Wed Sep 09 2026

Logo

કવર સ્ટોરી: ...તો માતૃભાષા ગુજરાતીનો સુવર્ણયુગ જરૂર પાછો આવશે!

2026-05-24 08:19:00
Author: Nilesh Dave
કવર સ્ટોરી: ...તો માતૃભાષા ગુજરાતીનો સુવર્ણયુગ જરૂર પાછો આવશે!

 

 

 

મરાઠીભાઉઓના ભાષાપ્રેમને સલામ કરવી પડશે. માત્ર સલામ જ નહીં, જો આપણી ભાષાને જીવંત રાખવી હશે તો એમણે ભાષા માટે કરેલાં કાર્યોનું અનુકરણ પણ કરવું જ પડશે અને એ પણ બહુ ઝડપભેર!  

 

- નીલેશ દવે



 

*એક સમયનાં ગુજરાતી બાળનાટકો આજે ગાયબ છે.

 

*તાજેતરમાં ધૂમ મચાવી રહેલા મરાઠી બાળનાટકો, જેને કારણે મરાઠી ભાષા અને સાહિત્ય અકબંધ છે.

 

શનિવાર 16 મે, 2026ના બોરીવલીના પ્રબોધનકાર ઠાકરે નાટ્યગૃહમાં એક અકલ્પનીય ઘટના બની. સવારના 11 વાગ્યે ધોમધખતા તડકામાં અનેક મા-બાપ પોતાનાં બાળકો સાથે નાટ્યગૃહ પહોંચી ગયાં હતાં. 11 વાગ્યે નાટક શરૂ થાય એ પહેલાં લગભગ આખું નાટ્યગૃહ બાળકો અને તેમનાં મા-બાપથી છલકાઈ ગયું હતું. આ તમામ લોકો એક નાટકના પ્રયોગમાં આવ્યા હતા. આમાં સહુને નવાઈ લાગે કે નાટક તો અનેક વખત સવારના શોમાં ભજવાતાં હોય છે અને અનેક સંસ્થાઓ દ્વારા યોજાતાં આવાં અનેક નાટકો હાઉસફુલ પણ જતાં હોય છે, આમાં નવું શું છે? 

 

યસ, આમાં નવું એ છે કે આ નાટક એ ગુજરાતીમાં કે હિન્દીમાં ભજવાતાં નાટકો જેવું નાટક નહીં, પરંતુ કોઈપણ ભાષાને જીવાડવામાં જે ઑક્સિજનનું કામ કરે છે તેવું બાળનાટક હતું.

 

28 બાળકલાકારો સાથે ભજવાયેલું આ મરાઠી બાળનાટક એટલે ‘બાબલ્યા ચે દોસ્ત પાંચ ઘોસ્ટ’ 

 

કોકણમાં એક મા-બાપ વગરનો બાળક પોતાના મિત્રોને પોતાના ગામ બોલાવે છે અને મોબાઇલના આ યુગમાં તેના તમામ મિત્રોને કેવી રીતે પાછો કુદરત તરફ વાળે છે તેની આખી વાત સુંદર રીતે રજૂ કરવામાં આવી છે, આ નાટકમાં ખાલી થઈ રહેલાં ગામડાં અને વધી રહેલા શહેરી વિસ્તારોનો મુદ્દો પણ ખૂબ જ સરસ રીતે માંડવામાં આવ્યો છે. નાટક પૂરું થયા પછી આવેલા પ્રેક્ષકો (બાળપ્રેક્ષકો પણ ખરા) સાથે સુંદર મજાની પ્રશ્ર્નાવલી પણ થાય છે. સૌથી મજાની વાત એટલે  બાબલ્યાના દોસ્ત એવા પેલા પાંચ ઘોસ્ટ એટલે ભૂત નહીં, પરંતુ પંચમહાભૂતની વાત પણ ખૂબ જ આકર્ષક રીતે સાંકળી લેવામાં આવી છે.

 

માત્ર આ ‘બાબલ્યા ચે દોસ્ત પાંચ ઘોસ્ટ’ એ એક જ મરાઠી બાળનાટક હાલ નથી ચાલી રહ્યું, તેની સાથે સાથે વિક્રમ વેતાળ, ધુરંધર મોગલી, માકડેચાળે, રાક્ષસ શક્તિમાન મુલ યુક્તિમાન, બાળ ટુર ટુર જેવાં બીજાં અનેક મરાઠી બાળનાટકો તખ્તો ગજાવી રહ્યાં છે. દરેક નાટક મોટા ભાગે હાઉસફુલ જાય છે. એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ મરાઠી રંગભૂમિ પર બાળનાટકોની સિઝન શરૂ થઈ જાય છે. ધંધાદારી નાટકો કરનારા ખાસ કરીને આ સમયગાળા દરમિયાન પોતાના પ્રયોગ જતા કરીને પણ બાળનાટકોને નાટ્યગૃહની તારીખો આપી દેતા હોય છે, મહારાષ્ટ્રનાં નાટ્યગૃહ પણ વેકેશનના આ ખાસ સમય દરમિયાન બાળનાટકોને પ્રાધાન્ય આપે છે. મરાઠી રંગભૂમિ, ફિલ્મો, સિરિયલના મોટા ગજાના કલાકારો, નિર્માતા, નિર્દેશક, લેખકો ખાસ સમય કાઢીને બાળનાટકો જોવા આવે છે, માત્ર જોવા જ નથી આવતા, પરંતુ આ નાટકોને પ્રમોટ કરવામાં, તેમાં કામ કરતાં બાળકોનો ઉત્સાહ વધારવામાં ચાવીરૂૂપ ભૂમિકા ભજવતા હોય છે, કોઈ પણ રકમ કે શિરપાવની આશા વગર. 

 

કારણ? કારણ છે માતૃભાષા પ્રત્યેનો પ્રેમ...  આવનારી પેઢીનું ઘડતર અને રંગભૂમિને આવનારા સમયમાં પ્રેક્ષકો મળી રહે તેની તકેદારી. આને કારણે જ મરાઠી રંગભૂમિ આપણાથી જોજનો આગળ છે, મરાઠી સાહિત્ય ઘણું વિશાળ છે, મરાઠી ભાષા ખૂબ જ સમદ્ધ છે અને આ મરાઠી પ્રજા પોતાનો સમય અને પૈસા બંને ખરચીને તેનું જીવની જેમ જતન કરે છે. હેટ્સ ઑફ ટુ યુ ઑલ મહારાષ્ટ્રિયન્સ!

 

સિદ્ધાર્થ રાંદેરિયા, દિલીપ જોશી, અસિત મોદી, સંજય છેલ, સંજય ગોરડિયા, વિપુલ વિઠલાણી, ધર્મેશ મહેતા, નીતિન અને નિમિષા વખારિયા, વંદના વિઠલાણી જેવા અનેક કલાકારો જે આજે રંગભૂમિ, ટેલિવિઝન, ફિલ્મી સ્ટેજ ગજાવી રહ્યાં છે તેમની સફળતા પાછળનું મુખ્ય કારણ શું છે ખ્યાલ છે? 

 

નામદેવ લહુટે, વનલતા મહેતા, સરયુ શાહ, વિદ્યુત શાહ, જીવરામ જોષી, પ્રાગજી ડોસા, નટખટ જયુ જેવા દિગ્ગજ લોકો જેમણે બાળનાટકો દ્વારા આ આખી પેઢીને ઘડવાનું કામ કર્યું છે. એકસમયે આ તમામ લોકો ખૂબ ભાવથી બાળનાટકો કરતા.  આ બાળનાટકો દ્વારા અનેક કલાકારોનું ઘડતર થતું હતું.  એટલું જ નહીં, પરંતુ એ સમયે આવાં બાળનાટકોમાં ઉપેન્દ્ર ત્રિવેદી, કાંતિ મડિયા, વિષ્ણુકુમાર વ્યાસ જેવા દિગ્ગજો પણ આ બાળકલાકારો સાથે સ્ટેજ શેર કરતા હતા, કદાચ વ્યસ્તતાને કારણે ગુજરાતી બાળનાટકોમાં કામ ન કરી શકે તો શનિ કે રવિવારે ખાસ આ બાળનાટકોમાં હાજરી આપી બાળકલાકારનો ઉત્સાહ વધારતા હતા. એ સમયે ખાસ કરીને શાળાઓમાં પણ વિશેષ ડિસ્કાઉન્ટ સાથે બાળનાટકોની ઑફરો આપવામાં આવતી હતી, અનેક સ્કૂલોમાંથી ખાસ ડિસ્કાઉન્ટ રેટની ટિકિટો સાથે સેંકડો બાળકો આ બાળનાટકો જોવા જતાં. આ માત્ર એક વ્યવસાય ન હતો. એ દિગ્ગજો માત્ર રંગભૂમિને કેટલાક સારા કલાકારો, લેખકો કે દિગ્દર્શકો જ નહોતા પૂરા પાડતા, પરંતુ આવનારા સમયમાં નાટકો જોનારી- દર્શકોની   એક આખી પેઢીનું નિર્માણ કરતા હતા. એ સમયે બાળનાટકો એ ઑડિયન્સ કલ્ટીવેટ કરવાનું નાટકોમાં રુચિ વધારવાનું મુખ્ય સાધન હતું. માત્ર પ્રેક્ષકો જ નહીં, પરંતુ એ લોકો આપણી સંસ્કૃતિનું જતન કરતા હતા. આપણી ભાષા, આપણા રીતરિવાજ, આપણા સમાજને સમૃદ્ધ કરવાનું મહાન કાર્ય કરતા હતા.

 

લગભગ 1990 સુધી ગુજરાતી રંગભૂમિ પર બાળનાટકો ભજવવાનું ચાલુ હતું.  કાળક્રમે એ લુપ્ત થવા માડ્યું.  આજે ગુજરાતી શાળાનાં બાળકો માત્ર ઍન્યુઅલ-  ડેના દિવસે એક દિવસ અંગ્રેજી ભાષામાં એકાદ નાનકડો સીન કરીને ખુશ થઈ જતાં હોય છે.

 આ સિવાય ગુજરાતી રંગભૂમિ પરથી બાળનાટકો ગાયબ છે. આજે અનેક ધંધાદારી નાટ્યનિર્માતાઓ ગુજરાતી નાટકોને પ્રેક્ષકો નથી મળતા એવી ફરિયાદ કરતા હોય છે. મરવાના વાંકે જીવી રહેલી ગુજરાતી રંગભૂમિ પણ આજે નહીં તો કાલે પ્રેક્ષકો આવશે, નાટ્યગૃહો છલકાઈ જશે તેવી આશામાં કોઈ ચમત્કારની રાહ જોઈ રહી છે, પરંતુ કોઈને મૂળ રોગ શું છે તે જાણવામાં રસ નથી. આજે મરાઠીમાં એક સાથે 15 કરતાં વધુ નાટકો ચાલી રહ્યાં છે, બીજી તરફ ગુજરાત અને મહારાષ્ટ્રને ભેગા કરો તોય ગુજરાતીમાં પાંચ સારાં નાટકો નથી બની રહ્યાં. નવા વિષયો પર જે રીતે મરાઠી ભાષામાં કામ થઈ રહ્યું છે તેવું ગુજરાતીમાં નથી થઈ રહ્યું એ એક કઠતી  હકીકત છે.

 

જાણીતા કલાકાર પરેશ રાવલે એક પોડકાસ્ટમાં ‘દેવબાભળી’ નામના એક મરાઠી નાટકના વિષય અંગે વાત કરી હતી, એ વિષયની વાત કરતાં જ પરેશ રાવલ જેવા દિગ્ગજ કલાકારના ચહેરા પર એક પ્રકારનો અહોભાવ ઝળકતો હતો તો બીજી તરફ અંદરના ખૂણે ક્યાંક ઈર્ષ્યા પણ સળવળે કે સાલું આવું ગુજરાતીમાં કેમ નહીં? આપણે ત્યાં અનેક સંપ્રદાયોની વાડાબંધી છે. જૈન શાળાઓમાં બાળકોને માત્ર જૈન સંપ્રદાયનું જ્ઞાન અપાય છે તો સ્વામીનારાયણ સંપ્રદાયની બાળસભાઓમાં માત્ર તેમની શિક્ષાપત્રી કે સંપ્રદાયની વાત જ શિખવાડવામાં આવે છે.  વૈષ્ણવ બાળસત્સંગ મંડળોમાં વૈષ્ણવો વિશે જ્ઞાન અપાય છે. આ સંપ્રદાયના સર્વેસર્વાઓ એક વાત ભૂલી જાય છે કે જો ગુજરાતી ભાષા જ નહીં ટકે તો આ સંપ્રદાયો કેટલા સમય સુધી ટકી શકશે? બીજી તરફ, મરાઠીમાં આ બાળકોને પહેલાં મરાઠીપણું શીખવાય છે બાદમાં કોઈ સંપ્રદાય કે ધર્મનું જ્ઞાન અપાય છે એટલે એ પ્રજા એટલીસ્ટ સાહિત્ય, સંસ્કૃતિની દૃષ્ટિએ તો આપણા કરતાં સમૃદ્ધ છે. જ્યારે આપણે ત્યાં ઊંધું છે, બાળકને બાળસભાઓમાં પોતપોતાના સંપ્રદાયનું જ્ઞાન અપાય છે, માતૃભાષાની કે આપણા સાહિત્ય-સંસ્કૃતિ અંગે કોઈ જાગરૂકતા નથી.

 

અહીં કોઈને ઉતારી પાડવાની વાત નથી, પરંતુ જે જાગૃત છે અને જે નિદ્રાવસ્થામાં છે તેની જ વાત છે. કેટલાક દાયકાઓ પહેલાં સુધી આવી કોઈ સમસ્યા નહોતી, આવનારા સમયમાં પણ કદાચ આ સમસ્યા નહીં હોય, જો આપણે સમયસર જાગી જાશું તો! 

 

આપણી ભાષા, આપણું સાહિત્ય ખૂબ જ સમૃદ્ધ છે, દીવાની જેમ ઝળહળે છે, પરંતુ દીવાની ચારેબાજુ જે કાળી મેશ લાગી ગઈ છે તે દૂર કરવાની તાતી જરૂર છે. હા, શરૂઆતમાં એ મેશ હટાવવાની શરૂઆત કરાનારના હાથ જરૂર દાઝશે, પરંતુ ત્યાર બાદ એ જ્યોત વધુ પ્રજ્વલિત થઈને અંધારુંં દૂર કરશે જ... માત્ર  જરૂર છે સૌથી પહેલાં એ હાથ દઝાડવાની શરૂઆત કોણ કરે છે તેની!