથી, તેની હાજરી બાદ તેની ગેરહાજરીમાં પણ એમઆઇની ટીમ સદંતર ફ્લૉપ રહી અને પ્લે-ઑફની દોડમાંથી બહાર જતી રહી એટલે એક સમયની આ સર્વોચ્ચ ટીમ ચર્ચાના ચકડોળે ચડી છે. જ્યારથી એમઆઇનું નેતૃત્વ રોહિત શર્માના હાથમાંથી લઈને હાર્દિકને સોંપાયું છે ત્યારથી ટીમનું પ્રદર્શન મોટા ભાગે ખરાબ રહ્યું છે. જોકે આ ટીમના કોચિંગ-સ્ટાફમાં ઘણા ધુરંધરો છે એમ છતાં `ઝાઝા રસોઇયા કઢી બગાડે' એવી કહેવત લોકોમાં સાંભળવા મળી છે.
પાંચ ટાઇટલ જીતી ચૂકેલી આ ટીમ હવે હાર્દિકને જાકારો આપવાની તૈયારીમાં છેકે શું? એવી પણ ચર્ચા લોકોમાં થઈ રહી છે. આ વખતે આ ટીમના વ્યક્તિગત પર્ફોર્મન્સમાં (કોઈનામાં પણ) સાતત્યતા નથી જોવા મળી. અગાઉના વર્ષોમાં ક્યારેક કોઈક મૅચમાં હાર્દિક અને તેના મોટા ભાઈ કૃણાલ પંડ્યા વચ્ચે હરીફાઈ જોવા મળી હતી, પણ આ વખતે (રવિવારે) હાર્દિક ટીમમાં હતો જ નહીં અને તેની ગેરહાજરીમાં કૃણાલે બન્ને પગની ગંભીર ઈજા છતાં 73 રનની શાનદાર ઇનિંગ્સથી બેંગ્લૂરુને રોમાંચક વિજય અપાવ્યો હતો.
અગિયારમાંથી આઠ મૅચ હારી જનાર એમઆઇની ટીમ છેક નવમા સ્થાને છે અને પ્લે-ઑફમાં લખનઊની જેમ આ ટીમ પણ હવે નથી જ જોવા મળવાની. આ બધુ જોતાં એમઆઇના ચાહકોમાં ચર્ચા છે કે હાર્દિક છેલ્લી વખત એમઆઇ વતી રમ્યો કે શું? ટીમમાંથી તેની બાદબાકી થઈ જશે તો ટીમનું સુકાન કોને સોંપાશે?