Sat Apr 18 2026

Logo

ગુજરાત પોલીસની સફળતા, બે વર્ષમાં જૂનાગઢ-ગીર સોમનાથમાં ગુમ થયેલા 198 માંથી 196 બાળકો શોધી લેવાયા

2026-03-09 19:38:45
Author: Chandrakant Kanojia
Article Image

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ખાતે સભ્ય દ્વારા ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ગુમ થયેલ બાળકો-મહિલાઓ અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં રાજ્ય મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં જૂનાગઢ-ગીર સોમનાથમાં ગુમ થયેલા 198 માંથી 196 બાળકો શોધીને તેના પરિવારને સોંપવામાં આવ્યા છે. જે પોલીસ તંત્રની મોટી સફળતા છે. 

ગીર સોમનાથના  46  બાળકોને શોધીને પરિવારને સોંપાયા 

આ અંગે વધુ માહિતીમાં આપતા તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં જૂનાગઢ જિલ્લામાં 152  બાળકો અને ગીર સોમનાથ જિલ્લામાં 46 બાળકો ગુમ થયાની ફરિયાદ મળી હતી. પોલીસ તંત્ર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના તમામ 46  બાળકોને શોધીને તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. તેવી જ રીતે, જૂનાગઢ જિલ્લાના પણ 150 બાળકોને શોધીને તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. જ્યારે, અન્ય 2 બાળકોની શોધખોળ હાલમાં ચાલી રહી છે.

પોલીસ તંત્ર અત્યંત સંવેદનશીલ

રાજ્ય મંત્રી  વેકરીયાએ જણાવ્યું હતું કે,  એક પરિવાર માટે તેમનું બાળક જીવનની મૂડી સમાન હોય છે. આવા નાના બાળકો વિખુટા પડે, ત્યારે તેમના પરિવાર પર આભ ફાટી પડે છે. આ વિષયની ગંભીરતાને ધ્યાને રાખીને ગુજરાતનું પોલીસ તંત્ર ગુમ થયેલા બાળકો અને મહિલાઓના કિસ્સામાં અત્યંત સંવેદનશીલતા અને ત્વરિતતાથી કામગીરી કરી રહ્યું છે અને તેના સારા પરિણામો પણ મળી રહ્યા છે. 


મંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ ગુમ થાય ત્યારે શરૂઆતના 24 કલાકને 'ગોલ્ડન અવર્સ' ગણવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ફરિયાદ દાખલા કરવામાં આવે તો, પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે CCTV ફૂટેજની તપાસ, સોશિયલ મીડિયાનો ઉપયોગ, મોબાઈલ CDR ટ્રેકિંગ તેમજ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને હાઈવે પર નાકાબંધી કરીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે.

મિશન વાત્સલ્ય પોર્ટલ'નો ગુજરાત દ્વારા અસરકારક ઉપયોગ

આ ઉપરાંત બાળકોને પોતાના પરિવાર સાથે મિલન કરાવવા માટે ભારત સરકારના 'મિશન વાત્સલ્ય પોર્ટલ'નો પણ ગુજરાત દ્વારા અસરકારક ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પણ કોઈ બિનવારસી બાળક મળી આવે, ત્યારે તેનો ફોટો પોર્ટલ પર અપલોડ કરવામાં આવે છે, જે સિસ્ટમ આપમેળે ગુમ થયેલા બાળકોના ડેટા સાથે મેચ કરે છે. 

ચાઈલ્ડ ક્રાઈમ રેટમાં ગુજરાત દેશમાં 27માં ક્રમે

નોંધનીય છે કે, નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના વર્ષ 2023ના આંકડા પ્રમાણે ગુજરાતમાં બાળકો સામેના ગુનાઓ એટલે કે, ચાઈલ્ડ ક્રાઈમ રેટ અન્ય રાજ્યોની સરખામણીએ ખૂબ જ ઓછો છે. ચાઈલ્ડ ક્રાઈમ રેટમાં ગુજરાત દેશમાં 27માં ક્રમે, એટલે કે, એકદમ તળિયે છે, જે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા, પોલીસ તંત્રની સતર્કતા અને રાજ્યમાં સુરક્ષાની સુદ્રઢ સ્થિતિ દર્શાવે છે.