નવી દિલ્હીઃ આ વખતની આઇપીએલમાંથી ટીમ ઇન્ડિયાને અઢળક નવા ફાસ્ટ બોલર મળી શકે એમ છે અને એવા બે પ્લેયરને તો મંગળવારે જ ટીમ ઇન્ડિયામાં જગ્યા મળી ગઈ હતી અને એમાં પચીસ વર્ષના ગુર્નુર બ્રાર (Gurnoor Brar) તથા 24 વર્ષીંય પ્રિન્સ યાદવ (Prince Yadav)નો સમાવેશ હતો. આ બે ઝડપી બોલરને ભારતીય ટીમમાં ઝડપભેર સ્થાન મળી ગયું એમ કહીએ તો પણ ખોટું નથી. પંજાબના છ ફૂટ પાંચ ઇંચ ઊંચા ગુર્નુર બ્રારને ચીફ સિલેક્ટર અજિત આગરકરે `ભવિષ્યની સંભાવના' તરીકે ઓળખાવ્યો છે. તે બૉલની ઝડપ, બાઉન્સ અને રિવર્સ સ્વિંગ માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં પ્રખ્યાત છે.
એક જાણીતા અંગે્રજી દૈનિકના અહેવાલ મુજબ ક્રિકેટની રમત ગુર્નુરની પ્રથમ પસંદગી હતી જ નહીં. તે ફૂટબૉલ અને ટેનિસ વધુ રમતો હતો. તે ટાઇમપાસ માટે જ ક્રિકેટ રમતો હતો, પરંતુ એક મિત્રની સલાહે તેની જિંદગી બદલી નાખી હતી. મિત્રએ તેને કહ્યું કે તારી હાઇટ બહુ સારી છે એટલે તું સારો ફાસ્ટ બોલર બની શકે. એ સલાહ માનીને બ્રારે બૉલ હાથમાં ઉપાડ્યો અને પછી પાછળ વળીને જોયું જ નહોતું.
બ્રાર ગુજરાત ટાઇટન્સની ટીમમાં છે, પણ તેને હજી સુધી એકેય મૅચ નથી રમવા મળી. તે નાનપણથી ડેલ સ્ટેનનો ફૅન છે. તે રસ્તો ક્રૉસ કરતી વખતે સ્ટેન તથા બે્રટ લી અને શોએબ અખ્તરની બોલિંગની ઍક્શન કરતો હતો. બ્રારનું માનવું છે કે ડેલ સ્ટેન બૉલની ગતિ ઉપરાંત તેની કુશળતા તેને અન્ય બોલરથી અલગ પાડે છે. બ્રારે આ જ કારણસર પણ ફાસ્ટ બોલર બનવાનું નક્કી કર્યું હતું.
BCCI
માત્ર બે વર્ષ ડોમેસ્ટિક ક્રિકેટમાં રમનાર બ્રારની મુલાકાત થોડા વર્ષો પહેલાં શુભમન ગિલ સાથે થઈ ગિલ અન્ડર-19 ટીમનો ખેલાડી હતો. ત્યારે ગિલ પંજાબની કટૉચ લીગ ટૂર્નામેન્ટમાં બ્રારની બોલિંગથી ખૂબ પ્રભાવિત થયો હતો. ગિલની ભલામણથી જ બ્રારને જિલ્લા સ્તરની, મોહાલીની અને પંજાબ રાજ્યની ટીમમાં સ્થાન મળ્યું હતું. ગુજરાત ટાઇટન્સની ટીમમાં બ્રારને કૅપ્ટન ગિલ ઉપરાંત હેડ-કોચ આશિષ નહેરા અને સાઉથ આફ્રિકન ફાસ્ટ બોલર કૅગિસો રબાડા પાસેથી ઘણું શીખવા મળ્યું છે. બ્રાર 18 ફર્સ્ટ ક્લાસ મૅચોમાં કુલ બાવન વિકેટ લઈ ચૂક્યો છે.
મંગળવારની રાજસ્થાન સામેની મૅચ પહેલાં 12 મૅચમાં કુલ 16 વિકેટ લઈને લખનઊના બોલર્સમાં અવ્વલ સ્થાન ધરાવતા 24 વર્ષીય રાઇટ-હૅન્ડ ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવ બૅટ્સમૅન અને મૅચની સ્થિતિને આધારે બૉલની ગતિ ખૂબ કુશળતાથી બદલવામાં માહિર છે. ખાસ વાત એ છે કે તે છે ફાસ્ટ બોલર, પરંતુ ઍક્શન બદલ્યા વિના ધીમો બૉલ ફેંકવા માટે અને પેસમાં વિવિધતા લાવવા માટે જાણીતો છે. તેની આ કલાને કારણે બૅટ્સમૅન જાળમાં ફસાઈ જતો હોય છે. 2024માં પ્રિન્સે `પુરાની દિલ્હી-6' ટૂર્નામેન્ટમાં દિલ્હી વતી 10 મૅચમાં 13 વિકેટ લીધી હતી. એને આધારે તેને દિલ્હીની વાઇટ-બૉલ ટૂર્નામેન્ટમાં રમવા મળ્યું હતું.
રણજી ટ્રોફીમાં બે મૅચ રમ્યા બાદ પ્રિન્સે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024-'25માં ટી-20માં ડેબ્યૂ કર્યું હતું. તેણે ઉત્તર પ્રદેશ વિરુદ્ધ પહેલી જ મૅચમાં નીતીશ રાણા તથા સમીર રિઝવી જેવા જાણીતા બૅટ્સમેનની વિકેટ લઈને સૌને પ્રભાવિત કર્યા હતા. લખનઊના ફ્રૅન્ચાઇઝીએ તેને 2026ની આઇપીએલ માટે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યાર બાદ પ્રિન્સે ડોમેસ્ટિક ટી-20 સીઝનમાં 11 વિકેટ લઈને દિલ્હીને સેમિ ફાઇનલમાં પહોંચાડ્યું હતું તથા વિજય હઝારે ટ્રોફીમાં તે છ મૅચમાં 11 વિકેટ લઈને દિલ્હીનો સૌથી સફળ બોલર બન્યો હતો.