(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ઓગસ્ટ 2026 દરમિયાન ગુજરાતમાં ગુડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સની આવકમાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ હતી. રાજ્યની સ્થાનિક જીએસટી આવકમાં વાર્ષિક ધોરણે 15 ટકાનો વધારો થયો હતો. કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, ગુજરાતે ઓગસ્ટ 2026માં સ્થાનિક જીએસટી પેટે રૂ. 12,047 કરોડ એકત્ર થયા હતા, જે ગયા વર્ષના સમાન મહિનામાં રૂ. 10,482 કરોડ હતા.
રાજ્યની પ્રી-સેટલમેન્ટ સ્ટેટ જીએસટી આવકમાં પણ 11 ટકાનો વધારો નોંધાયો હતો. જે ઓગસ્ટ 2025ના રૂ. 3882 કરોડથી વધીને ઓગસ્ટ 2026માં રૂ.4325 કરોડ થઈ હતી. ગુજરાતના ઇન્ટિગ્રેટેડ જીએસટી હિસ્સાના સેટલમેન્ટ પછી રાજ્યની પોસ્ટ-સેટલમેન્ટ એસજીએસટી આવક 28 ટકા વધીને રૂ.8312 કરોડ પર પહોંચી હતી, જે અગાઉના વર્ષે રૂ. 6470 કરોડ હતી.
ઉત્તર પ્રદેશ 19 ટકાના વધારા સાથે પ્રથમ ક્રમે રહ્યું હતું. જ્યારે તેલંગાણા 16 ટકા સાથે બીજા અને ગુજરાત 15 ટકા સાથે ત્રીજા ક્રમે રહ્યું હતું. એપ્રિલથી ઓગસ્ટ 2026ના સમયગાળા દરમિયાન ગુજરાતની પોસ્ટ-સેટલમેન્ટ એસજીએસટી આવક રૂ. 41,627 કરોડ રહી હતી, જે 2025ના સમાન સમયગાળાના રૂ. 32,396 કરોડ કરતાં 28 ટકા વધારે હતી.