Sun Sep 06 2026

Logo

એપ્રિલમાં નહીં શેકાવું પડે! ગુજરાતમાં ગરમીના પારો ગગડશે, હવામાન વિભાગની મોટી આગાહી

2026-04-03 13:15:00
Author: Mayur Patel
એપ્રિલમાં નહીં શેકાવું પડે! ગુજરાતમાં ગરમીના પારો ગગડશે, હવામાન વિભાગની મોટી આગાહી

AI Generated Images


અમદાવાદ: માર્ચ મહિનામાં ગરમીના ભારે મિજાજ બાદ હવે આગામી દિવસોમાં ગુજરાતના લોકોને રાહત મળવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ એ એપ્રિલ મહિના તેમજ એપ્રિલ થી જૂન દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્યથી નીચું રહેવાની આગાહી કરી છે.

હવામાન વિભાગ મુજબ, એપ્રિલ 2026 દરમિયાન દેશના ઘણા ભાગોમાં માસિક મહત્તમ તાપમાન સામાન્યથી નીચે રહેવાની શક્યતા છે. જોકે, હવામાન વિભાગે એ પણ સંકેત આપ્યો છે કે એપ્રિલથી જૂન દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં હીટવેવના છૂટાછવાયા કિસ્સાઓ જોવા મળી શકે છે.

એપ્રિલમાં ગુજરાતમાં ક્યાં કેવું રહેશે હવામાન

હવામાન વિભાગ પ્રમાણે, કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં   મહત્તમ તાપમાન સામાન્ય કે તેથી નીચું રહેશે. જ્યારે સૌરાષ્ટ્રના પંથકમાં તાપમાન સામાન્ય કરતા થોડું ઊંચું રહી શકે છે.  સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઘણું વધારે, જ્યારે બાકીના ગુજરાતમાં થોડું વધારે રહેવાની શક્યતા છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હીટવેવ (લૂ) જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

માર્ચમાં હીટ વેવનો થયો હતો અનુભવ

અમદાવાદમાં માર્ચ મહિનામાં તાપમાનમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. 10 અને 11 માર્ચે મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા 7.2 ડિગ્રી વધુ હતું. ત્યારબાદ 20 માર્ચે હળવા વરસાદ પછી તાપમાન ઘટીને 31.4 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું. માત્ર 10 દિવસમાં તાપમાનમાં 10 ડિગ્રીનો આ તફાવત જોવા મળ્યો હતો. સમગ્ર માર્ચ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાન 35.8 ડિગ્રી (સામાન્ય કરતા 1.5 ડિગ્રી વધુ) અને સરેરાશ લઘુત્તમ તાપમાન 22.5 ડિગ્રી (સામાન્ય કરતા 3 ડિગ્રી વધુ) નોંધાયું હતું.
 
હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટાં અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં પણ મહત્તમ તાપમાન સામાન્ય કરતા નીચું રહેવાની ધારણા છે.