Mon Sep 07 2026

Logo

રાજ્યની 7 મહાનગરપાલિકા અને 160 નગરપાલિકાઓ ઓનલાઈન આરટીઆઈ પોર્ટલ સાથે જોડાઈ

2026-05-23 17:31:34
Author: Devayat Khatana
રાજ્યની 7 મહાનગરપાલિકા અને 160 નગરપાલિકાઓ ઓનલાઈન આરટીઆઈ પોર્ટલ સાથે જોડાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
માહિતીનો અધિકાર (આરટીઆઈ) લાગુ થયા બાદ અનેક વર્ષોના વિલંબ અને વહીવટી અવરોધો પછી, હવે ગુજરાતની સાત મહાનગર પાલિકાઓ અને 160 નગરપાલિકાઓ રાજ્યના ઓનલાઈન આરટીઆઈ પોર્ટલમાં જોડાઈ ગઈ છે, જેનાથી નાગરિકો સ્પીડ પોસ્ટ સેવાઓ પર આધાર રાખ્યા વિના કે સરકારી કચેરીઓની મુલાકાત લીધા વિના ડિજિટલ રીતે માહિતી અધિકાર અરજીઓ ફાઇલ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ  2018 માં રાજ્યમાં ઓનલાઈન આરટીઆઈ સિસ્ટમ દાખલ કરવાની માંગ ઉઠી હતી. આ અંગે સરકાર તરફથી ખાસ પ્રતિભાવ ન મળતાં, ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેના પરિણામે પાંચેક વર્ષ પહેલા મર્યાદિત ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું.

જોકે, આરંભે પોર્ટલમાં ફક્ત 27 સચિવાલય વિભાગો જ આવરવામાં આવ્યા હતા, જેના કારણે જિલ્લા અને તાલુકા કક્ષાની કચેરીઓ તેના કાર્યક્ષેત્રની બહાર રહી ગઈ હતી. જો કે હવે વર્ષો બાદ શહેરી વિકાસ વિભાગે પુષ્ટિ આપી હતી કે તમામ નગરપાલિકાઓ અને સાત મ્યુનિસિપલ કોર્પોરેશનોને પોર્ટલમાં એકીકૃત કરવામાં આવ્યા છે. દરમિયાન, ગૃહ વિભાગે પોલીસ મહાનિરીક્ષક કચેરીઓને પોલીસ એકમોને ઓનલાઈન સિસ્ટમમાં લાવવા સૂચના આપી છે. જોકે, જિલ્લા અને તાલુકા પંચાયતોના સમાવેશ અંગે હજુ પણ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.