Mon Oct 05 2026

Logo

ગુજરાતના 200 તાલુકાઓમાં વરસાદ થયો; કપરાડા અને બરવાળામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

2026-09-13 22:29:09
Author: Vimal Prajapati
ગુજરાતના 200 તાલુકાઓમાં વરસાદ થયો; કપરાડા અને બરવાળામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

@mgvimal_12


(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ ગુજરાતના ખેડૂતો કેટલાય દિવસથી વરસાદની રાહ જોઈ રહ્યાં હતાં. તેવામાં આજે સવારે 6 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યાં સુધીમાં રાજ્યના 200 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે આજે સવારે 6:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી રાજ્યના વિવિધ તાલુકાઓમાં વ્યાપક વરસાદ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે મેઘમહેર જોવા મળી છે, જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 3.35 ઇંચ વરસાદ ખાબક્યો છે.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધારે વરસાદ નોંધાયો
 
વધારે વિગતે વાત કરવામાં આવે તો, બોટાદના બરવાળામાં 3.27 ઇંચ, નવસારીના વાંસદામાં 3.19 ઇંચ, વલસાડના ધરમપુરમાં 3.19 ઇંચ અને સુરતના અંબિકા વિસ્તારમાં 2.6 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે વલસાડના નાનાપોંઢા 2.52 ઇંચ અને નર્મદાના ગરુડેશ્વરમાં 2.48 ઇંચ વરસાદ નોંધાયો છે.  રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ 2 ઇંચથી વધુ વરસાદ થયો હતો. જેમાં દાહોદમાં 2.32 ઇંચ, ખેડામાં 2.28 ઇંચ, મહેસાણાના બેચરાજીમાં 2.17 ઇંચ, વલસાડના વાપીમાં 2.17 ઇંચ, નર્મદાના દેડિયાપાડામાં 2.13 ઇંચ અને નવસારીમાં 2.09 ઇંચ વરસાદ વરસ્યો છે.

ઉત્તર ગુજરાતના તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો

આ સિવાય બોટાદના રાણપુરમાં 2.05 ઇંચ, સુરતના ઉમરપાડામાં 1.97 ઇંચ તથા અમદાવાદના ધંધુકામાં 1.93 ઇંચ અને ખેડાના માતરમાં 1.89 ઇંચ વરસાદ નોંધાયો છે. આંકડા પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધું હતું, જ્યારે બપોર પછી ખેડા, બોટાદ, અમદાવાદ અને મહેસાણા સહિતના મધ્ય અને ઉત્તર ગુજરાતના તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો. અમદાવાદમાં પણ આજે સારો એવો વરસાદ નોંધાયો છે. 

સરદાર સરોવર નર્મદા ડેમમાં 93.72 ટકા ભરાયો

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં અત્યારે 3,13,099 એમસીએફટી એટલે કે 93.72 ટકા પાણીનો સંગ્રહ છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયમાં કુલ ક્ષમતાના 65.42 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતના કુલ 17 ડેમમાં 100 ટકા પાણી સંગ્રહ, 1 ડેમ 70 ટકાથી વધુ પાણી સંગ્રહ અને 25 ડેમમાં 50 ટકા થી 70 ટકા પાણીનો સંગ્રહ થયો છે. અત્યારે ધાતરવડી, પિગુત, ઢોલી, કેલિયા, જૂજ, લાલપરી અને દોસવાડા સહિત રાજ્યના 34 ડેમ માટે હાઈ એલર્ટ પર છે.  આ સાથે 11 ડેમ એલર્ટ પર છે, જ્યારે 13 ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.