ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે સિંહ અને દીપડાનો પ્રશ્ન પૂછાયો હતો. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ એશિયાઇ સિંહના સિંરક્ષણ અને સંવર્ધન તથા તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણે રાજ્યમાંથી પકડવામાં આવેલા દીપડાનો પ્રશ્ન પૂછ્યો હતો.
બે વર્ષમાં કેટલા દીપડા પકડાયા
તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણે પૂછ્યું કે, 31-12-2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં માનવ ઘર્ષણને લક્ષમાં રાખી રાજ્યમાંથી કેટલા દીપડા પકડવામાં આવ્યા અને તે પૈકી કેટલાને રેસ્ક્યુ સેન્ટર અને કેટલાને પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવ્યા છે?
જેનો જવાબ આપતાં વન પ્રધાને જણાવ્યું, 31-12-2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં માનવ ઘર્ષણને લક્ષમાં રાખી રાજ્યમાંથી કુલ 448 દીપડાના પકડવામાં આવ્યા છે. તે પૈકી 74ને રેસ્ક્યુ સેન્ટર અને 12 દીપડાને પ્રાણી સંગ્રહાલય ખાતે રાખવામાં આવ્યા છે.
એશિયાઇ સિંહના સિંરક્ષણ અને સંવર્ધન બાબતે જાગૃત્તિ લાવવા શું કામગીરી થઈ
સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ પૂછ્યું કે, 31-12-2025ની સ્થિતિએ રાજ્યમાં એશિયાઇ સિંહના સિંરક્ષણ અને સંવર્ધન બાબતે જાગૃત્તિ લાવવા કોઈ કામગીરી કરવામાં આવે છે કે કેમ અને જો હા તો છેલ્લા બે વર્ષમાં શું કામગીરી થઈ?
જેના જવાબમાં વન પ્રધાને કહ્યું, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં એશિયાઈ સિંહના સંરક્ષણ અને સંવર્ધન બાબતે જાગૃતિ લાવવા સરકાર દ્વારા નીચેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત ગામડાઓમાં વન્યજીવ સંરક્ષણ અંગે માહિતગાર કરવા માટે પ્રવચન, પ્રદર્શન અને માર્ગદર્શન આપવામાં આવે છે. વિશ્વ સિંહ દિવસ, વન્યપ્રાણી સપ્તાહ અને વિશ્વ વન્યપ્રાણી દિવસ જેવા પ્રસંગોની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો થતી જેવા કે જાગૃતિ કાર્યક્રમો, સ્પર્ધાઓ અને પ્રચાર પ્રવૃત્તિઓ, પોસ્ટર, પેમ્ફલેટ, બેનર તથા ડોક્યુમેન્ટરી ફિલ્મોના માધ્યમથી માહિતીનો વ્યાપક પ્રસાર, સોશિયલ મીડિયા તેમજ વિવિધ જાહેર કાર્યક્રમોના માધ્યમથી પણ લોકો સુધી વન્યજીવ સંરક્ષણની માહિતી પહોંચાડવામાં આવે છે. ઉપરાંત પ્રકૃતિ શિક્ષણ શિબિરો દ્વારા શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓને વન્યજીવસૃષ્ટિ, વન્યજીવો તથા વન્યપ્રાણીઓના સંરક્ષણ અંગે માર્ગદર્શન અને જાગૃતિ આપવામાં આવી છે. ઇકો ડેવલપમેન્ટ સમિતિઓના સંકલનમાં વન્યજીવ સંરક્ષણ બાબતે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા.
વર્ષ 2025 દરમિયાન હાથ ધરાયેલ સિંહ વસ્તી અંદાજના સમયગાળામાં પણ સ્થાનિક લોકો અને આગેવાનો માટે વિશેષ જાગૃતતા અને તાલીમ કાર્યક્રમ યોજી તેઓને પણ આ કામગીરીમાં સીધી રીતે જોડવામાં આવ્યા હતા.