Wed Aug 19 2026

Logo

સુરત ઈકોનોમિક રિજિયનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે રૂપિયા 1185 કરોડના કામો મંજૂર...

2026-03-08 18:34:24
Author: Chandrakant Kanoja
Article Image

ગાંધીનગર : ગુજરાતમાં સુરત ઈકોનોમિક રિજિયન(SER)ના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે 1185 કરોડ રૂપિયાના કામોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  મંજૂરી આપી છે. સુરત ઈકોનોમિક રિજિયન (SER)માં સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે. આ વિસ્તારો રાજ્યના કુલ આર્થિક વિકાસમાં 35 ટકાથી વધુ યોગદાન આપે છે.

રિજનલ ઈકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર

રાજ્યના સર્વાગી વિકાસ માટે ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન- ગ્રીટની રચના કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈનોવેશન, ઇન્ડિવિજુઅલ અને ઇન્સ્ટિટ્યુશન આધારિત લાંબાગાળાના અને પરિણામલક્ષી વિકાસનું આયોજન કર્યુ છે.  ગ્રીટ દ્વારા રાજ્યના સર્વાગી અને સંતુલિત વિકાસ માટે 6 ગ્રોથ હબ વિકસાવવા દરેક ક્ષેત્રની જરૂરીયાત મુજબ ખુબ જ ટુંકા ગાળામાં જે રિજનલ ઈકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર થયા છે. તેમાં દક્ષિણ ગુજરાતના ગ્રોથ હબ તરીકે સુરત ઈકોનોમિક રિજિયન (SER)માટે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે સૌ પ્રથમ 1185 કરોડ રૂપિયાના કામો મંજૂર કરવામાં આવ્યા છે. 

સુરત, તાપી, વલસાડ, ભરૂચ અને નવસારી જિલ્લાને ફાયદો 

આ સ્ટ્રેટેજિક મલ્ટી ડિસ્ટ્રીક આર્થિક ક્ષેત્રના વિકાસ માટેના ઈકોનોમિક માસ્ટર પ્લાનથી અમૃતકાલ વિઝનને પાર પાડવાના મહત્વપૂર્ણ પરિબળ તરીકે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે SERના પાંચ જિલ્લાઓમાં કુલ 383 કિલોમીટરના 24 કામો માટે આ 1185 કરોડ મંજૂર કરવામાં આવ્યાં છે.આ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનના પરિણામે સુરત, તાપી, વલસાડ, ભરૂચ અને નવસારી જિલ્લાના મુખ્ય ઔદ્યોગિક હબ અને જી.આઇ.ડી.સી. વિસ્તારોને જોડતા માર્ગોની સુધારણા થવાથી લોજિસ્ટિક કાર્યક્ષમતા વધશે અને માલસામાન તથા શ્રમિકોની અવર-જવર વધુ સુગમ થશે. એટલું જ નહીં ટેક્સટાઇલ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના વિકાસને મજબૂતી મળશે.

કૃષિ ક્ષેત્રને વધુ પ્રોત્સાહન મળશે

SERમાં સમાવેશ થયેલા જિલ્લાઓમાં આ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનના કારણે ફીશરીઝ, હજીરા પોર્ટ, સુગર ફેક્ટરી, સુમુલ ડેરી, પાપડ ઉદ્યોગ, માઇનિંગ એન્ડ લિગ્નાઇટ પ્રોજેક્ટ જેવા વિવિધ ઉત્પાદન એકમો ધરાવતા ઔદ્યોગિક ક્ષેત્રને સીધો લાભ મળતો થશે.આ ઉપરાંત કડોદ, કડોદરા, જોલવા, માંગરોળ, કોસંબા અને તડકેશ્વર જેવા મહત્વના જી.આઇ.ડી.સી. વિસ્તારોની કનેક્ટિવિટી મજબૂત થવાથી ઔદ્યોગિક વિસ્તરણ દ્વારા વિકાસને પણ વેગ મળશે.રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટી અપગ્રેડેશનથી SERના જિલ્લાઓની ખેત પેદાશોના પરિવહનમાં ઝડપ આવશે અને ખેડૂતો પોતાના પાક ઉત્પાદનો તથા ચીજ વસ્તુઓ બજાર સુધી સરળતાથી પહોંચાડી શકશે તેમજ કૃષિ ક્ષેત્રને વધુ પ્રોત્સાહન મળશે.     
 
પ્રવાસન પ્રવૃતિઓને નવી દિશા મળશે

દક્ષિણ ગુજરાત પ્રદેશના સિધ્ધનાથ મહાદેવ, શબરીધામ, પાંડવગુફા, અંજનીકુંડ, સંજાણની પારસી અગિયારી જેવા ધાર્મિક સ્થળોએ આવનારા પ્રવાસીઓને આ સંગીન રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન વધુ સરળતા આપશે.આ ઉપરાંત મહાલના જંગલો, સાપુતારા, વિલ્સન હિલ જેવા ટુરિસ્ટ પ્લેસિસ અને ઇકો ટુરીઝમ સ્થળોએ પહોંચવું સુગમ બનવાથી સમગ્રતયા પ્રવાસન પ્રવૃતિઓને નવી દિશા મળશે.

રોજગાર સર્જનમાં વધારો થશે 

સુરત ઇકોનોમિક રિજિયનમાં મુખ્યત્વે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ, પેટ્રોકેમિકલ એન્ડ કેમિકલ, ટેક્સટાઇલ, ફિશરિઝ જેવા પરંપરાગત સેક્ટર્સ ઉપરાંત સેમિકન્ડક્ટર, ગ્રીનહાઇડ્રોજન, લોજિસ્ટિક્સ જેવા ઉભરતા ક્ષેત્રોના વિકાસની નવી તકો આ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનથી ઊભી થશે. આના પરિણામે યુવાશક્તિને મોટાપાયે રોજગાર સર્જનના અવસરો મળતા થશે