મુંબઈઃ ક્રિકેટરોએ વિદેશના પ્રવાસ વખતે (ખાસ કરીને વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટના સમયે) પત્ની, ગર્લફ્રેન્ડ કે પરિવારજનોને પોતાની સાથે લઈ જવા કે નહીં એ મુદ્દે ખેલાડીઓ અને બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) વચ્ચે અગાઉ ખેંચતાણ થઈ ચૂકી છે, પરંતુ જો ખેલાડીઓ મર્યાદા ઓળંગે તો ક્રિકેટ બોર્ડે વધુ કડક વલણ અપનાવવું જ પડે અને કહેવાય છે કે ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા (HARDIK PANDYA)ના કિસ્સામાં કંઈક એવું બન્યું હોય એવું લાગે છે. `ગર્લફ્રેન્ડ કલ્ચર'ને કારણે ખેલાડીઓના પર્ફોર્મન્સ પર, તેમની શિસ્ત પર તેમ જ તેમની એકાગ્રતા પર અસર થઈ રહી છે એવું બોર્ડનું માનવું છે. કહેવાય છે કે નબળા પર્ફોર્મન્સ ઉપરાંત ગર્લફ્રેન્ડની આ મોકાણને કારણે ક્રિકેટ બોર્ડ સાથે હાર્દિકના સંબંધોને અસર થઈ છે.
થોડા દિવસ પહેલાં જ સમાચાર મળ્યા હતા કે ખેલાડીઓના `ગર્લફ્રેન્ડ કલ્ચર'થી બીસીસીઆઇ પરેશાન છે. એટલું જ નહીં, ક્રિકેટ બોર્ડ અમુક ખેલાડીઓથી નારાજ પણ છે. આઇપીએલ દરમ્યાન તેમ જ આંતરરાષ્ટ્રીય સિરીઝ વખતે કેટલાક ભારતીય ખેલાડીઓની ગર્લફ્રેન્ડ સ્ટેડિયમમાં કે મેદાન પર જોવા મળતાં આ વિષયને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. કરોડો રૂપિયા કમાતા ક્રિકેટરો `હની ટ્રૅપ'નો શિકાર થઈ શકે (ખેલાડીઓનો આર્થિક ફાયદો ઉઠાવવા અથવા ખ્યાતિ માટે કોઈ છોકરી કે યુવતી એ પ્લેયર્સ સાથે સંબંધ બાંધે) એવી સંભાવના વચ્ચે બીસીસીઆઇએ ખેલાડીઓને એવું કહી દીધું હોવાનું મનાય છે કે આઇપીએલ દરમ્યાન તમારી ગર્લફ્રેન્ડને કે તમારી પાર્ટનરને તમારી સાથે પ્રવાસ નહીં કરવા મળે તેમ જ તમે જે હૉટેલમાં રહેશો એમાં તમારી ગર્લફ્રેન્ડ નહીં રહી શકે. એટલું જ નહીં, હૉટેલમાં તમે કોઈને પણ નહીં બોલાવી શકો અને ટીમ મૅનેજરની પરવાનગી ખાસ લેવી પડશે. એક અહેવાલમાં તો એવો સંશય વ્યક્ત કરવામાં આવ્યો હતો કે એક ખેલાડીની પ્રેમિકાએ એ પ્લેયરની ટીમને લગતી કેટલીક વિગતો બહારની કોઈ વ્યક્તિને જણાવતાં એ ટીમનું ફ્રૅન્ચાઇઝી ચિંતામાં મુકાઈ ગયું હતું અને એની જાણ ક્રિકેટ બોર્ડને કરી હતી.

હાર્દિક પંડ્યા અને માહિકા શર્માની જોડી ઘણા મહિનાઓથી ચર્ચામાં છે. આઇપીએલ પહેલાં ભારતે ટી-20 વર્લ્ડ કપ જીતી લીધો હતો. અમદાવાદમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની ફાઇનલ જીત્યા બાદ ભારતીય ખેલાડીઓ અત્યંત આનંદિત હતા. જોકે હાર્દિક પંડ્યા અને ગર્લફ્રેન્ડ માહિકા શર્માએ જીતના જશન દરમ્યાન જે રીતે જાહેરમાં (મેદાન પરના મંચ પર) એકમેક પ્રત્યે જે રીતે પ્રેમ વ્યક્ત કર્યો હતો એ બનાવ ચર્ચાસ્પદ થયો હતો. એ સમયના ફોટો અને વીડિયો મુજબ હાર્દિક અને માહિકાએ ત્યારે એકમેકને વારંવાર ચૂમી લીધાં હતાં તેમ જ એવું અસભ્ય વર્તન કર્યું હતું જે અગાઉ ક્યારેય કોઈ ક્રિકેટ ગ્રાઉન્ડ પર નહોતું જોવા મળ્યું. એવું મનાય છે કે ત્યારથી જ હાર્દિકથી બીસીસીઆઇ ખફા છે અને ત્યારથી જ બીસીસીઆઇ સાથેના હાર્દિકના સંબંધો સારા ન હોવાની ચર્ચા છે. એ બનાવ પછી પણ ક્યારેક કોઈક મૅચમાં સારું પર્ફોર્મ કર્યા પછી હાર્દિકે મેદાન પરથી માહિકાને ફ્લાઇંગ કિસ આપી હોવાનું જોવા મળ્યું હતું.
હાર્દિક ઉપરાંત બીજા કેટલાક ખેલાડીઓના નામ પણ તેમની કથિત ગર્લફ્રેન્ડ સાથે ચર્ચાતા હોવાથી જ `ગર્લફ્રેન્ડ કલ્ચર' બીસીસીઆઇનું નિશાન બની ગયું છેઃ

(1) અર્શદીપ સિંહ અને ઍક્ટ્રેસ સમરીન કૌર

(2) ઇશાન કિશન અને મૉડેલ અદિતી હુંડિયા

(3) યશસ્વી જયસ્વાલ અને મૅડી હૅમિલ્ટન

(4) નેહલ વઢેરા અને અભિનેત્રી કાશ્મીરા પરદેસી

(5) સમીર રિઝવી અને મૉડેલ યેશા સાગર.
બીસીસીઆઇ `માયબાપ' કહેવાય અને મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ) સહિતના ફ્રૅન્ચાઇઝીઓ એના હેઠળ જ કાર્યરત છે. હાર્દિકના સંબંધો જો બીસીસીઆઇ સાથે સારા ન હોય તો સ્વાભાવિક છે કે એમઆઇ સાથે સ્પર્શતો તેનો કોઈ પણ `બનાવ' ચર્ચાસ્પદ થઈ જ જાય. પીઠની ઈજાના કારણસર હાર્દિક હમણાં થોડી મૅચોથી આઇપીએલમાં નથી રમી શક્યો (ગુરુવારે પંજાબ સામે પણ નથી રમ્યો) એ મુદ્દે પણ ચર્ચા છે કે હાર્દિક અને એમઆઇ વચ્ચે બધુ ઠીક નથી.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા થોડા વર્ષોથી પુત્ર-પુત્રી સાથે વર્ષ દરમ્યાન મોટા ભાગે લંડનમાં રહેતા હોવાથી ભારતમાં જો વિરાટ કોઈ મૅચ કે સિરીઝ રમતો હોય તો અનુષ્કા હવે બહુ ઓછી જોવા મળે છે. એક સમય હતો જ્યારે સોશ્યલ મીડિયામાં વિરાટ માટે અનુષ્કાને પનોતી ગણવામાં આવતી હતી, પરંતુ એ ખોટી માન્યતા ફેલાયા પછી વિરાટ અનેક મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમ્યો, બૅટિંગ-લેજન્ડ તરીકે ઓળખાતો થયો છે અને 37 વર્ષની ઉંમરે પણ ધમાકેદાર સેન્ચુરી (બુધવારે કોલકાતા સામે અણનમ 105 રન) ફટકારી શકે છે.