Tue Sep 29 2026

Logo

ખેડૂતો આનંદોઃ  લૉ પ્રેશર સક્રિય થતાં આ તારીખથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

2026-09-11 08:34:00
Author: Mayur Patel
ખેડૂતો આનંદોઃ  લૉ પ્રેશર સક્રિય થતાં આ તારીખથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામી રહ્યો છે.  બંગાળની ખાડીમાં સર્જાયેલા લૉ પ્રેશર સહિત એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડની સત્તાવાર આગાહી કરવામાં આવી છે. આગામી 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી ભારે અને કેટલાક સ્થળોએ અતિભારે વરસાદની શક્યતાને પગલે તંત્ર દ્વારા યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 11 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.  સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડતા ધરતી પુત્રો ખુશ ખુશાલ થઈ ગયા હતા. અમરેલીના લીલીયામાં સૌથી વધુ એક ઇંચ વરસાદ નોંધાયો હતો. કલ્યાણપુરમાં 0.31 ઇંચ, ઉપલેટામાં 0.28 ઇંચ, ભાણવડમાં 0.24 ઇંચ, ધરમપુરમાં 0.20 ઇંચ, રાણાવાવમાં 0.12 ઇંચ, લાલપુરમાં 0.12 ઇંચ, કપરાડામાં 0.08 ઇંચ, દ્વારકામાં 0.08 ઇંચ, નાનાપોંઢામાં 0.04 ઇંચ, માંડવી(કચ્છ)માં 0.04 ઇંચ વરસાદ નોંધાયો હતો.

સુકાતા પાક વચ્ચે જગતના તાતને મોટો આશરો

ચોમાસાની ધમાકેદાર શરૂઆત બાદ અચાનક વરસાદ ખેંચાતાં ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી. હાલ રાજ્યમાં સરેરાશ વરસાદની લગભગ 28 ટકા જેટલી ઘટ નોંધાઈ છે. વરસાદના લાંબા વિરામને કારણે ખેતરોમાં વાવેલો પાક સુકાવા લાગ્યો હતો અને ધરતીપુત્રો આકાશ તરફ મીટ માંડીને બેઠા હતા. આવા કપરા સમયે હવામાન વિભાગની આ નવી આગાહી ખેડૂતો માટે સંજીવની સમાન સાબિત થઈ છે. હવે થનારો વરસાદ માત્ર ગરમી અને બફારામાંથી રાહત નહીં આપે, પરંતુ મુરઝાતા પાક માટે અમૃત બનશે.

https://bombaysamachar.com/uploads/fileUploads/1789095988-EPEFUW.pdf

તારીખ મુજબ વરસાદનું અનુમાન

12 સપ્ટેમ્બર: અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર અને અમરેલી સહિત પૂર્વ, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે.

13 સપ્ટેમ્બર: રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં મુશળધાર વરસાદના પગલે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.

14 સપ્ટેમ્બર: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર વધશે. ભાવનગર, અમરેલી, નવસારી, ડાંગ અને સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદના પગલે ઓરેન્જ એલર્ટ, જ્યારે રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

15 સપ્ટેમ્બર: સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે.

માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

દરિયામાં ભારે પવન અને કરંટ રહેવાની શક્યતા હોવાથી વહીવટી તંત્ર દ્વારા 13 અને 14 સપ્ટેમ્બર દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

બીજી તરફ, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે આગામી 72 કલાકમાં વાતાવરણમાં મોટો પલટો આવશે. મધ્ય, દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે, જેનાથી સુકાઈ રહેલા પાકને નવજીવન મળશે.