Fri May 01 2026

Logo

ગુજરાતની પ્રથમ જીત, મિલરને કારણે દિલ્હીએ હાથમાં આવેલી બાજી એક રનથી ગુમાવી

2026-04-09 00:02:07
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે અને ટી-20 મૅચમાં રોમાંચની ચરમસીમામાં કંઈ પણ પરિણામ આવી શકે અને એવું બુધવારે દિલ્હીમાં બન્યું હતું જેમાં દિલ્હી કૅપિટલ્સે હાથમાં આવેલી બાજી ગુમાવી હતી અને આ વખતે પહેલી વખત પરાજય જોયો હતો. ગુજરાત ટાઇટન્સ (20 ઓવરમાં 4/210)એ દિલ્હી કૅપિટલ્સ (20 ઓવરમાં 8/209) સામે રસાકસીભર્યા મુકાબલામાં વિજય મેળવ્યો હતો. ગુજરાત આ વખતે પહેલી વખત અને એ પણ એક રનથી જીત્યું. કે. એલ. રાહુલ (92 રન, બાવન બૉલ, ચાર સિક્સર, અગિયાર ફોર)ની લડાયક રમત એળે ગઈ હતી.

બૅટિંગ દરમ્યાન અધવચ્ચે ઘાયલ થતાં પૅવિલિયનમાં પાછો ગયેલો ડેવિડ મિલર (41 અણનમ, 20 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર) હાથની ઈજા થતાં પાછો રમવા આવ્યો હતો અને દિલ્હીને જિતાડી શકે એમ હતો, પણ પ્રસિદ્ધ ક્રિષ્નાની 20મી ઓવરના પાંચમા બૉલમાં જીતવા બે રન બાકી હતા, પણ મિલરે (અંતિમ બૉલમાં બે રન બનાવવાનું વિચારીને) એક રનની સંભાવના હોવા છતાં કુલદીપને પાછો મોકલ્યો હતો અને ક્રિષ્નાના અંતિમ બૉલમાં કુલદીપ વિકેટકીપર બટલરના હાથે રનઆઉટ થયો હતો. એ બૉલ વાઇડ હોવાની શંકા હતી, પણ એવું નહોતું અને દિલ્હીની ઇનિંગ્સ પરાજય સાથે સમેટાઈ હતી. રાશીદ ખાને ત્રણ, ક્રિષ્નાએ બે અને સિરાજે એક વિકેટ લીધી હતી.

BCCI

એ પહેલાં, વિપ્રજ નિગમે બે ફોરની મદદથી બનાવેલા 12 રન કરીને (પ્રસિદ્ધ ક્રિષ્નાની) 20મી ઓવરમાં વિકેટ ગુમાવી હતી.

ગુજરાત સામેની કપરી કસોટીવાળી હાઇ-સ્કોરિંગ મૅચમાં યજમાન દિલ્હી એક સમયે મોટી મુસીબતમાં મુકાઈ ગયું હતું, કારણકે કે. એલ. રાહુલ તથા સાથી ઓપનર પથુમ નિસાન્કા (41 રન) વચ્ચેની 76 રનની ઓપનિંગ પાર્ટનરશિપ પાણીમાં જઈ શકે એવી ભીતિ હતી. નિસાન્કા અને નીતીશ રાણા (પાંચ રન)ની વિકેટ ટૂંકા અંતરમાં પડી ગઈ ત્યાર બાદ પાછલી બે મૅચનો હીરો સમીર રિઝવી (0) બુધવારે પોતાના પહેલા જ બૉલમાં આઉટ થઈ ગયો હતો. સ્પિનર રાશીદ ખાને તેને ક્લીન બોલ્ડ કર્યો હતો.

BCCI

રાશીદે બે બૉલમાં રાણા અને રિઝવીને પૅવિલિયનમાં પાછા મોકલ્યા હતા. નિસાન્કાની વિકેટ પ્રસિદ્ધ ક્રિષ્નાએ લીધી હતી. ગુજરાત સામે દિલ્હીનો બૅટ્સમૅન ડેવિડ મિલર 13મી ઓવરમાં 12 રન પર હતો ત્યારે એક તબક્કે ડાઇવ મારીને ક્રીઝમાં પહોંચવા ગયો ત્યારે તેને હાથમાં ઈજા થઈ હતી જેને કારણે તે ત્યારે રિટાયર હર્ટ થયો હતો. તેણે થોડા કલાક પહેલાં ફીલ્ડિંગમાં પણ ડાઇવ મારી હતી એટલે તેને થોડી ઈજા ત્યારે પણ થઈ હોવાનું મનાય છે. તેની વિદાય બાદ અક્ષર પણ વિકેટ ગુમાવી બેઠો હતો. ટ્રિસ્ટેન સ્ટબ્સ (સાત રન)એ રનઆઉટમાં વિકેટ ગુમાવી અને પછી રાહુલને મોહમ્મદ સિરાજે વિકેટકીપર જૉસ બટલરના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.

એ પહેલાં, દિલ્હી સામે ગુજરાતે પ્રથમ બૅટિંગનો લાભ મળ્યો અને 20 ઓવરમાં ફક્ત ચાર વિકેટના ભોગે 210 રન કરીને યજમાન ટીમને 211 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો છે. ગરદનની ઈજામાંથી મુક્ત થઈને પાછા રમવા આવેલા કૅપ્ટન શુભમન ગિલે (70 રન, 45 બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર), જૉસ બટલર (બાવન રન, 27 બૉલ, પાંચ સિક્સર, ત્રણ ફોર) અને વૉશિંગ્ટન સુંદર (પંચાવન રન, 32 બૉલ, બે સિક્સર, છ ફોર)ના પર્ફોર્મન્સે દિલ્હી માટે જીતવું મુશ્કેલ બનાવી નાખ્યું એમ કહી શકાય. ઓપનર સુદર્શન (12 રન)ની વિકેટ બાદ ગિલ-બટલર વચ્ચે બીજી વિકેટ માટે 60 રનની અને ગિલ-સુંદર વચ્ચે ત્રીજી વિકેટ માટે 104 રનની પાર્ટનરશિપ થઈ હતી.