Wed Sep 30 2026

Logo

ડૉક્ટરનું અપહરણ અને લૂંટનો ભેદ ઉકેલાયો! બોગસ પોલીસ અને પત્રકાર ઝડપાયા

2026-09-29 11:11:00
Author: Mayur Patel
ડૉક્ટરનું અપહરણ અને લૂંટનો ભેદ ઉકેલાયો!  બોગસ પોલીસ અને પત્રકાર ઝડપાયા

ગીર સોમનાથઃ ઉના તાલુકાના મેણ ગામે તબીબના અપહરણ અને લૂંટના ચકચારી કેસમાં પોલીસે 10 દિવસમાં મોટો ભેદ ઉકેલી નાખ્યો હતો
ગયા સપ્ટેમ્બરે ઉનાના મેણ ગામે તબીબ નફિસ સુમરાનું અપહરણ કરી તેમની સ્વિફ્ટ કાર કબજે કરવામાં આવી હતી અને 10 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી હતી. આરોપીઓ પોલીસ અને પત્રકારના સ્વાંગમાં આવીને તબીબને નિશાન બનાવ્યા હતા. જોકે, ગામલોકોએ પીછો કરતા આરોપીઓ ડૉક્ટરને રસ્તામાં જ છોડીને નાસી છૂટ્યા હતા અને 11 હજાર રૂપિયાની લૂંટ ચલાવી હતી. 

 આ કેસની તપાસ દરમિયાન ફરિયાદીના સગા ભત્રીજા અલ્કેશ સુમરા સહિત સ્થાનિક અને બહારના લોકોની સંડોવણી સામે આવી હતી. ગીર સોમનાથ એલસીબી પોલીસે અમદાવાદના ચાંદલોડિયાના કૌશિક પંચાલ અને મહેસાણાના મિતેશ ઉર્ફે મોન્ટુ ડાભી સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરી હતી. આ સમગ્ર કારસ્તાનનો મુખ્ય સૂત્રધાર ઉનાના નદીમ સિદ્દીક કાતરિયાને ગણવામાં આવ્યો છે, જ્યારે એક યુવતી સહિત 3 આરોપીઓ હજુ ફરાર છે. 

 

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, કૌશિક પંચાલના મોબાઈલમાંથી પોલીસના બોગસ આઈડી મળ્યા હતા અને મિતેશ ઉર્ફે મોન્ટુ ડાભી બોગસ પત્રકાર બનીને ફરતો હતો. આરોપીઓએ અગાઉ પણ બોગસ પોલીસ અને પત્રકાર બનીને લોકોને બ્લેકમેઈલ કર્યા હતા કે કેમ તેની તપાસ શરૂ કરી છે. હાલ તમામ પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.