Thu May 14 2026

Logo

ગુજરાતમાં RTO સેવાઓ ખોરવાઈ: 'પરિવહન' પોર્ટલનું સર્વર ઠપ થતા વાહન નોંધણી અને ટેક્સની કામગીરી અટકી

2026-05-14 19:31:39
Author: Vimal Prajapati
Article Image

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારના 'પરિવહન' (Parivahan) પોર્ટલના સર્વરમાં છેલ્લા 2-3 દિવસથી ટેકનિકલ ખામી સર્જાવાને કારણે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સહિત ગુજરાતમાં પણ પરિવહન સેવાઓ આંશિક રીતે પ્રભાવિત થઈ છે. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) દ્વારા સિસ્ટમની કાર્યક્ષમતા વધારવા માટે ક્લાઉડ સર્વરને નવા પ્લેટફોર્મ પર અપગ્રેડ અને સ્થળાંતર કરવાની રાષ્ટ્રીય કક્ષાની કામગીરી ચાલી રહી હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે.

ટેકનિકલ સમસ્યાઓ આવતા લોકો અટવાયા

સર્વર અપગ્રેડેશનની પ્રક્રિયા દરમિયાન ટેકનિકલ સમસ્યાઓ ઉભી થતા રાજ્યભરની આરટીઓ (RTO) કચેરીઓમાં વાહન નોંધણી, ટેક્સ ભરપાઈ અને અન્ય ઓનલાઈન સેવાઓ મેળવવામાં નાગરિકો તેમજ ડીલરોને મુશ્કેલી પડી રહી છે. NIC અને સંબંધિત ટેકનિકલ ટીમો દ્વારા આ સમસ્યાના ઝડપી નિરાકરણ માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ તમામ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવશે તેમ વાહન વ્યવહાર કમિશનરની યાદીમાં જણાવાયું છે. 

રાજ્યની તમામ RTO કચેરીઓને સૂચના

યાદીમાં વધુમાં જણાવાયું છે કે, રાજ્યની તમામ RTO કચેરીઓને સૂચના આપવામાં આવી છે કે જે અરજદારોની એપોઇન્ટમેન્ટ અગાઉથી બુક થયેલ છે, તેમને જરૂરિયાત મુજબ રી-શેડ્યૂલ કરી આપવામાં આવે અને નાગરિકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે. ટેકનિકલ કારણોસર સર્જાયેલી આ અસુવિધા બદલ વિભાગ દ્વારા ખેદ વ્યક્ત કરવામાં આવ્યો છે અને નાગરિકોને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

ક્યારે શરૂ થશે સેવાઓ?

NIC અને ટેકનિકલ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સર્વર રિપેરિંગની કામગીરી ચાલી રહી છે. વિભાગ દ્વારા આ અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરવામાં આવ્યો છે અને ખાતરી આપવામાં આવી છે કે ટૂંક સમયમાં જ તમામ ઓનલાઈન સેવાઓ રાબેતા મુજબ કાર્યરત થઈ જશે.