અમદાવાદઃ હવામાન ખાતાની આગાહી પ્રમાણે, રાજ્યમાંથી મેઘરાજ વિદાય લેતા પહેલા ફરી એક વખત જમાવટ કરશે. રાજ્યમાં હજુ એક સપ્તાહ સુધી ચોમાસું સક્રિય રહેશે. આગાહી પ્રમાણે, આજે દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક અને ભારે વરસાદ પડવાની સંભાવના છે. સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ તેમજ દાદરા અને નગર હવેલીમાં ગાજવીજ અને પવન સાથે મેઘરાજા મન મૂકીને વરસશે તેવી ચેતવણી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર પંથકમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

39 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ રાજ્યમાં આજે સવારે 6 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. 4 તાલુકામાં 2 ઇંચથી વધારે, 4 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો. 39 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.
ગીર સોમનાથના ઉનામાં સૌથી વધુ 2.72 ઇંચ, અમરેલીના રાજુલામાં 2.60 ઇંચ,પોરબંદરના રાણાવાવમાં 2.46 ઇંચ, નવસારીના ખેરગામમાં 2.24 ઇંચ વરસાદ વરસ્યો હતો. ધરમપુરમાં 1.18 ઇંચ, ગારિયાધારમાં 1.18 ઇંચ, હાંસોટમાં 1.14 ઇંચ, જામજોધપુરમાં 1.02 ઇંચ, નાનાપોંઢામાં 0.98 ઇંચ, કેશોદમાં 0.94 ઇંચ, ગોંડલમાં 0.83 ઇંચ, મહુવા (ભાવનગર)માં 0.83 ઇંચ, નેત્રંગમાં 0.83 ઇંચ, ગણદેવીમાં 0.79 ઇંચ, તાલાલામાં 0.75 ઇંચ, બોટાદમાં 0.75 ઇંચ, કપરાડામાં 0.71 ઇંચ વરસાદ નોંધાયો હતો.
અમદાવાદમાં કેવું રહેશે હવામાન
હવામાના ખાતાના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં દિવસ દરમિયાન ઉઘાડ સાથે ભેજવાળું વાતાવરણ રહેશે, પરંતુ બપોર બાદ કે સાંજના સમયે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે.
અંબાલાલે શું કરી છે આગાહી
રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, નવરાત્રિની શરૂઆતના દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. જેના કારણે ખુલ્લા મેદાનોમાં યોજાતા ગરબાના કાર્યક્રમોમાં વિક્ષેપ પડી શકે છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. ત્યારબાદ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 36થી 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી શક્યતા હોવાથી ગરમી અને બફારાનો અનુભવ થઈ શકે છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 27 સપ્ટેમ્બરથી સૂર્ય હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે, જેના કારણે હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. 5 ઓક્ટોબર સુધી રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદી માહોલ રહી શકે છે. નવરાત્રિની શરૂઆતમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે વરસાદ પણ પડી શકે છે. ખાસ કરીને ખુલ્લા મેદાનોમાં યોજાતા ગરબા કાર્યક્રમો માટે વરસાદી ઝાપટાં મુશ્કેલી ઊભી કરી શકે છે.