ગાંધીનગરઃ ગુજરાતમાં થોડા દિવસ પહેલા આઈએએસ કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી હતી, જેમાં એક નામ હતું આઈએએસ રવિન્દ્ર ખટાલે. રવિન્દ્ર ખટાલે (IAS) ગુજરાત કેડરના 2016 બેચના અધિકારી છે, જેમને હાલમાં ગાંધીનગરના નવા કલેક્ટર તરીકે ચાર્જ આપવામાં આવ્યો છે. આ પહેલા તેઓ મહેસાણા મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા આપી ચૂક્યા છે. આઈએએસ રવિન્દ્ર ખટાલે મૂળ મહારાષ્ટ્રના ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમને ગાંધીનગરના કલેક્ટર બનાવવામાં આવ્યાં તેને લઈને મહારાષ્ટ્રમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
ખેડૂત પરિવારમાંથી આવે છે રવિન્દ્ર ખટાલે
આઈએએસ રવિન્દ્ર ખટાલેને ગાંધીનગરના કલેક્ટર બનાવવામાં આવ્યાં તેમાં મહારાષ્ટ્રમાં તેમના ગામમાં ખુશીનો માહોલ છવાયો છે. રવિન્દ્ર ખટાલે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સિન્નાર તહસીલના એક નાના ગામના વતની છે. રવિન્દ્ર ખટાલે સિન્નાર તહસીલના પટોલે ગામમાં રહેતા ખેડૂત જ્ઞાનેશ્વર ખટાલેના પુત્ર છે. તેમનો પરિવાર મૂળ ખેતી સાથે સંકળાયેલો છે. એક ખેડૂતોને દીકરો જ્યારે કોઈ જિલ્લાનો કલેક્ટર બને ત્યારે તેના પરિવારમાં તો ખુશીનો માહોલ હોય જ છે પરંતુ સાથે સાથે તેના આખા ગામ, તાલુકા અને જિલ્લાના લોકો ગૌરવ અનુભવે છે.
2016 બેચના IAS અધિકારી છે રવિન્દ્ર ખટાલે
IAS રવિન્દ્ર ખટાલેના અભ્યાસક્રમમની વાત કરવામાં આવે તો તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગમાં બી.ઈ. ડિગ્રી મેળવી છે. UPSC પરીક્ષા સફળતાપૂર્વક પાસ કર્યા પછી, તેમને ગુજરાત કેડરમાં નિયુક્ત કરવામાં આવ્યા હતાં. 2016 બેચના IAS અધિકારી તરીકે, તેમણે ગીર સોમનાથમાં જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને અમદાવાદમાં નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર તરીકે સેવા આપી છે. હવે તેમના ગુજરાતના ગાંધીનગરના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
गांधीनगर येथे महत्त्वाची जबाबदारी सिन्नरच्या सुपुत्राकडे…!
— Manikrao Shivajirao Kokate (@kokate_manikrao) March 31, 2026
आपल्या पाटोळे गावचे सुपुत्र श्री. रवींद्र खताळे यांची गुजरातची राजधानी, अर्थात गांधीनगर येथे जिल्हाधिकारीपदी नियुक्ती झाल्याची बातमी ऐकून संपूर्ण सिन्नरचा उर अभिमानाने भरून आला आहे. शेतकरी कुटुंबातून पुढे येत… pic.twitter.com/SQz9MIvuRI
આઈએએસ રવિન્દ્ર ખટાલે ગાંધીનગરના કલેક્ટર બન્યા એટલે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન માણિકરાવ કોકાટેએ તેમની નિમણૂક પર ખુશી વ્યક્ત કરી હતી.. એક્સ પર પોસ્ટ કરતા માણિકરાવ કોકાટેએ લખ્યું હતું કે, ગાંધીનગરમાં સિન્નારના દીકરાને એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. અમારા ગામના પુત્ર રવિન્દ્ર ખટાલેને ગુજરાતની રાજધાની ગાંધીનગરના જિલ્લા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તે સમાચાર જાણીને સિન્નરનો આખો પ્રદેશ ગર્વ અનુભવી રહ્યો છે. ખેડૂત પરિવારમાંથી આવતા આ દીકરાએ દેશના સર્વોચ્ચ વહીવટી પદોમાંથી એક પ્રાપ્ત કર્યું છે, નિસંદેહપણે ખરેખર પ્રેરણાદાયક સિદ્ધિ છે.