Wed May 06 2026

Logo

હાર્દિકને મુંબઈની ટીમની બહાર કરાયો છે કે શું? બેંગ્લૂરુ સામેની મૅચ પહેલાં બહાર આવ્યું ચોંકાવનારું અપડેટ

2026-05-06 17:01:51
Author: Ajay Motiwala
Article Image

IPL


મુંબઈઃ હાર્દિક પંડ્યાના મુદ્દે મોટું અપડેટ બહાર આવ્યું છે જેના પરથી એવી અટકળ શરૂ થઈ ગઈ છે કે હાર્દિકને શું મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમની બહાર કરવામાં આવી રહ્યો છે?

મુંબઈની આગામી મૅચ રાયપુરમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (RCB) વિરુદ્ધ 10મી મે (રવિવારે)એ રમાશે, પરંતુ એ પહેલાં ટીમના રેગ્યુલર કૅપ્ટન હાર્દિક (HARDIK) વિશે ચોંકી જવાય એવું અપડેટ સામે આવ્યું છે જેના પરથી કેટલાક એવો અંદાજ લગાવી રહ્યા છે કે હાર્દિકને ટીમમાંથી પૂર્ણપણે બહાર કરી દેવામાં આવી રહ્યો છે કે શું?

મુંબઈની પાછલી મૅચ ચોથી મેએ લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી) વિરુદ્ધ વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. હાર્દિક એ મૅચની બહાર હતો. તેની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવે કૅપ્ટન્સી સંભાળી હતી. સૂર્યાએ ટૉસ વખતે કહ્યું હતું કે હાર્દિક પૂર્ણપણે ફિટ નથી એટલે તે પ્લેઇંગ-ઇલેવનમાં સામેલ નથી.

એક જાણીતી વેબસાઇટના અહેવાલમાં જણાવાયું હતું કે હાર્દિક આરસીબી સામેની આગામી મૅચ માટે મુંબઈની ટીમ સાથે રાયપુરના પ્રવાસે નથી ગયો. છઠ્ઠી મેએ (બુધવારે) મુંબઈ ઍરપોર્ટના ટર્મિનલ-1 પર મુંબઈની ટીમ એકસાથે જોવા મળી હતી, પણ એમાં હાર્દિક નહોતો. હાર્દિક મૅચનો દિવસ નજીક આવશે ત્યારે ટીમ સાથે રાયપુરમાં જોડાઈ જશે એવી પણ કોઈ અપડેટ નહોતી મળી.

મુંબઈની હાલત આ વખતની ટૂર્નામેન્ટમાં બહુ ખરાબ છે. માત્ર છ પૉઇન્ટ સાથે આ ટીમ છેક નવમા નંબરે છે. હાર્દિકનો પોતાનો પર્ફોર્મન્સ પણ સારો નથી. 10માંથી મુંબઈની ટીમ ફક્ત ત્રણ મૅચ જીતી છે અને સાત મૅચમાં પરાજિત થઈ છે. હાર્દિક આઠ મૅચમાં બૅટિંગ કરી ચૂક્યો છે જેમાં તેણે 136.44ના સ્ટ્રાઇક-રેટ સાથે કુલ 146 રન કર્યા છે જેમાં એકેય હાફ સેન્ચુરી નથી. હાર્દિક આઠ મૅચમાં કુલ માત્ર ચાર વિકેટ લઈ શક્યો છે.