Mon Oct 05 2026

Logo

અમદાવાદ સહિત 10 શહેરોમાં GSTના દરોડા: કાચી ચિઠ્ઠી પર ચાલતો કરોડોનો વેપાર પકડાયો

2026-07-11 13:20:00
Author: Mayur Patel
અમદાવાદ સહિત 10 શહેરોમાં GSTના દરોડા: કાચી ચિઠ્ઠી પર ચાલતો કરોડોનો વેપાર પકડાયો

અમદાવાદઃ ગુજરાતમાં જીએસટી વિભાગે 41 સ્થળો પર દરોડા પાડીને કરોડો રૂપિયાની કરચોરી ઝડપી હતી. દરોડા દરમિયાન અમદાવાદ સહિત 10 શહેરમાં કાચી ચિઠ્ઠી પર ચાલતો કરોડોને વેપાર પકડાયો હતો.  ગુજરાત રાજ્ય કર વિભાગ દ્વારા ઉત્તર અને મધ્ય ગુજરાતના 27 વેપારીઓ સાથે સંકળાયેલા 41 સ્થળો પર દરોડા પાડીને આશરે રૂ.6.54 કરોડની કથિત જીએસટી ચોરી ઝડપી પાડવામાં આવી હતી.

જીએસટી વિભાગ દ્વારા અમદાવાદ, ડીસા, પાલનપુર, પાટણ, બેચરાજી, રાધનપુર, વિસનગર, ઊંઝા, મહેસાણા અને બાવળામાં આવેલા વેપારીઓના પરિસરોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જીએસટી ઈન્વોઈસ  આપ્યા વિના જ કેટલાક વેપારીઓ છૂટક વેચાણ કરી રહ્યા હોવાની ચોક્કસ બાતમી વિભાગને મળી હતી, જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. 

સૂત્રોના જણાવ્યા મુજબ,  આ વેપારીઓ ટેક્સેબલ ટર્નઓવર છુપાવવા માટે સત્તાવાર બિલને બદલે અનૌપચારિક 'કાચી ચિઠ્ઠી' નો ઉપયોગ કરીને વ્યવહારોની નોંધ રાખતા હતા. આ વેપારીઓ મુખ્યત્વે પાન મસાલા, બીડી, સિગારેટ, સોપારી, તમાકુ, ચૂનો અને કરિયાણાની વસ્તુઓનો વેપાર કરતા હતા.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં દુકાન કે ગોડાઉનમાં રહેલા ફિઝિકલ સ્ટોક અને ચોપડે નોંધાયેલા સ્ટોક વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો હતો. જેના પરથી મોટા પાયે બિનહિસાબી વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત ટેક્સ ઇન્વોઇસ ઇશ્યૂ કરવામાં આવ્યા નહોતા અને ટેક્સેબલ ટર્નઓવર છુપાવવામાં આવ્યું હતું.

રાજ્ય કર વિભાગ દ્વારા આ કથિત ટેક્સની બાકી રકમ વસૂલવા માટેની કાયદેસરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ વધુમાં ઉમેર્યું હતું કે, અન્ય મોટા બિઝનેસ-ટુ-કન્ઝ્યુમર સેક્ટર્સમાં પણ આ પ્રકારની જીએસટી ચોરી થતી અટકાવવા માટે ઓપરેશન દરમિયાન એકત્રિત કરાયેલા ડેટાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.