Fri Sep 04 2026

Logo

ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે અનેક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

2026-03-13 18:55:37
Author: Devayat Khatana
ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે અનેક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
ગુજરાતમાં માર્ચ મહિનામાં જ આકરી ગરમીની શરૂઆતથી આગામી ઉનાળાના દિવસોમાં પણ આવી જ ગરમી રહેશે તેવી ચિંતા લોકોમાં જાગી હતી. માર્ચ મહિનામાં રાજ્યના અનેક શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. આ દરમિયાન આગામી દિવસોમાં ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ૨ થી ૪ ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો થવાની શક્યતા છે, ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. ૧૪ થી ૧૭ માર્ચ સુધી સમગ્ર રાજ્યમાં હવામાન સૂકું રહેશે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજકોટ ૪૦.૬ ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું.

રાજ્યના અન્ય શહેરોમાં પણ ગરમીનો પારો ઊંચો રહ્યો હતો, જેમાં ભુજમાં ૩૯.૬ ડિગ્રી, અમરેલીમાં ૩૯.૫ ડિગ્રી અને સુરતમાં ૩૯.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ જોવા મળી હતી. બીજી તરફ, નલિયા ૧૬.૪ ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. 

આગામી અઠવાડિયાના અંતમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે, જેમાં ૧૮ માર્ચના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં હળવા વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. ત્યારબાદ ૧૯ માર્ચના રોજ વરસાદનો વ્યાપ વધી શકે છે, જેમાં ઉત્તર ગુજરાત ઉપરાંત વડોદરા, સુરત, ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના ભાગો અને રાજકોટ, અમરેલી, ભાવનગર જેવા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.