Thu Aug 27 2026

Logo

રાજ્યસભા ચૂંટણી: ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યસભામાં કોંગ્રેસ 'શૂન્ય', ભાજપની 'જીત' નક્કી

2026-06-04 18:14:45
Author: Devayat Khatana
રાજ્યસભા ચૂંટણી: ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યસભામાં કોંગ્રેસ 'શૂન્ય', ભાજપની 'જીત' નક્કી

પીએમ મોદીના પ્રવાસ બાદ ભાજપ ઉમેદવારોના નામ જાહેર કરશે; વિપક્ષ પાસે સંખ્યાબળ ન હોવાથી ભાજપની બિનહરીફ જીત નિશ્ચિત

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ
ગુજરાતમાંથી રાજ્યસભાની 4 બેઠકો ખાલી થઈ રહી છે, જેના માટે આગામી 18 જૂનના રોજ મતદાન થવાનું છે. આગામી 8મી જૂનના રોજ ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ છે, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત અને દમણના પ્રવાસે હોય ત્યારે તેમના પ્રવાસ બાદ ભાજપ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. 

ભાજપના સંસદીય બોર્ડ દ્વારા ઉમેદવારોના નામ નક્કી કરી લેવાયા છે અને ફોર્મ ભરવાની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ભાજપ પાસે જીત માટે જરૂરી સંખ્યાબળ કરતાં વધુ ધારાસભ્યો હોવાથી તેમની ચારેય બેઠકો પર જીત નિશ્ચિત માનવામાં આવે છે, જેના કારણે વિપક્ષી દળો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો ઉભા રાખે તેવી શક્યતા નહીવત છે.

ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે, જેમાંથી એક બેઠક ખાલી હોવાથી હાલ 181 સભ્યો છે. સંખ્યાબળની દૃષ્ટિએ જોઈએ તો, ભાજપ પાસે 161, કોંગ્રેસ પાસે 12, આમ આદમી પાર્ટી પાસે 4 અને બે અપક્ષ ધારાસભ્યો છે. કોંગ્રેસ પાસે ઉમેદવારી કરવા પૂરતું સંખ્યાબળ નહીં હોવાથી ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીત નિશ્ચિત છે. 

આ ચૂંટણી સાથે જ ગુજરાત રાજ્યની સ્થાપના બાદ પ્રથમ વખત એવું બનશે કે રાજ્યસભામાં ગુજરાતમાંથી કોંગ્રેસનો એક પણ સભ્ય નહીં હોય, લોકસભામાં માત્ર બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરે છે. હાલમાં કોંગ્રેસના એકમાત્ર રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે, જ્યારે ભાજપના નરહરિ અમીન, રામભાઈ મોકરિયા અને રમીલાબેન બારાનો કાર્યકાળ પણ પૂરો થઈ રહ્યો છે. 

એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ પોતાના વર્તમાન ત્રણ સાંસદોમાંથી કોઈને ફરીથી તક આપે તેવી શક્યતા ઓછી છે. જો ભાજપ ચારેય બેઠકો પર સ્થાનિક નેતાઓને પસંદ કરશે, તો સામાજિક સમીકરણોને સાધવા માટે એક પાટીદાર, એક ઓબીસી, એક એસસી અથવા એસટી અને એક મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટી જમીની સ્તર પર સંગઠનને મજબૂતી આપતા ચહેરાઓને પ્રાધાન્ય આપી શકે છે.