Fri May 01 2026

Logo

CM ભૂપેન્દ્ર પટેલે યોજી હાઈલેવલ બેઠક, સપ્લાય ચેઇન અને વિતરણ વ્યવસ્થાની કરી સમીક્ષા

2026-03-28 14:39:00
Author: MayurKumar Patel
Article Image

 ગુજરાત દેશમાં સૌથી વધુ 23% પીએનજી કનેક્શન ધરાવતું રાજ્ય, 10 દિવસમાં 12,000થી વધુ નવા કનેકશન અપાયા

ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેશના રાજ્યો સાથે કરેલી વીડિયો કોન્ફરન્સ બાદ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ, ખાતર અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના જથ્થા તથા વિતરણ વ્યવસ્થાની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ગુજરાતમાં હાલમાં ગેસ, પેટ્રોલ, ડીઝલ અને ફર્ટીલાઇઝરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ભવિષ્યમાં પણ સપ્લાય જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારે આગોતરું આયોજન કર્યું છે. મુખ્ય પ્રધાને ચીજવસ્તુઓની સંગ્રહખોરી કે કાળાબજાર કરનારાઓ સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના આપી હતી.

PNG કનેક્શનમાં તેજી

કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ રાજ્યમાં નવા પીએનજી (PNG) કનેક્શન આપવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે. છેલ્લા 10 દિવસમાં જ 12,000 નવા ડોમેસ્ટિક અને 300 કોમર્શિયલ કનેક્શન અપાયા છે. મુખ્યમં પ્રધાને રહેણાંક વિસ્તારોની સાથે શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલોને પ્રાથમિકતા આપવા નિર્દેશ આપ્યા છે. નોંધનીય છે કે, ગુજરાત દેશમાં સૌથી વધુ 23% પીએનજી કનેક્શન ધરાવતું રાજ્ય છે.

ખેડૂતો અને શ્રમિકોનું હિત

ખેડૂતોને ખરીફ સીઝન માટે ખાતરની કોઈ સમસ્યા ન રહે તેવું આયોજન કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, વૈશ્વિક સ્થિતિને કારણે શ્રમિકોને આર્થિક મુશ્કેલી ન પડે તે માટે તેમના મહેનતાણાની સમયસર ચુકવણી થાય તે સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગોને આદેશ અપાયા છે.

નવી સમિતિઓની રચના

જિલ્લાઓમાં સપ્લાય ચેઇન જાળવી રાખવા માટે મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને 'સ્ટેટ લેવલ કોર્ડીનેશન કમિટી' અને જિલ્લા સ્તરે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમિતિઓની રચના કરવાનો નિર્ણય લેવાયો છે. વળી, વિદેશમાં રહેતા બિનનિવાસી ગુજરાતીઓની મદદ માટે એક ખાસ હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે.